________________
૨૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ વંદન કરી આવ્યા. તેમની અમૃતવાણીની શી વાત? જુઓને હજી મનુષ્યો ને દેવો તો ત્યાં આનંદનો મહાસાગર માણી રહ્યા છે.”
આ સાંભળતા જ ઇન્દ્રભૂતિ ગૌતમ ચમક્યા” બરાબર આ મહાયજ્ઞના અવસરે ? મને બધા સર્વજ્ઞ કહી વખાણે છે ત્યારે મારી ઉપસ્થિતિમાં, મારી જ સામે એ પોતાને સર્વજ્ઞ કહે છે અને આ ટોળાં ને ટોળા માની પણ લે છે એની વાતને ! મહા આશ્ચર્ય ! કોઈ ઈન્દ્રજાલિક લાગે છે.
આ મહાપૂર્ખ માણસોને જ ઠગ્યા નથી. દેવોને પણ છેતર્યા છે ! સંસાર જાણે છે કે સર્વજ્ઞ ઇન્દ્રભૂતિ ગૌતમ અહીં અધિનાયક છે. છતાં આ માણસો ને દેવો ત્યાં ચાલ્યા ! ગયા ને ભરમાઈ પણ ગયા ! તેને પરાજિત અને નિસ્તેજ કરી નસાડ્યા સિવાય કોઈ માર્ગ કે ઉપચાર નથી. તેના મિથ્યા આડંબરનો પડદો ઊંચકવો જ રહ્યો અને એણે જોયો નથી. વિના વિલંબે મારે હમણાં જ ત્યાં પહોંચવું જોઈએ અને તેના સર્વજ્ઞપણાના આડંબરના ચૂરેચૂરા કરી નાખવા જોઈએ.
ઇત્યાદિ વિચારીને પોતાના પાંચસો શિષ્યો સાથે લઈ ગૌતમ સમવસરણ તરફ ચાલ્યા. માર્ગમાં તેમની બિરૂદાવલિને શિષ્યો જોરશોરથી બોલતા હતા. એમ કરતા તેઓ સમવસરણ સુધી આવી પહોંચ્યા અને અશોકવૃક્ષ નીચે મણિમય સિંહાસને બિરાજેલા પ્રભુને જોઈ આભા જ બની ગયા. “અતિશય સ્વરૂપવાન અને તેના ભંડાર જેવા આમની પાસે બોલાશે શી રીતે ? કેવા અદ્ભુત ને અનુપમ છે આ? એવામાં પ્રભુ જ બોલ્યા “ઓ ઇન્દ્રભૂતિ ગૌતમ! તું ભલે આવ્યો કુશળ છે ને?
આ સાંભળી તે વિચારે છે કે- “આ તો મારું નામ અને ગોત્ર બધું જાણે છે. પણ હા, મને તો બધા જાણે જ ને? એ આમ મીઠું બોલી મને ભરમાવા માંગે તો હું કાંઈ છેતરાઈ નહીં જાઉં. આ ખરેખર બધું જ જાણનારા સર્વજ્ઞ હોય તો મારી શંકા અને મનની વાત કહે.” ત્યાં તો જળધર જેવા ગંભીર નાદે ભગવાને કહ્યું – “હે ગૌતમ! તને જીવ બાબત સંશય છે તે ઉચિત નથી. પ્રત્યક્ષ દેખાતો નથી, તેથી તેનો સહેલાઈથી તને અભાવ પણ જણાય છે. ઘડો, કાપડ, લાકડું આદિની જેમ જીવ દેખાતો ન હોઈ તું એમ ધારે છે કે સસલાના સિંગડાની જેમ જીવ નથી. એમ પ્રત્યક્ષ પ્રમાણથી જીવ સિદ્ધ (સાબિત) ન થવાથી તું એમ માને છે જે યોગ્ય નથી. તેવી જ રીતે અનુમાન પ્રમાણથી પણ જીવની સિદ્ધિ ન થઈ શકી કારણ કે પ્રત્યક્ષ થયા વિના અનુમાન પણ થતું નથી જેમ રસોડાના અગ્નિમાંથી નીકળતો ધુમાડો નજરે જોયો હોય તો જ બીજીવાર ક્યાંક ધૂમાડો જોઈ અગ્નિનું અનુમાન કરી શકાય કે અહીં ધુમાડો છે, માટે અગ્નિ હોવો જોઈએ. કેમ કે જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ પણ હોય.”
આમ અનુમાન પ્રમાણથી આત્મા તારાથી પ્રમાણિત ન થઈ શક્યો. કેમ કે એવો કોઈ હેતુ તને મળ્યો જ નહીં. તને એમ પણ લાગ્યું કે આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી.