________________
૧૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ~
કોશાની કથા પાટલીપુત્ર નગરમાં નિરવધિ રૂપ-લાવણ્ય-કલાચાતુર્યાદિ ગુણમણિના કોશ જેવી કોશા નામની ગણિકા હતી. ત્યાંના મહામાત્ય શકટાલમંત્રીના મોટા પુત્ર સ્થૂલભદ્રને આ ગણિકા ઉપર અત્યંત પ્રીતિ હોઈ તેઓ ત્યાં જ રહેતા હતા. ત્યાં રહી તેમણે સાડાબાર કોડ સુવર્ણમુદ્રાનો વ્યય કર્યો હતો. કોશાને પણ સ્થૂલભદ્ર પર અપાર મમતા ને પ્રીતિ હતી, રાજયના પ્રપંચથી ને ષડયંત્રના ભોગ બનેલા પોતાના પિતાના અકાળ અવસાનથી ખિન્ન થયેલા સ્થૂલભદ્રને ઘણું સમજાવવા છતાં મહામાત્યની પદવી ન લીધી ને વૈરાગ્યવાસિત થઈ તરત દીક્ષા લીધી.
ગુરુ મહારાજ પાસે રહી તેમણે જ્ઞાન-ધ્યાનાદિ કરવા માંડ્યા. એમ કરતાં ચોમાસું આવતાં તેમણે કોશાને પ્રતિબોધવા તેને ત્યાં જ ચોમાસું કરવા જવાની ગુરુ મહારાજ પાસે આજ્ઞા માગી. યોગ્ય જાણી ગુરુજીએ અનુમતિ આપી. તેઓ ચાતુર્માસ પધારતાં કોશાની આનંદોર્મિની હેલી ચઢી. ઘર છોડી ચાલી ગયેલા પ્રિયતમ પાછા ઘરે આવ્યા.
એ મધુરી ઘડી-ક્ષણ-પળ સજીવ થઈ ઉઠશે. તેનો ઉમળકો, ઈચ્છાને તરંગો ચોખા જણાઈ આવતા હતા. તેનો નિર્દભ પ્રેમ પ્રિયતમને ચરણે બધું જ ધરી દેવા આતુર હતો ને સ્વાદુ ષટ્રસ ભોજન ઘણા ભાવથી બનાવતી ને વહોરાવતી. વિણાના તાર પર તેની આંગળી ફરતી ને આખું વાતાવરણ ફરી જતું. તે ગાતી ને નવી જ સૃષ્ટિ જાણે ઊભી થતી. તે નાચતી ને સૃષ્ટિમાં ચેતના ચમકી ઉઠતી. શું તેની દેધ્ય?િ તેના એક એક અંગ-ઉપાંગમાંથી જાણે સુડોળ કળા ને કાવ્ય ઝરતાં હતાં, માદક રસ ભર્યું યૌવન નિતરતું હતું. પરંતુ શ્રી સ્થૂલભદ્ર તો આત્માનું ઐશ્વર્ય માણી રહ્યા હતા. વિરાગની અચિંત્ય મધુરિમા આસ્વાદી રહ્યા હતા. નિજાનંદની મોજમાં તેમનો અણુએ અણુ-પ્રદેશે પ્રદેશ લયલીન થઈ ગયો હતો.
અનાહતના નાદમાં સંસારની સમસ્ત રાગિની સમાઈ ગઈ હતી, ને મુક્તિનો મહારાગ આલાપાઈ ચૂક્યો હતો. તેના આરોહ-અવરોહના તાનપલટા બિચારી કોશા સમજી શકતી નહોતી. તેણે પોતાની કળા, ચતુરાઈ, પ્રીતિને રીતિ પ્રકટ કરવામાં કોઈ મણા નહોતી રાખી. પણ જયારે શ્રી સ્થૂલભદ્રે પોતાની કળા-આત્મકળા બતાવી ત્યારે કોશા તેમની મહાનતા જોઈ બાળકની જેમ ચરણોમાં ઢળી પડી. પોતે કરેલી બાલચેષ્ટાની ક્ષમા માંગી. શ્રી સ્થૂલભદ્ર તેને આંતર વૈભવ બતાવ્યો. ઉપદેશ દઈ પ્રતિબોધી ને વ્રતધારી શ્રાવિકા બનાવી, કોઈપણ સંયોગમાં ધર્મમાં દઢ અને સ્થિર રહેવાની શિખામણ આપી.
ધર્મ પામ્યાનું અહોભાગ્ય સમજાવી વિહાર કર્યો ને અખંડ ચારિત્રવાળા તેઓ આવ્યા ગુરુમહારાજ પાસે. “દુષ્કર દુષ્કર કારક' તરીકે તેમને ગુરુએ સંબોધ્યા ને સંઘ સમક્ષ તેઓ આદર પામ્યા. કોશા રાજનર્તકી હતી. રાજાએ મોકલેલા પુરૂષને પ્રસન્ન કરવા એ તેનો વ્યવસાય હતો.