________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૮૨
પુત્રને આપવો નક્કી કર્યો. કેમ કે ધન છે તો બધું જ છે. અપૂજ્ય પણ પૂજ્ય, અગમ્ય પણ ગમ્ય અને અવન્ધ પણ વન્ધ થાય એ પ્રભાવ ધનનો છે. આમ આ દંપતીએ ધનની લાલચે અનર્થ કરવાનો નિર્ધાર કર્યો.'
ઉદ્ઘોષકને બોલાવી વરદત્તે કહ્યું-‘આ મારો પુત્ર લઈ જાવ અને સુવર્ણપુરુષ અમારા ઘ૨માં લાવીને મૂકો.’ તેમણે કહ્યું-‘એમ કાંઇ સોનાનો પુરુષ મળે નહીં. તે ભાંગેલા દરવાજા પાસે આવી તેને વિષપાન કરાવો ને ગળે ઘા કરો પછી સોનાનો પુરુષ મળે. કેમ કે આ હત્યા કરે કોણ?' પતિ-પત્નીએ એ વાત માની. તેમના પુત્ર ઇન્દ્રદત્ત બાળકે વિચાર કર્યો કે શું સંસારના લોકોને તેમની સ્વાર્થબુદ્ધિ છે ! માતા-પિતા પણ ધન માટે પુત્રને મારવા તૈયાર થાય. આથી વધુ આશ્ચર્ય શું હશે ?' મહાજનને ઇન્દ્રદત્ત સોંપવામાં આવ્યો. તેના મા-બાપે જેમ મહાજન કહે તેમ કરવા કબુલ કર્યું. ઇન્દ્રદત્તને સુગંધી દ્રવ્યોનું મર્દન, સ્નાન-વિલેપન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવી પુષ્પમાળા આદિથી સજાવી દ૨વાજા પાસે વાજતે-ગાજતે ઠાઠમાઠથી લાવવામાં આવ્યો. રાજા-પ્રધાનમંડળ, નગરના ગણ્યમાન્ય પુરુષો તેમજ અગણિત જનસમુદાય ત્યાં ઉપસ્થિત હતો. બાળક જ્યારે વધસ્થાને લાવવામાં આવ્યો ત્યારે તેના મુખ પર આનંદ અને સ્વસ્થતા ઝળકતી હતી. સહુને વિસ્મય ઉપજાવે તેવી આ વાત હતી. અત્યારે તો વજની છાતીવાળો પણ મૃત્યુના ઓળા જોતો ને રોતો હોય. તેની વધતી જતી ખુશી જોઈ રાજાથી ન રહેવાયું ને તેમણે પૂછ્યું-‘મરણ સામે ઉભું છતાં તને વિષાદની જગ્યાએ આનંદ કેમ જણાય છે ?’ તેણે કહ્યું-‘મહારાજા, વિદ્યાભ્યાસમાં મેં જાણ્યું હતું કે જ્યાં સુધી સમીપ ન આવે ત્યાં સુધી ડરવું પણ જ્યારે ભય સમક્ષ આવી ઉભું હોય ત્યારે ડરવાથી શું વળવાનું છે ? માટે હું ભય સામે નિર્ભય થઈ ગયો છું. શરણથી જ મરણનો ભય ઉત્પન્ન થવાથી હંસના જેવી સ્થિતિ મારી થઇ છે.' રાજાએ તે હંસની વાત પૂછતાં તેણે કહ્યું‘મહારાજા સાંભળો :- કોઈ અરણ્યમાં મોટા સરોવર કાંઠે એક મોટું સીધું ને ઊંચું વૃક્ષ હતું. તેની ઉપર ઘણા હંસો વસતા હતા, નાના, યુવાન અને વૃદ્ધ. ઝાડના મૂળ પાસે ઉગેલી એક વેલ ઝાડને વીંટાઇને ઉપર વધવા લાગી. તે જોઇ વૃદ્ધ હંસે સર્વ હંસને ચેતવણી આપતા કહ્યું, આ વેલના અંકુરને તમે ચાંચથી કરડી ખાજો, ઉ૫૨ સુધી વધી જતાં આપણા માટે મરણાંત કષ્ટ આ વેલ ઉભું કરશે. આ સાંભવી યુવાન હંસો હસવા લાગ્યા. કે ક્યાં સુધીનું શંકાશીલ મગજ ! ઘરડા થયા ને ઘણું જીવ્યા તોય હજી મરણનો ભય કેટલો છે ? તેમને અમર થવું લાગે છે. આ અંકુરો કેવા સરસ લાગે છે ને આમાંથી કેવી રીતે મૃત્યુ ઉદ્ભવી શકે એ જ સમજાતું નથી.' આમ સહુએ વૃદ્ધની વાત હસી કાઢી. તે હંસદાદા ઝંખવાણા થઇ ગયા. વેલો વધતો રહ્યો. વૃદ્ધ હંસે વિચાર્યું આ તરુણાઈના તોરમાં પોતાના જ હિતાહિતને સમજી શકતા નથી. જેમ નકટા માણસને સ્વચ્છ આયનો (દર્પણ) બતાવતાં આનંદને બદલે ક્રોધ જ થાય તેમ પ્રાયઃ વર્તમાનમાં કોઈને કામની-સાચી શિખામણ આપીયે તો સામાને ક્રોધ જ થાય. વળી પ્રાણીવાર્તામાં કહેવાયું છે કે જે તે માણસને ઉપદેશ આપવો જોઈએ નહીં. જૂઓ ! મૂર્ખ વાનરે સુઘરીને ઘર વિનાની કરી.