________________
૧૮૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
પણ કટાણું ન થયું. તમારી સમતુલા ને સ્વસ્થતા અચરજ પમાડે તેવી છે.’ અચંકારીએ હાથ જોડી સસ્મિત વદને કહ્યું - ‘ભગવન્ ! રોષ અને રીસના પરિણામ મેં અહીં જ ભોગવ્યા છે. તેના અનિષ્ટ ફળ ન જોઈતા હોય તો રોષાદિ છોડવા જ જોઈએ.' મુનિના પૂછવાથી તેણે પોતે અનુભવેલ વ્યથાની કથા કહી સંભળાવી. સાંભળનાર માત્રની આંખો ભીની થઈ અને તે દેવ પણ પ્રત્યક્ષ થઈ પ્રણામપૂર્વક બોલ્યો કે– ધન્ય છો તમે. ઇન્દ્ર પણ તમારી પ્રશંસા કરે છે. તમને રોષ કે રીસ આવે છે કે નહિ ? તે જોવા હું આવ્યો હતો ને સીસાઓ ફૂટતાં બતાવ્યા હતા. પણ લો આ તમારા સીસા આખા જ છે. મેં જે અપરાધ કર્યો તેની ક્ષમા પ્રાર્થં છું. તમારા દર્શનથી હું પણ ધન્ય થયો છું.' ઇત્યાદિ સ્તુતિ કરી દેવ ચાલ્યો ગયો. વિસ્મય પામતાં મુનિ ઉપાશ્રયે આવી ગુરુજીને વૈયાવચ્ચ કરતા અચંકારીનું આશ્ચર્યકારી ચરિત્ર સંભળાવી રહ્યા. સહુએ તેની સ્વસ્થતા ને ધૈર્યનું ખૂબ જ અનુમોદન કર્યું. પોતાની શ્લાઘા ઇન્દ્રે કરી અને દેવની પરીક્ષામાં ખરી ઉતરી એનો એણે કદી ગર્વ કર્યો નહીં પણ તેથી વધારે નમ્ર જ બની. આમ તેણે શુદ્ધ શ્રાવિકાનો ધર્મ જીવનભર પાળ્યો. અંતે સમાધિમરણ અને સ્વર્ગ પામી ત્યાંથી ચ્યવી મોક્ષે જશે.
આ અચંકારી ભટ્ટાનું કથાનક સાંભળી સુબુદ્ધિવાળા મહાનુભાવે અતિ દુઃખમાં પણ ધર્મ છોડવો નહીં, જેથી અલ્પકાળમાં જ મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ થાય.
૫૧
ચતુર્થ આગાર-ગુરુનિગ્રહ
માતા-પિતા- વિદ્યાગુરુ- કલાચાર્ય આદિ જિનધર્મથી વિપરીત મતિવાળા હોય. તેમનો આગ્રહ આપણે માનવો જ પડે એવી સ્થિતિ ઊભી થતાં, નિષિદ્ધનું (ત્યાગેલું) સેવન કરવું પડે તો અપવાદમાર્ગે આ આગારથી વ્રતભંગ ન થાય.
માતા-પિતા- કલાચાર્ય- વિદ્યાગુરુ- તેમના વડીલો, જ્ઞાતિજનો ને વૃદ્ધો તથા ધર્મોપદેશદાતા આદિને સત્પુરુષો ગુરુજન તરીકે ઓળખાવે છે. કેટલાક સત્ત્વશાલી જીવો ઉત્સર્ગને અવલંબી અનેક કષ્ટો વેઠી લે છે પણ અપવાદ માર્ગને સેવતા નથી. સુલસનું જીવન આ બાબતમાં પ્રેરણાદાયક છે.
સુલસની કથા
રાજગૃહીનગરીમાં અતિનિર્દય અને ક્રૂર કાલકસૂકરિક નામનો કસાઈ રહેતો હતો. તે રોજ પાંચસો પાડા મારતો હતો. તે એક દિવસ માટે આ હત્યા ન કરે તે માટે રાજા શ્રેણિકે તેને કૂવામાં ઉતાર્યો હતો. કારણ કે કૂવામાં પાડાની હિંસા ક્યાંથી કરી શકશે ? પરંતુ તે ઘોર હિંસકને હિંસા