________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૧૮૯ કર્યા વિના ચેન પડતું ન હતું. ત્યાં તેણે કાદવના પાડા બનાવી તે પણ માર્યા તેમ કર્યા પછી જ તેને સંતોષ થયો. આમ તેણે અતિઘોર પાપકર્મ કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મોંઘું જીવન માઠા કામમાં ખર્ચાઈ ગયું. કારમી માંદગીમાં એ પટકાયો, લાખ લાખ ઉપચાર છતાં શરીર ગળતું જ ગયું. તે મરણશયામાં પડ્યો પડ્યો કણસવા લાગ્યો. તેને દાહજવર થયો. શરીરે તેજાબ ચોપડ્યું હોય તેવી કાળી બળતરા થવા લાગી. ક્ષણવારે કળ વળે નહીં ને તેનું દુઃખ કોઈથી જોવાય નહીં. તેનો એક દિકરો શાણો ને સમજુ, સભ્ય ને સંસ્કારી. નામ એનું સુલસ. દીકરો કસાઈનો પણ જીવન જૈનોનું. પિતાની શાતા શાંતિ માટે તેણે પુષ્પોની શયા પથરાવી, સુગંધી છંટકાવ કર્યા. ચંદન-બરાસના વિલેપન કર્યા. શીતલ વીંઝણા વીંઝાવ્યા, મનગમતા ખાન-પાન કરાવ્યાં વેદના વિસારે પડે માટે કર્ણપ્રિય ગીત ને સુમધુર સંગીત છેડાવ્યાં. નવકાર મહામંત્ર અને મહાવીરદેવના હિતવાક્યો સંભળાવ્યા.
જેમ જેમ આ બધું કરવામાં આવે તેમ તેમ એ વધારે ને વધારે બરાડે. સુલસ બધા ઉપાય કરીને થાકી ગયો. છેવટે કંટાળીને પોતાના મિત્ર, મગધના મહામંત્રી અભયકુમાર પાસે આવી પિતાની શાંતિ માટે ઉપાય પૂછ્યો. ને પોતે જે જે ઉપચાર કર્યા હતા તે કહ્યા. અભયકુમારે કહ્યું - “સુલસ ! આવો અઘોર પાપ કરનાર અવશ્ય નરકે જાય છે તેથી નરકાનુપૂર્વી (બલાત્કારે નર્ક લઈ જનાર કર્મ) તેની સામે નાચી રહી છે તેથી સુખના સમસ્ત સાધનો તેને દુઃખરૂપ લાગશે, માટે દુઃખના કારણભૂત-નરકને યોગ્ય પદાર્થોથી તેને શાંતિ થશે. અર્થાત્ કડવા આહાર, ખારાં પાણી, અશુચિના વિલેપન, કાગડા-ગધેડાના સ્વર શ્રવણ, કાંટા-કાંકરાની પથારીમાં શયન આદિ ઉપચારથી તેને શાંતિ થશે.” તેમ કરવાથી તેને ખરેખર શાંતિ થઈ પણ ખરી. અંતે મૃત્યુ પામી તે સાતમી નરકે ગયો.
અભયકુમારની સંગતથી તે ધર્મ પામ્યો હતો; તેમજ પરમાત્મા મહાવીરદેવને તે પોતાના તારક પરમાત્મા દેવાધિદેવ માનતો હતો. તેણે પાપના આવા વિપરીત ફળ પ્રત્યક્ષ જોઈ પ્રભુ પાસે બાવ્રત સ્વીકાર્યા અને મહાવીરદેવનો તે વ્રતધારી શ્રાવક થયો. બાર દિવસ પછી તેના સગાસંબંધી તેને બાપાની પાઘડી બાંધવા લાગ્યા. સુલસે ના પાડી. કુલક્રમથી ચાલ્યો આવતો કસાઈનો ધંધો કરવાની પણ ના પાડી. માતા-બહેન આદિ કહેવા લાગ્યા- “આપણો ધંધો આપણે કરીએ તેમાં પાપ ન લાગે.' સુલસે કહ્યું – “શું વિષ નિપજાવનારને વેચનાર વિષ ખાય તો ન મરે ? હિંસા કરનારને પાપ લાગે જ.” માતા-બહેન આદિ કહેવા લાગ્યા- “જો પાપ લાગતું જ હશે તો ધનની જેમ તે પણ વહેંચાઈ જશે.'
સુલસે તરત કુહાડી મંગાવી પોતાના પગ પર મારી, ને ચાલી લોહીની ધારા, કપાયેલા માંસમાંથી હાડકું દેખાય. સહુ બાઘાની જેમ જોઈ રહ્યા, પગ પર કુહાડીની વાત તો સાંભળી હતી, પણ આમ કોઈ પગ પર મારે એ જોયું તો નહોતું જ. સુલસ તો જોરથી રાડો પાડે કે- “આ દુઃખ