________________
૧૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
તારે પણ દાસત્વમાંથી જીવને છોડાવવા આ સમજવા જેવું છે. મહારાજાને પણ આદરપૂર્વક જણાવજે કે મારી પાસે સ્વપ્નમાં પણ આવી આશા ન રાખશો. શીલ એ આપણી મોંઘી મૂડી છે, આપણે એ કુળમાં અવતર્યા છીયે, જ્યાં દેવોના રાજા પણ અવતરવાની ઇચ્છા રાખે છે. ઝુંપડપટ્ટાના માનવી આપણે નથી.' દાસીએ બધી વાત રાજાને કહી અને ભલામણ કરી કે આની આશા રાખશો નહીં. બધા હારે પણ કામી કદી હારતો નથી. કામીની લાલચનો પાર નથી. રાજાએ વિચાર્યું, સ્ત્રી તરત હા પાડે જ નહીં. હા પાડતા પહેલા એકવાર તો ના પાડે જ. એની હા કે નાની કિંમત કેટલી? પણ હા ! જયાં સુધી યુગબાહુ હશે ત્યાં સુધી એ એકદમ માને નહીં. એ સુંદરીના સહચાર વિના આ રાજ અને વૈભવ બધું જ વ્યર્થ છે. હવે તો યુગબાહુનો અંત આવવો જોઈએ. એમ વિચારી રાજા સગાભાઈને મૃત્યુને આરે ઉતારવાની પેરવી કરવા લાગ્યો અને તેનો જોઈતો અવસર આખરે મળી ગયો.
એકવાર યુગબાહુ અને મદનરેખા ગ્રીષ્મઋતુમાં ઉપવનમાં ઋતુવિહાર માટે આવ્યા. આખો દિવસ ક્રીડા કરી તે દંપતી રાત્રે પણ રાજવાટિકાના કદલી (કેળ) ગૃહમાં જ રહ્યાં. દિવસભરના થાકેલા, રજનીગંધાની મહેંકભર્યો શીતલ પવન અને ઉષ્મા. એક શય્યા પર બંને નિઃશંક થઈને સૂતા છે. પ્રહરથી વધારે રાત્રિ વીતી ગઈ છે. રાજા મણિરથને લાગ મળી ગયો. તે સાદા વેષમાં ત્યાં પહોંચી ગયો. પતિ-પત્ની નિરાંતે ઊંઘી રહ્યાં છે. નિર્દય-નિપુર મણિરથે કાંટા જેવા ભાઈ અને કુસુમકળી જેવી મદનરેખાને જોઈ. એકને જોઈ વિદ્વેષ બીજાને જોઈ અપાર અનુરાગ પણ અત્યારે અનુરાગનો અવસર નહોતો. તેણે તલવાર કાઢીને યુગબાહુના ગળા ઉપર જોરથી ઝાટકી. એક ચીસ પડી. મદનરેખા જાગી ગઈ. નાસતા મણિરથને તે ઓળખી ગઈ. યુગબાહુના ગળાની નસે કપાઈને તેમાંથી લોહીની જાણે નીકો વહી. આ જોઈ મદનરેખા બેબાકળી ને બહાવરી બની ગઈ. બધું સમજાઈ ગયું. પતિનું મૃત્યુ- પોતાને વૈધવ્ય, ભાઈએ ભાઈની કરેલી હત્યા, કામી માણસમાં પેઠેલો રાક્ષસ. પોતાની પરાધીનતા પતિને વિદાય આપવાનો સમય... તે તરત સાવધાન થઈ. નિર્બળ બન્યું નહીં ચાલે. પતિના કાન પાસે મુખ કરી મધુર સ્વરે ધીરેથી બોલવા લાગી- પ્રિયતમ ! મહાનુભાવ! તમે જરા પણ ખોટો ખેદ ન કરતા. બધે સ્વયંના કરેલા પૂર્વના કર્મો જ અપરાધ કરે છે. અર્થાત્ આપણું કોઈ પણ અહિત નથી કરી શકતું પણ પૂર્વકમેં બધું થાય છે. માટે આંતરિક સમતુલા સાચવજો. તમારા મનને સમાધિમાં સ્થાપો, શ્રી જિનેન્દ્ર પરમાત્માનું શરણ લો. તે જ એકમાત્ર જીવનો આધાર છે.
સંસાર આખો સમૃદ્ધિ અને જીવોથી ભરેલો છે. પણ તેમાં આપણું કશું જ નથી. માટે મમત્વ છોડી દો. આપણું અહિત આપણા સિવાય કોઈ કરી શકતું નથી. જીવો અજ્ઞાનવશ સ્વયંનું અહિત ન કરે, બધાં જીવો સુખી થાય. દુઃખના મૂળ કારણ પાપનું કોઈ પણ સેવન ન કરે, મારો કોઈ શત્રુ નથી. મારે કોઈથી શત્રુતા નથી. સહુનું કલ્યાણ થાવ એવી તમે ભાવના ભાવો. આ