________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૧૯૫ સમય ખેદ કે પ્રમોદનો નથી. આત્મકલ્યાણ માટે સાવધાન થાવ. સહુને જવું તો છે જ. કોઈ બે દિવસ વહેલા કોઈ બે દિવસ મોડા. પણ જવાના તો નક્કી જ. અરિહંતાદિના શરણ મળે ને કદાચ વહેલા જવું પડે તો ય વસવસાનું કારણ નથી. કરોડો વર્ષ જીવીએ અને બધું હારીને મરી જઈએ! શો અર્થ સરે? તમે ધન્ય છો, કૃતપુણ્ય છો. શ્રી પરમેષ્ઠી મહામંત્રનું ધ્યાન ધરો. તેથી તમારી બધી પીડા ઉપશાંત થશે, તમારા બધા દુષ્કર્મોનો નાશ થશે. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ને યુગબાહુએ ઉપશાંત થઈ ધર્મ-નવકારના ધ્યાનમાં પ્રાણ છોડ્યા અને પાંચમા સ્વર્ગમાં દેદીપ્યમાન કાયાવાળો દેવ થયો.
પતિના પ્રાણ ઊડી ગયા. શરીર ટાઢે થઈ ઢળી ગયું. હવે મદનરેખાને પોતાની ચિંતા થવા લાગી. ભોજાઈના સહચાર માટે સગા ભાઈનો હત્યારો બનેલો રાજા હવે શું નહીં કરે? વરુ પાસે બકરી કે બાજ પાસે ચકલીનું જોર કેટલું? હું મારું શિયળ કેવી રીતે સાચવીશ? હું સગર્ભા છું મરવું પણ સારું નથી. મહેલમાં મારી ઘણી સંપત્તિ ને સગો દીકરો છે. ઘણી સગવડ પણ છે. પણ તે લેતા શિયળ જાય તેવો સંદેહ છે. હવે એક જ રસ્તો છે, અહીંથી છટકી જઉં. અશુભનો ઉદય તો આવ્યો જ છે. નહીં તો પતિ અકાળે મૃત્યુ ન પામત. હું હવે જ્યાં જઈશ ત્યાં ક્લેશ- પીડા તો આવશે જ. પછી મહેલમાં રહું કે ઝુંપડામાં શું ફર્ક પડવાનો? અને મદનરેખા હિંમત કરી મધ્યરાત્રિએ નીકળી પડી. એકલી ને નિરાધાર. બસ, એને મણિરથથી દૂર ચાલ્યા જવું છે. ચાલતાં ચાલતાં ઉતરી ગઈ એ તો ઘોર અરણ્યમાં, જ્યાં દિવસે પણ મોટાં સાહસિકના છક્કા છૂટી જાય. જયાં નજર જાય ત્યાં ભય, અકળામણ ને ધ્રુજારી, કાળા ભૂત જેવા વાંદરાના ઓળા, ચિબરી ને ઘુવડની ચિચિયારી ને ચિત્કાર- સૂસવાટા મારતો પવન, નહીં કેડી નહીં રસ્તો ક્યાંક અજગર ને સર્પ, ક્યાંક કાળોતરા, ક્યાંક હરણના ટોળા, પ્રસુપ્ત પડેલ વાઘ, ક્યાંક દૂર-સુદૂર શિયાળની અણગમતી અવાજ પણ એ તો ધર્મને ભરોસે ચાલી જાય છે. ત્રાસનો તો પાર નથી. વૈર્ય પણ અપાર છે. જંગલના ફળથી ભૂખ સંતોષે છે, ઝરણાના પાણી પીને સમય વિતાવે છે. કોઈવાર સાવ પાસેથી સાવજ, દીપડો કે કાળો વિષધર પસાર થઈ જાય છે. એનાં ધબકારા વધી જાય છે, એ છળી ઉઠે છે. પણ ધર્મના પસાયે એને જાણે કોઈ જોતું જ ન હોય તેમ પોતપોતાની રાહે ચાલ્યા જાય છે. થાકે એટલે ક્યાંક વિશ્રામ લે. પાસેની રત્નકંબલ ઓઢી લે. નવકાર ગણતી સૂઈ પણ જાય. માણસને આપત્તિ આવે ત્યારે જાણે દસે દિશાએથી આવી લાગી છે. મોટા ડુંગરાઓની વચ્ચે સાગર જેવું લાગતું તળાવ જોઈ તે બેઠી વિશ્રાંતિ લેવા. ત્યાં તેને પ્રસૂતિની પીડા થવા લાગી. એક વૃક્ષ નીચે તેણે બાળકને જન્મ આપ્યો. થોડીવારે સ્વસ્થ થતા બાળકને રત્નકંબલમાં લપેટી, યુગબાહુની નામાંકિત વીંટી કંબલના છેડે બાંધી એ તળાવ કાંઠે શુદ્ધિ માટે ગઈ. તે તળાવમાં ઉતરી કે જળહસ્તીએ તેને ખેંચી સૂંઢમાં પકડી આકાશમાં ઉલાળી. તેના મોઢામાંથી કાળી ચીસ પડી ગઈને ઉપરથી નીચે પડવાના ભયથી અચેત થઈ ગઈ. પણ દૈવયોગે એ જ વખતે મણિપ્રભ નામના