________________
૧૭૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૪૮
છ આગાર : પ્રથમ આગાર-રાજાભિયોગ સમ્યકત્વના વિષયમાં અપવાદ માર્ગે આગાર (છૂટ) જિનેશ્વરદેવોએ બતલાવેલા છે. રાજાની આજ્ઞાએ, માતા-પિતા આદિ વડીલ (ગુરુ)ની આજ્ઞાએ, આજીવિકાના કારણે કોઈ ગણસમૂહ કે પંચ આદિના આગ્રહથી, કોઈ દેવતાના દબાણથી કે કોઈ બળવાનની બળજોરીથી એમ છ પ્રકારે આવતી અલનાની છૂટ રાખવામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે.
કેટલાક ઉત્સર્ગસૂત્ર, કેટલાક અપવાદ સૂત્ર અને કેટલાક ઉભય ઉપયોગી (બંને) સૂત્ર છે. એમ સૂત્રોના ઘણા ભાંગા છે. એટલે જયારે જે ગુણ-લાભનું કારણ હોય તે પક્ષ એટલે કે ઉત્સર્ગ કે અપવાદનું સેવન કરવું જોઈએ.
જિનપ્રવચનમાં સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી. કિંતુ લાભની ઈચ્છાવાળા વણિકની જેમ આય-વ્યયની તુલના કરી જેમાં વિશેષ લાભ જણાય તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉત્સર્ગ માર્ગમાં જે નિરતિચારમાર્ગ છે તે યથાખ્યાત ચારિત્રવાનને માટેનો છે. પણ વર્તમાનકાળે તથા પ્રકારના સંઘયણ ન હોવાથી જો અપવાદ માર્ગ સેવાય તો આલોચનાદિપૂર્વક શુદ્ધિ કરવી.
રાજાભિયોગ રાજાની દાક્ષિણ્યતાથી કે તેના બળથી અન્યદૃષ્ટિઓને અનિચ્છાએ પણ નમસ્કારાદિ કરવા પડે તે રાજાભિયોગ કહેવાય (અર્થાતુ રાજબળથી પરાણે કોઈ મિથ્યાત્વી જીવને ગુણહીનને નમન કરવા પડે તો આપણા સમકિતની હાનિ ન થાય કેમ કે પહેલા જ આ આગાર-છૂટ રાખેલ છે.) તે સંદર્ભમાં કાર્તિકશેઠનો પ્રબંધ આ પ્રમાણે છે
કાર્તિકશેઠની કથા પૃથ્વીભૂષણ નામના નગરમાં કાર્તિક નામના શેઠ વસતા. તે શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે બોધ પામેલા. તેમના ગામમાં એકવાર માસોપવાસને પારણે માસોપવાસ કરનાર ઐરિક નામે તાપસ આવ્યો. તેના તપની નગરમાં ચારે તરફ પ્રશંસા થવા લાગી ને આખું નગર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યું. તાપસ મિથ્યાત્વી હોઈ માત્ર કાર્તિકશેઠ તેના દર્શને ન આવ્યા. સુદ્ર આત્માઓ પોતાને કોણે આદર આપ્યો ને કોણે ન આપ્યો તેનું ધ્યાન રાખે છે અને તે તે વર્તુળ કે સમૂહના કેટલાક લોકોને તે બાબતમાં રસ હોઈ આવા તુચ્છ સમાચારો તે તે સંબંધિત વ્યક્તિઓને પહોંચાડે છે.