________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૬૩
તે દિશામાં જોતાં પણ નહીં. આ સર્પની જાતજાતની વાતો વહેતી થઇ ને તેનો ભય લોકહૈયામાં વ્યાપક થઈ ગયો. એકવાર પરમાત્મા મહાવીરસ્વામી લોકોએ ખૂબ રોકવા, ન જવા આજીજી કરતાં છતાં તે જંગલમાં આવ્યા અને સર્પના રહેઠાણ પાસે આવી કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. સર્પ માણસની ગંધ આવતાં જ બહાર આવી જોવે છે તો પોતાના દર પાસે જ એક અદ્ભૂત માણસને ઉભેલો જોયો. જ્યાંથી જતાં પવન પણ થથરે ત્યાં આ આટલી નીરાંતે ઉભો છે ! સર્વે ફુંફાડો માર્યો. આંખોમાં સૂર્યકિરણો ઝીલ્યાં ને વિષની જ્વાલાઓ પ્રભુ પર ફેંકી પણ.. પણ . . નિષ્ફળ ગઇ. કદી ન જાય પણ આજે વ્યર્થ ગઈ !!! ક્રોધથી બળબળતો, ઉશ્કેરાટથી ધમધમતો મોં ફાડી તે ભગવાન પાસે આવ્યો ને જોરથી પગનાં અંગુઠે દંશ દીધો. તરત પગમાંથી લોહી ટસો ફૂટી નિકળી, પણ અરે ? આ શું ? ધોળું દૂધ જેવું લોહી ! લોહી તો લાલ હોય. તેણે ભગવાન તરફ જોયું ને એ જોતો જ રહી ગયો.
કારમી બળતરા ઉપજાવે તેવો દંશ છતાં આવી સ્વસ્થતા ને અખંડ શાંતિ ! આ શું કહેવાય? ત્યાં પ્રભુજીની કરુણામય આંખ ઉઘડી. કલ્યાણકારી હોઠ ઉઘડ્યા. ધીરગંભીર સાદ નીકળ્યો-‘ઓ ચંડકૌશિક ! બુજ્સ.' ચંડકૌશિક શબ્દ સાંભળતાં તેને વિચાર આવ્યો-‘આ શબ્દો મેં સાંભળ્યા છે, પણ ક્યાં ? ક્યારે ? અને આમ વિચારણા કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ‘અહો! મારા જેવા અધમ ઉપર અનુકંપા કરી પ્રભુ પોતે પ્રતિબોધ દેવા પધાર્યા. મનમાં ને મનમાં પ્રભુજીને ખૂબ જ અભિનંદતો વાંદતો તે પ્રદક્ષિણા દેવા લાગ્યો. પ્રભુનો ઉપદેશ સાંભળી ચંડકૌશિકે પ્રભુ પાસે અણસણ લીધું અને કોઈ પણ જીવનું અહિત ન થાય તે ઉદ્દેશથી તેણે પોતાનું મુખ બીલમાં રાખ્યું ને શાંતિથી પડી રહ્યો. પ્રભુજી વિહાર કરી ગયા. તેમને હેમખેમ જંગલ પાર કરી આવ્યા જાણી ઘી, દૂધ વેચનારી આહીરણો તે રસ્તે જવા આવવા લાગી. સર્પનો ઉપદ્રવ શાંત થયો જાણી તેઓ તેના દરમાં ઘી-દૂધ રેડવા લાગ્યાં. તેથી ખેંચાઈને આવેલી વનની કીડીઓના ટોળાં ઉભરાયાં. પહેલાં ઘી-દૂધ અને પછી સર્પના શરીરને ચટકા ભરતાં સર્પનું શરીર ચાલણી જેવું થઇ ગયું. આવી અસહ્ય પીડા હોવા છતાં પ્રભુની કરુણામય દૃષ્ટિથી અભિષિક્ત તેણે શાંતિથી બધું સહી લીધું. પંદર દિવસે મૃત્યુ પામી તે આઠમા દેવલોકમાં દેવ થયો. થોડા જ ભવમાં તે મુક્તિ પામશે.
તાત્પર્ય એ છે કે પોતાને કરડનાર સર્પને પ્રભુએ માત્ર ક્ષમા જ ન આપી પણ કરુણા કરી તેનો ઉદ્ધાર કર્યો. ગમે તેવા અપકારી ઉપર પણ સંતપુરુષોએ અનુકંપા જ કરવી જોઈએ. અનુકંપાના વિષયમાં પાંચ રાણીઓની કથા જાણવા જેવી છે.
પાંચ રાણીઓની કથા
વસંતપુરના મહારાજા અરિદમન એકવાર પોતાની રાણીઓ સાથે મહેલના ગવાક્ષમાં ઉભા ઉભા નગરચર્યા નિહાળતા હતા. તે વખતે કોઈ ચોર રાજમાર્ગેથી વધસ્તંભ તરફ લઈ