________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૫૫
૪૩
સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ-નિર્વેદ
આ સંસારમાં એવા પણ કેદીઓ છે જેમને જેલખાનું પણ જેલખાનું નથી લાગ્યું. જેલમાંથી છૂટવાની વાત તો ક્યાંય રહી તેમણે જેલનો કાંકરો ખરે તે પણ સહ્યું નથી ને બંદીગૃહની સુરક્ષા કાજે પોતાના પ્રાણ પણ આપ્યા છે. સંસારની વાસ્તવિકતા ન જણાય ત્યાં સુધી જીવો આવા બાલિશ કેદીનું જીવન જીવતા હોય છે. સદ્બોધ આવતા આ આત્મા સાંસારિક સોના-હીરાની બેડીઓમાંથી છૂટવા રાત-દિવસ વલખા મારતા હોય છે. સંસારરૂપ કારાગારમાંથી છૂટવાની તાલાવેલી જરાક અવસરે મળે તો છૂટી જવાની દ્રઢ બુદ્ધિ જેનામાં હોય તે નિર્વેદવાળા કહેવાય.
સિદ્ધાંતમાં (ઉત્તરાધ્યયનમાં) જણાવ્યું છે કે-‘હે ભગવંત ! નિર્વેદથી જીવ શું પામે ?' ઉત્તર આપતાં ભગવાને કહ્યું છે કે-‘નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગથી વિરક્ત થાય છે અને વૈરાગ્ય પામે છે. તેથી સર્વ વિષયોમાં વિરાગતા થતા આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ-પરિગ્રહના ત્યાગે સંસારમાર્ગનો નાશ અને મુક્તિમાર્ગની પ્રાપ્તિ થાય છે.’ નિર્વેદના પ્રસંગે હરિવાહન રાજાની વાર્તા નીચે પ્રમાણે છે :
હરિવાહન રાજાની કથા
ભોગાવતીનગરીમાં ઇન્દ્રદત્ત નામના રાજા રાજ્ય કરે. તેમને હરિવાહન નામનો પુત્ર. રાજાકુમારને એક સુથાર પુત્ર અને બીજો શ્રેષ્ઠિપુત્ર એમ બે મિત્રો હતા. હરિવાહન પોતાના મિત્રો સાથે સ્વચ્છંદ ક્રીડા કરતો. એકવાર રાજકુમારની ફરિયાદ આવતા ઇન્દ્રદત્ત રાજાએ હરિવાહનને ઠપકો આપ્યો. પિતાની તર્જનાથી કુમારને લાગી આવ્યું. તેણે વિદેશ જવાનો નિર્ણય કરી મિત્રોને વાત જણાવી. જો કે મિત્રને તો સાથે પરદેશ જવામાં પોતાના ઘરે હાનિ થતી હતી છતાં મિત્રતાને લીધે તે બંને હરવાહનકુમાર સાથે ચાલી નિકળ્યા.
ચાલતાં ચાલતાં તેઓ એક ઘોર જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં એક વિકરાળ હાથી ઊંચી સૂંઢ કરી તેમની સામે દોડતો આવ્યો. જાણે હમણાં સૂંઢમાં પકડી ઉછાળશે કે પગતળે કચડી નાખશે. યમ જેવા તે હાથીને જોઈ સુથારપુત્ર ને વણિકપુત્ર નાસી ગયા. હરિવાહન તો કેસરીસિંહની જેમ નિર્ભય થઇ આગળ વધ્યો. હાથી પાસે આવતા તેણે જોરથી સિંહનાદ ર્યો. તે સાંભળતાં જ હાથીનો મદ ગળી ગયો ને તે જંગલમાં ચાલ્યો ગયો. રાજકુમારે મિત્રોની શોધ કરી પણ તેઓ મળ્યા નહીં.
તે એકલો આગળ ચાલ્યો. ત્યાં તેણે એક સ્વચ્છ જળ ભરેલું સુંદર સરોવર જોયું. તેમાં સુગંધી કમળો ખિલ્યાં હતાં ને ભ્રમરો મંજુલ ગુંજારવ કરતા હતા. ત્યાં થોડો વિશ્રામ લઇ સ્નાનપાનાદિ કરી દક્ષિણ દિશા તરફ ચાલ્યો. ત્યાં મોટું ઉપવન અને તેમાં વચ્ચે સુંદર વાવડી