________________
૧૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
તેઓ બેનાતટનગરે આવ્યા. ત્યાં કોઈ સિદ્ધપુત્ર પાસેથી તેમને જાણવા મળ્યું કે અહીંના રાજાએ હરિવાહનરાજાની રાણીને હરણ કરાવી મહેલમાં રાખી છે. આ હરિવાહન આપણો મિત્ર છે કે કોઈ બીજો ? તે જાણવા અંજનપ્રયોગથી અદૃશ્ય થઇ બંને અનંગલેખાના મહેલમાં પહોંચી ગયા. અનંગલેખા હરિવાહનનું ચિત્ર બનાવી તેની પાસે જ બેસી રહેતી. તેને ઝંખતી અને દિવસો વિતાવતી. મિત્રોએ તે છબી ઉપાડી અને અદૃષ્ય થઈ ગયા. પ્રિયતમની છબી ચાલી જતાં અનંગલેખા રડી ને બોલી ઉઠી-‘હે દૈવ ! મેં એવો તે શો અપરાધ કર્યો કે મારા ચિત્રિત પતિનો પણ વિયોગ કરાવ્યો. શું મારી હત્યાનો પણ તને ભય નથી. ઇત્યાદિ તેનો વિલાપ સાંભળી બંને મિત્રો પ્રગટ થઇ ગયા. છબી પાછી આપી. મિત્રોએ પોતાની એળખાણ આપી. અનંગલેખાએ કહ્યું-‘મારા દુઃખની કોઈ અવિધ નથી.’
‘તમે મારા નાથના મિત્રો છો એ જાણી મને ઘણો આનંદ થયો. હવે તમે મને ગમે તેમ કરી આ દુઃખમાંથી ઉગારો ને મારા સ્વામીનો મિલાપ થાય તેમ કરો.’ અથવા તમારા મિત્રને જઈ મારું નિવેદન કહો. તે અવશ્ય આ પાપીથી બચાવશે.' આ સાંભળી મિત્રોએ તેને ધૈર્ય આપી, સમજાવી સંકેત કરી રજા લીધી. મોટા મંત્રવાદીનો દેખાવ કરી તે રાજસભામાં પહોંચ્યા. રાજાએ સત્કાર કરી તેમને આસન આપ્યાં. કુશળ-ક્ષેમ પૂછ્યા પછી તેમણે પોતાની મંત્રશક્તિની મોટી મોટી વાત કરવા માંડી. પોતે મારણ, ઉચ્ચાટન વિઘામાં એવાં પહોંચેલાં છે કે સો યોજના દૂર બેઠેલો માણસ ઓગળી જાય. અમારી સંમોહનવિદ્યામાં એવી શક્તિ છે કે હજારભવના વૈરી પણ પાછળ પાછળ ફરે અને જે કહો તે કરે.' આ સાંભળી રાજાને ઘણો આનંદ ને આશા બંધાણી. તેણે એકાંતમાં બોલાવી કહ્યું-‘મારા મહેલમાં એક અદ્ભૂત રૂપની ખાણ જેવી સુંદર નારી છે. પણ એને મારા ઉપર જરાય લાગણી નથી. તે મારા વશમાં આવે અને મારી ઇચ્છા પ્રમાણે વર્તે એવું કાંઇક કરો. તમે સમર્થ છો. તમે કહેશો તે રીતે તમારી સેવા-સત્કાર કરીશ.' તે માંત્રિકોએ રાજાને ચૂર્ણ આપતાં કહ્યું-‘આ દુર્લભ વસ્તુ માત્ર તમને જ આપીયે છીયે. આનું તિલક કરી તમે રાણી પાસે જજો. તમને જોતાં જ તે અનુકૂલ થશે.'
રાજા બની-ઠની તિલક કરી અનંગલેખા પાસે પહોંચ્યા. ગોઠવણ મુજબ તે રાજાને જોતાં જ મલકતી ઉભી થઇ આદર આપવા લાગી. તેની પ્રસન્ન નજર પડતાં જ રાજા વ્યાકુલ થઇ તેની પ્રાર્થના કરવા લાગ્યો. તેની નાદાની પર હસતી અનંગલેખાએ કહ્યું-‘હું વર્ષોથી બ્રહ્મચર્ય પાળું છું, કારણ કે મારે શ્રી અષ્ટાપદજીની યાત્રાનો નિયમ છે. એ થાય એટલે તમારી બધી અભિલાષા પૂર્ણ થશે. હું તમારે આધીન જ છું ને ?' અંધ-અવિવેકી રાજાએ તરત મંત્રવાદી પાસે આવી પગે લાગી બધી વાત કરી કહ્યું-‘તમે યાત્રા કરાવો.’ તેઓ બોલ્યા-‘અમારે સાથે જવું પડશે. અમે મંત્રવિદ્યાથી વિમાન બનાવીશું.’ રાજા ગેલમાં આવી ગયો વિમાન તૈયાર થયું, બેસતી વખતે અનંગલેખાએ કહ્યું-‘આ અજાણ્યા માણસો સાથે હું એકલી નહીં જઉં.’