________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૧૫૩ કૌસાંબી નગરીમાં મહાપ્રતાપી મહીપાલ રાજા રાજ કરે છે. હું તેમનો યુવરાજ હતો. યુવાની પાંગરી હતી. અનેક યુવાન રાજકન્યાઓ મને પરણી હતી. વૈભવથી ભરેલો મહેલ હતો. દાસ-દાસીઓનો પાર નહોતો. ત્યાં ઓચિંતી મારી આંખ દુઃખવા આવી. દાહવર પણ એવો ચઢ્યો કે રોમેરોમ લાગ્યા બળવા ! ક્ષણવારેય ચેન નહીં. વેદના સહાય નહીં. મારા આશ્ચંદનથી રાજપરિવાર પણ રડી રહ્યો. નામીચા વૈદ્યો ને પ્રસિદ્ધ તાંત્રિકોએ આવી ઘણા ઉપચાર કર્યા પણ એકે કારગત ન નિવડ્યા.
મારી વ્યથા જોઈ અતિ વ્યથિત થયેલા મહારાજાએ ઘોષણા કરાવી કે-“મારા પુત્રની વેદના જે દૂર કરશે તેને હું મારું અર્ધરાજ આપીશ.” પછી તો પૂછવું જ શું? કોણ જાણે કેવા કેવા લોકો રાજમહેલમાં આવવા લાગ્યા. જાતજાતનાં ઔષધોપચાર ને વિધિવિધાનો કરવા લાગ્યા, પણ બધું વ્યર્થ. મારાથી પીડા સહન થતી નહોતી. હું શયામાં તરફડતો હતો ને મારા પલંગની ચારે તરફ બેઠેલા માતા-પિતા, ભાઈ-બહેનો અને મારી પત્નીઓ રડ્યા કરતાં હતા.
કોઈ જમે નહીં, પીવે નહીં, કાંઈ કામકાજ, સ્નાન અંગરાગ આદિ બધું મૂકી સમર્થ લોકો પણ અસહાયપણે મારી વેદના જોઈ આંસુ સારે પણ કોઈ ઉપાય કરી શકે નહીં. ત્યારે મને વિચાર આવ્યો કે હું સમર્થ રાજાનો યુવરાજ છું, આ બધાને વહાલો છું. અઢળક વૈભવ છે છતાં મને આ વેદનામાંથી બચાવે એવું કોણ? અનાથાશ્રમના બાળક કરતાં પણ હું દયનીય છું. જો એમ ન હોય તો આ લોકો તરત મને સાજો ન કરે? અને આવું શું દરેક ભવમાં શક્ય નથી?
આટલી બધી સગવડ ને શક્તિવાળાની આ દશા, તો ભવાંતરમાં જ્યારે અગવડ ને નિર્બળતાથી ઘેરાયેલા મેં કઈ વ્યથા સહન નહિ કરી હોય ? જેના માથે નાથ હોય તેની આ પરિસ્થિતિ હોઈ શકે નહીં. મને લાગે છે કે આ વ્યથામાંથી ધર્મ સિવાય કોઈ ઉગારી શકે એમ નથી. હવે આ વેદના મારાથી સહન થતી નથી. મને બચાવો.. સહાય કરો... ઓ ધર્મદેવ ! ઓ સાચા નાથ ! હું તમારે શરણે છું. તમે મારી રક્ષા કરો. હું તમારી દાસતા સ્વીકારી સંસારની દાસ્તાથી મુક્ત થવા ઝંખું છું.” મગધના મહારાજા ! અંતઃકરણથી આ નિર્ણય કરતાં જ વેદના ઓગળવા લાગી. બળતરા શમવા લાગી, કોઈ અકથ્ય શાંતિ વ્યાપવા લાગી.
કેટલીય રાતોના ઉજાગરા પછી આંખ ઘેરાવા લાગી. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સહુએ નિરાંતનો શ્વાસ લીધો. સવારે હું જાગ્યો ચારે તરફ શાંતિ પથરાયેલી જોઈ. મને સ્વસ્થ જોઈ સહુ મલકાઈ ઉઠ્યા હતા. મારા મનમાં ઊંડું મંથન ચાલતું હતું, ધર્મની આ શક્તિને લોકો સમજી શકતા નહીં હોય? મેં સહુને ધર્મનું સામર્થ્ય સમજાવ્યું. સહુએ સાચું સાચું કહ્યું. મેં દિક્ષાની અનુમતિ માંગી. સહુએ એકી સાથે ના પાડી. મેં પૂછ્યું-“તમે હમણાં ધર્મના સામર્થ્યનો
સ્વીકાર કર્યો હતો, તે શું પ્રપંચ હતો?' ઈત્યાદિ બોધ આપી મેં તે જ વખતે દીક્ષા લીધી. ધર્મના નિર્ણયમાં જરાય ઢીલ કરાય નહીં.