________________
૧૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ જોવામાં આવી. સરખા પગથિયાવાળી ને રંગીન કમળોથી શોભતી વાવડીમાં તે ઉતર્યો ત્યાં એક તરફ ખડકી જોઈ.
કૌતુક થતાં ત્યાં જઈ સાહસપૂર્વક ખડકી ઉઘાડી. પગથીયાં જોઈ અંદર ઉતર્યો. આગળ જતા કોઈ યક્ષનું સુંદર મંદિર આવ્યું. રાત પડી ચૂકી હતી. પોતે થાક્યો પણ હતો. એટલે મૂર્તિની પાછળ શાંતિથી સૂઈ ગયો. મધ્યરાત્રે ઝાંઝર, કંકણ, ઘૂઘરાનો ધ્વનિ સાંભળી તે જાગી ગયો. જોયું તો યક્ષ આગળ અપ્સરાઓ નાચતી હતી. કુમારે આવી યુવતીઓ કે રૂપ ક્યાંય જોયાં ન હોઈ અતિઆશ્ચર્યપૂર્વક બધું નિહાળી રહ્યા. નાટારંભ પૂર્ણ થયે દેવાંગનાઓ મંદિરની બહાર આવી ત્યાં પોતાના વસ્ત્રો કાઢી બધી વાવડીમાં નાવા પડી. કુમારે કુશળતાથી ત્યાં આવી વસ્ત્રો ઉપાડ્યાં ને અંદર આવી મંદિરના બારણા બંધ કર્યા. જળક્રીડા પત્યા પછી કપડાં ન મળતાં સહુ “મારા કપડા ક્યાં? મારા કપડા ક્યાં?' એમ બોલતી કપડા ખોળવા લાગી. ત્યાં મંદિરના દરવાજા બંધ જોઈ સમજી ગઈ કે કોઈ કપડા લઈ મંદિરમાં પેઠું છે. તેઓ વિચારવા લાગી કે “સામાન્ય માણસ આવું સાહસ કરી શકે નહીં. માટે દંડ દબાણથી આ વશ નહીં થાય. સત્ત્વશાલી છે તો ભાગ્યશાલી પણ હશે જ. તેની પાસે બળથી કામ નહીં ચાલે. સમજ ને શાંતિથી કામ લેવું પડશે.
એમ વિચારી મંદિરના બારણે બેસીને બોલવા લાગી- હે નરોત્તમ! તમે સાહસિક સાત્વિક ને શૂરા થઇને શા માટે અમારા કપડા ઉઠાવી સંતાઈ ગયા? ઉત્તમ માણસને ન શોભે એવું આ કામ છે. અમારા કપડા આપો અમને લાજ આવે છે.' કુમારે અંદરથી કહ્યું -“પવન તમારા કપડા ઉડાવી આકાશમાં લઈ ગયો હશે. જાઓ આકાશમાં જઈ તેને પ્રાર્થના કરો તે તમને પાછા આપી દેશે.' આ સાંભળી હસી ઉઠેલી અપ્સરા બોલી-“અરે વાહ ! પોતાનો અપરાધ બીજા પર ઢોળો છો ? શું તમે પવન જેવા હલકા છો કે પવન જોડે પોતાને સરખાવો છો?” તેણે ઉત્તર આપતાં કહ્યું-“હું તેવો નથી, પણ લાગે છે કે તમારાં વસ્ત્રો પવન ઉડાડી ગયો હશે.”
અપ્સરા બોલી-“ના, તમે જ પવન છો. તમને આકાશમાં ઉડતા અવશ્ય આવડતું હશે. જો આ વાત સાચી હોય તો બારણું ઉઘાડી ગગન ગમન કરો.” ઇત્યાદિ. હાસ્યવિનોદમાં કેટલોક સમય વીત્યો એટલે મુખ્ય દેવાંગના બોલી- હે ભદ્રપુરુષ ! હવે પરિહાસ છોડો. અમે દેવાંગના છીયે. આ નિર્જન અને પાવન સ્થાન હોઈ અમે મનોવિનોદ અને સાત્ત્વિક આનંદ માટે અહીં ઘણીવાર આવીયે છીયે. અમારા વિનોદમાં તમે પણ વિનોદ મેળવ્યો. શૌર્ય-સાહસવાન તમે કોણ છો? તે અમે જોવા માંગીએ છીએ. પહેલા અમારા વસ્ત્રો પછી તમારું દર્શન આપો. ઘણો વિનોદ કર્યો.
આ સાંભળી કુમારે જરાક બારણું ખોલી વસ્ત્રો બહાર નાખ્યા. પછી થોડીવારે પોતે પણ બહાર આવ્યો. તેની સાત્ત્વિકતા જોઈ પ્રસન્ન થયેલી મુખ્ય અપ્સરાએ આમ આકસ્મિક દેવમાણસના મિલનને વખાણ્યું. માણસની પાર વિનાની સ્વાર્થવૃત્તિ હોય છે, છતાં તમને જોઇ અમે