________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧
૧૫૭ મોટા કુળના ગૌરવને સમજ્યાં છીયે. તમારા જેવા મહાનુભાવને કશું જ દુર્લભ નથી, છતાં અમારી આ ભેટ યાદગીરી માટે સ્વીકારો.” એમ કહી દિવ્ય ખડ્ઝ (તરવાર) અને સ્ત્રીને પહેરવાનું દિવ્ય કંચુક આપ્યા. પરસ્પર ઘણો આનંદ વ્યક્ત કર્યો. પાછું ભવિષ્યમાં મિલન થાય તેવી શુભેચ્છા જણાવી. અપ્સરાઓ ગગનમાર્ગે ચાલી ગઈ. રાત્રિ પણ પૂર્ણ થવા આવી.
પ્રભાતકાળ થતાં તે આગળ ચાલ્યો અને એક શૂન્ય નગરમાં આવી ઉભો. ઉભી બજારો, હાટ અને મકાનો સૂમસામ જનશૂન્ય હોવાથી ભેંકાર લાગતાં હતાં, છતાં કુમાર આગળ વધ્યો. ભવ્ય રાજમહેલ જોઈ તેણે પ્રવેશ કર્યો ને ધીરે ધીરે ઉપર ચઢવા લાગ્યો, ભય ઉપજાવે તેવી ચુપકીદી ચારે તરફ પથરાઈ હતી. તે સાતમે માળ જઈ પહોંચ્યો ને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. રૂપ રૂપના અંબાર જેવી એક જાજરમાન યુવાન કન્યા હિંડોળે બેઠી હતી. તેને જોઈ કુમાર વિચારવા લાગ્યો-“અહો શું રૂપ છે? યુવતી તો ઘણી જોઈ પણ આ તો બસ આ જ છે. લાગે છે કે વિધાતાનું આ સારામાં સારું સર્જન હોઇ તેણે અહીં એકાંતમાં-આને જોઈ બીજી સારી નારી બનાવી શકાય તે ઉદેશથી (મોડેલ તરીકે) રાખી લાગે છે.
હરિવાહનને જોઇ તે રમણી હર્ષ, વિસ્મય, ભયની મિશ્ર લાગણી અનુભવતી ઉભી થઈ અને તેને આવકાર આપી આસન પર બેસવા જણાવ્યું. કુમાર બેઠો. કુંવરી પાસે ઉભી રહી. તેને ખૂબ જ ઉદાસ જોઈ કુમારે પૂછયું- તમે ઘણા ચિંતાતુર અને ઊંડી વિમાસણમાં હો તેમ લાગે છે. કારણ જણાવશો?' ફીકું હસતાં તેણે કહ્યું- હે ભાગ્યશાલી ! મારી વાત લાંબી છે તે સાંભળશો તો બધું સમજાઈ જશે.” એમ કહી તેણે પોતાની કહાની પ્રારંભી.
વિજયનગરના મહારાજા વિજયસેનની હું દીકરી છું. નામ મારું અનંગલેખા છે. થોડા જ વખત પહેલાં હું અમારા મહેલની અટારીએથી નગર નિહાળતી હતી. તે વખતે આકાશમાર્ગથી જતા કોઈ વિદ્યાધરે મને જોઈ, મોહિત થઈ તે મારી પાસે આવ્યો. હું કાંઈ વિચારું એના પહેલાં તેણે મને ઉંચકી હું બૂમો પાડતી રહી ને તે મને ઉપાડી અહીં લાવ્યો. આ નવા નગરની તેણે રચના કરી મને અહીં રાખી છે. ઘણા દિવસથી તે મને પરણવા મનાવી રહ્યો છે અને જાતજાતના પ્રલોભનો આપી રહ્યો છે. છેવટ સુધી મારી “ના'માં તેને આશા હતી કે માની જશે પણ આજ તે ખૂબ જ જીદે ભરાઈ નક્કી કરી ગયો છે કે તું હા ના પાડે તો પરાણે પણ આજે તને પરણું-પત્ની બનાવું તો જ ખરો. તે વિવાહની સામગ્રી લઈને થોડીવારમાં આવશે લાગે છે કે પરાણે પરણશે પરંતુ મને એક જ્ઞાની ગુરુના વચન યાદ આવે છે, તેમણે જણાવેલું કે તારો પતિ યુવરાજ હરિવહન થશે. ત્યારે આ તરફ આ પ્રબળ વિદ્યાધર ધાર્યું કર્યા વિના નહીં રહે એમ પણ લાગે છે. સમજાતું નથી કે જ્ઞાનીના વચનને આ માણસ મિથ્યા કરી શકશે ?'
આ સાંભળી કુમારે કહ્યું- “સુંદરી, તું ચિંતા ન કર. જ્ઞાનીના વચનો સત્ય કરવા જ હું આવ્યો છું. એ વિદ્યાધરને આવવા દે તેનો અધર્મ એનો સર્વનાશ કરશે.” કુંવરીએ પૂછ્યું-તમે