________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ જીવને સંસાર આખાની સંપત્તિ કે સત્તા મળવા છતાં સંસારમાં એ કેટલો દયનીય હોય છે, તે અનાથીમુનિના દષ્ટાંતથી સારી રીતે જણાય છે. ,
અનાથી મુનિનું દૃષ્ટાંત એકવાર મગધસમ્રાટ મહારાજા શ્રેણિક રાજગૃહીના ઉપવનમાં ચાલ્યા જતા હતા. ત્યાં તેમની નજર વૃક્ષોના ઝુંડ વચ્ચે ઉભેલા યુવાન સંત ઉપર પડી. સુકુમાર, સુવર્ણવાન શરીર, સુપ્રમાણ અંગ-ઉપાંગ, સુંદર ઘાટીલો બાંધો, આશ્ચર્યકારક સૌષ્ઠવ, ઉગતી યુવાની, ઓજ-તેજ, રૂપ અને સુંદરતાનો સુભગ સંગમ ! અજાણપણે ખેંચાતા રાજા ત્યાં જઈ પહોંચ્યા અને વિચારવા લાગ્યા-“અહો આ મુનિનું આશ્ચર્યકારક રૂપ ! અહો લાવણ્યમય રૂપછટા, અદ્દભૂત શીતળતા, અપૂર્વ શાંતિ અને ભોગમાં અનાસક્તિ ! આ બધું ક્યાંય જોવા ન મળે એવું આમની એકલાની પાસે છે. કેટલા સ્વસ્થ અને નિર્ભય છે! કેવા પ્રિય અને મધુર લાગે છે? અહીં ક્યાંથી આવી પહોંચ્યા? ઇત્યાદિ વિચારતા રાજા ઘોડા પરથી ઉતરી મુનિ પાસે આવી નમસ્કાર કર્યા. મુનિનું ધ્યાન પૂરું થતાં મનની વાત પ્રગટ કરતા બોલ્યાં-“મહારાજતમારું અદ્દભૂત શરીર અને ઉગતી ઉંમર છે. એમાં તમે આવો કઠોર માર્ગ શાથી લઈ બેઠા?” મુનિ બોલ્યા-“રાજા ! હું અનાથ હતો મારો કોઈ સ્વામી ન હતો અને મારા ઉપર કોઈ દયા કરનાર પણ ન હતું તેથી તરૂણ વયમાં પણ મેં શ્રામસ્થ લીધું.”
આ સાંભળી હસી પડતા રાજા બોલ્યા-ઓ મુનિ ! તમારા રૂપ, સૌષ્ઠવ, ભાષા આદિથી એમ માની શકાય નહીં કે તમે અનાથ હશો, છતાં તમારી વાત સાચી હોય તો હું તમારો નાથ. ચાલો મારી સાથે. સ્વેચ્છાએ ભોગો ભોગવો, મારું રાજ એ તમારું જ છે સ્વૈર વિલાસ કરો. કેમકે માણસનું જીવન ને એમાં આવી યુવાની બંને દુર્લભ છે. એને સફળ કરો.”
આ સાંભળી હસતા મુનિ બોલ્યા-“અરે ભોળા રાજા ! તમે પોતે જ જયાં અનાથ છો તો મારા નાથ કેવી રીતે થશો ?' કદી નહીં સાંભળેલા આ શબ્દો સાંભળી ક્ષણવાર અવાચક થઈ ગયેલા રાજા મુનિને જોઈ રહ્યો પછી બોલ્યો-“વાહ, તમે આ શું કહ્યું? તમે મને ઓળખ્યો નથી લાગતો. હું મગધનો નાથ છું. સમ્રાટ ભંભાસાર શ્રેણિક! તમે સમજીને બોલો. રત્નોથી ઉભરાતા કોષ, ઢગલાબંદ સુવર્ણ, સહેજે ન ગણી શકાય તેટલા હાથી, ઘોડા, નોકરો, અનેક રાજરમણીથી શોભતા અંતઃપુરનો હું સ્વામી છું. પાલક છું. તમે મને પણ અનાથ લખ્યો?
મંદહાસ્ય સાથે મુનિ બોલ્યો-ભલા રાજા, હું તમને પણ અનાથ કહું છું. આ પદાર્થોના સ્વામિત્વથી જીવને અભિમાન થાય તે સ્વાભાવિક છે. હું અને મારું આ ગૌરવ રહે. પણ જ્યારે સાચી સમજણ આવશે ત્યારે તમે પણ મારી જેમ તમારી જાતને નિરાધાર, અસહાય અને અનાથ માનવા લાગશો. નાથ-અનાથના ભેદને હું મારી આપવીતીથી સમજાવું છું.” સાંભળો -