________________
૧૪૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ વિનયરત્ન અભવ્ય જીવ હતો. બાર બાર વર્ષ સુધી તેણે ઘણો ધર્મ કર્યો, સાંભળ્યો હતો, ભગવાનનાં આગમોનું શ્રવણ કર્યું અને પવિત્ર ત્યાગી પુરુષોના સતત સાંનિધ્યમાં રહ્યો હતો છતાં તેની દુષ્ટતાએ તેને રઝળતો-રખડતો ને દુઃખીયારો કરી મૂક્યો હતો. અહીં પણ ઘણી કદર્થના સહી તે દુર્ગતિમાં ગયો. ઉદાયી રાજા ઉત્તમ ક્રિયાના જાણકાર અને પાળનાર હતા તેઓ સ્વર્ગે ગયા ને તેમની રાજગાદીએ નવનંદ રાજા થયા.
આ પ્રમાણે અખંડ ભૂમંડલને ભોગવનાર ઉદાયી રાજાના આશ્ચર્યકારક સુંદર ચરિત્રને સાંભળી છે પ્રાજ્ઞપુરુષો ! તમે પણ ધર્મક્રિયામાં કુશળતા પ્રાપ્ત કરી અવ્યાબાધ સુખના સ્વામી બનો.
૩૯ ચોથું ભૂષણ-અંતરંગ જિનભક્તિ કાંક્ષા, રુચિ સ્વાર્થવૃત્તિ કે સંસારના રસને આધિન જીવોને સંસારના પદાર્થો કે પદાર્થો મેળવી આપનાર કે તેની શક્યતા બતાવનાર તરફ એક અહોભાવ જાગે. પૂજ્યબુદ્ધિ ને ઊંડી પ્રીતિ પણ ઉદ્ભવે. આ બધું એકવાર નહીં અનેકવાર જીવને પ્રાપ્ત થઈ જાય છતાં આ જીવની દરિદ્રતાનો, એની પરાધીનતાનો એની દાસવૃત્તિનો કોઈ રીતે અંત આવતો નથી, કારણ કે સાચી સમજણ ન મળે ત્યાં સુધી પરિશ્રમનું ફળ મળી શકતું નથી. આ સંસારમાં અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્મા છે. તેમણે આપણને સાચો માર્ગ અને સાચી સમજણ આપી છે. સંસારમાં બધું સુલભ છે. પણ સાચો માર્ગ જડવો મુશ્કેલ છે. સંસારની કોઈપણ વ્યકિત, શક્તિ કે સમ્પત્તિ કરતાં અનંતગણી અંતરંગ પ્રીતિ અરિહંત આદિ પર હોવી એ સમ્યકત્વનું ચોથું ભૂષણ છે.
અનુરાગીનું દષ્ટાંત રાજપુર નામનું નગર, ત્યાં અમિતતેજ રાજા રાજ કરે. તે નગરમાં એક વિદ્યાસિદ્ધ પુરુષ સ્થિર થયા. તેની પાસે વિદ્યાઓનું મોટું બળ. તે જેટલો સમર્થ તેટલો જ લંપટ. સુંદર યુવતી દેખે ને ઉપાડી જાય પોતાના ગુપ્ત સ્થાનમાં. નવયુવાન લાવણ્યમયી ઘણી સુંદરી તેણે ભેગી કરી તેમના ઉપર તેમણે સંમોહન-વશીકરણ પ્રયોગ કર્યા હતા. તેથી તે યૌવનાઓ તે જેમ કહે તેમ કરવા તત્પર રહેતી. કેટલીક તો તેને ક્ષણવાર પણ છોડવા રાજી ન થતી. કોઈ તેના સિવાય કશું ભાળતી જ નહીં. પણ આ લંપટ એવો હતો કે રોજ નવી નારીઓ દેખે ને ઉપાડી જાય. થોડા દિવસોમાં તો હાહાકાર થઈ ગયો. સ્ત્રીઓએ-અરે છોકરીઓએ પણ ઘર બહાર નિકળવું બંધ કરી દીધું. રાજ-પુરુષોએ ઘણાં પ્રયત્નો કર્યા પણ કાંઈ વળ્યું નહીં. છેવટે સાહસી રાજાએ વેશ બદલી તપાસ ચલાવી. રાત્રિ-દિવસ નગર, ઉપવન ને સ્મશાનમાં ભટકતાં પાંચ દિવસ વીતી ગયા. ત્યાં સંધ્યા સમયે કોઇ વિદેશી, વિચિત્ર દેખાતાં પુરુષને અત્તર-ફૂલતાંબૂલ આદિ ખરીદતાં રાજાએ જોયો.