________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૪૫ અષ્ટાપદ, આબુ, તારંગા, સમેતશિખર, પાવાપુરી, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રા કરવી જોઈએ. વર્ષમાં એકવાર તો કોઈપણ નાની મોટી યાત્રા અવશ્ય કરવી જોઈએ. તેમજ મોક્ષાભિલાષી સાધુ મહારાજનો સમાગમ કરવો જોઈએ. કેમકે એ જંગમતીર્થ ગણાય છે. સાધુઓનું દર્શન પવિત્ર છે, તેઓ તીર્થતુલ્ય છે, તીર્થનું ફળ કાળાંતરે પણ મળે, પણ સાધુ સમાગમનું તરત ફળ મળે છે, (અર્થાત્ સાધુ મહારાજોનો સમાગમ તેમજ તેમને વંદન કરવા જવું એ પણ તીર્થસેવા કે યાત્રા છે.)
સારા તીર્થો, કલ્યાણક ભૂમિઓ, અતિશયશાલી જિનપ્રાસાદો આદિના સ્પર્શથી મહાલાભ અને કલ્યાણ થાય છે, પરંતુ કોઈપણ પરમાર્થ વગરના અવાસ્તવિક તીર્થસેવનથી કશો લાભ થતો નથી. માટે લોકોત્તર તીર્થો કલ્યાણકારી છે.
માત્ર માની લીધેલા તીર્થોથી દુરંત પાપોએ ખરડાયેલા આત્માઓ શુદ્ધ થઈ શકતા નથી. માતાના કહ્યા પ્રમાણે પુત્રે તુંબડીને તીર્થમાં ઘણી નવરાવી પણ તેની કડવાશ ગઇ નહીં. એ કથા આ પ્રમાણે છે
લૌકિક તીર્થ સેવન પર તુંબડીનું દૃષ્ટાંત વિષ્ણકાંતા નગરીમાં ગોમતી નામની ધનાઢ્ય શ્રાવિકા રહેતી, તેને મહામિથ્યાત્વી ગોવિંદ નામનો એક દીકરો હતો. તેને સંગત જ એવી મલી કે જે તે દેવોને પગે પડે. કપાળે ધૂળ, રાખના ને લાલ ભડકાં જેવા ગુલાલના ટીલાં-ટપકાં કરે. મા એને ઘણો બોધ આપતી. દહેરે ઉપાશ્રયે જવા કહેતી પણ તે માનતો નહીં. એકવાર તેને ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી, ગોદાવરી, નર્મદા આદિ મહિમાવાળા તીર્થોની યાત્રા કરવાના હોંશ જાગ્યા. માતાએ સમજાવ્યું- ભાઈ, આ તીર્થો પર જઈ જળ, દુર્વા, માટી, પૈસા આદિ ચઢાવવાથી સ્નાન મુંડન કે ટપકાઓથી આત્માનાં મલિન પાપ નાશ થતાં નથી. અને જ્યાં શરીર પણ પુરું સ્વચ્છ થતું નથી ત્યાં આત્માની શી વાત કરવી ? માટે વિવેક રાખીને યાત્રાને સમજ.' પણ તે કોઈ રીતે માન્યો નહીં. યાત્રાએ જતાં પુત્રને બોધના હેતુથી માતાએ એક કડવી તુંબડી આપતા કહ્યું- “તું જ્યાં જ્યાં તીર્થસ્નાન કરે ત્યાં ત્યાં આ તુંબડીને પણ સ્નાનાદિ વિધિ અવશ્ય કરાવજે.” તેણે હા પાડી, તુંબડી પણ સાથે લઈ ગોવિંદ યાત્રાએ ચાલ્યો. દરેક તીર્થે, કુંડે તેણે તુંબડીને પણ ખૂબ ધોઈ-નવરાવી. છાપાં-ટીલાં-ટપકાં પણ કરાવ્યાં.
યાત્રા પૂર્ણ કરી ઘેર આવી તેણે યાત્રાની ઘણી રસપ્રદ માહિતી અને સાચવીને તુંબડી પાછી આપી. માતાએ તે તુંબડીનું તે જ દિવસે શાક બનાવી ગોવિંદને પીરસ્યું. કોળીયો મોઢામાં મૂકતાં જ તે શુ શુ કરતો ઉઠી ગયો ને કોળીયો કાઢી નાંખ્યો, માતાએ ઠાવકાઈથી પૂછ્યું-“શું તેં તુંબડીને તીર્થજળોથી સ્નાન નહોતું કરાવ્યું?” તેણે કહ્યું-“ખૂબ સારી રીતે કરાવ્યું હતું, તું તો યાત્રાએ ન આવી પણ તારી આપેલી તુંબડીને તો મેં ઘણી સારી રીતે સ્નાનાદિ કરાવ્યાં હતાં.” માએ પૂછયુંતો પછી તેની કડવાશ કેમ ન ગઈ?' આ સાંભળી હસી પડતો ગોવિંદ બોલ્યો- “મા, તું પણ કેવી બાળક જેવી વાત કરે છે નવરાવવાથી તુંબડીના અંદરની કડવાશ કેવી રીતે ચાલી જાય?”