________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૪૩
તેની રીત-ભાત ગતિ-વિધિ જોતાં રાજાને સંશય થયો, ને તેની પછવાડે પડી ગયો. નગર બહાર આવતાં તો અંધારું થઇ ગયું. આગળ એ ને પાછળ રાજા ચાલ્યાં જાય ઘોર જંગલમાં, ડુંગરાળ ખડકોમાં બાળપણમાં રાજા ઘણીવાર આ પ્રદેશમાં આવેલા હોઇ રસ્તાના જાણ હતા જ, છતાં ખૂબ જ સાવધાનીપૂર્વક ચોરનો પીછો પકડી એના સ્થાન સુધી આવી ગયા.
ગિરિગુફાના દ્વાર ૫૨ મૂકેલી મોટી શિલા તે ખસેડી રહ્યો હતો ત્યારે રાજાએ લાગ જોઇ તેનું મસ્તક છેદી નાખ્યું. લંપટ ચોર માર્યો ગયો. રાત્રિ સમયે અંદર જવું ઉચિત ન હોઈ તે જગ્યા બરાબર જોઈ ત્યાં નિશાન કરી રાજા પાછા ફર્યા. સવારે સીપાહી તથા અધિકારીવર્ગ સાથે રાજાએ ગુફામાં આવી જોયું તો ઘણી યુવતીઓ ને અપાર વૈભવ. બધું નગરમાં લાવી જે જેનું હતું તે તેને સોંપી દેવામાં આવ્યું. પ્રજામાં શાંતિ અને સ્વસ્થતા આવી. પણ એક સુંદર કુળવધૂ ઉપર કામણની એવી અસર થઈ હતી કે તે યોગીને જ યાદ કરતી હતી, બોલાવતી હતી. જ્યારે તેને કહેવામાં આવ્યું કે તે એક નીચ માણસ હતો ને તેને મારી નાંખવામાં આવ્યો છે. ત્યારે એ સ્ત્રીએ કાળો કકળાટ કર્યો ને મરવા તૈયાર થઇ. ઘણા ઉપાય કર્યા પણ તે તો કહે ‘મારે બળી જ મરવું છે, હું એના વિના ક્ષણ પણ જીવી ન શકું. એ મારૂં સર્વસ્વ હતો.' તેનો પતિ બતાવવામાં આવ્યો અને કહ્યું કે-‘આ તારો પતિ છે. તારૂં સારૂં ઘર અને સારી સાહ્યબી છે.' પણ તે એકની બે ન થઇ. તેના પતિએ તેને બળતી બચાવવા ઘણા ઉપાય કર્યા. ઘણાં તાંત્રિક-માંત્રિકોને બતાવી. તેમાં એક જાણકારે કહ્યું- ‘તે યોગીના હાડકાની રાખ લાવી પીવડાવી દો, તેથી તે સ્વસ્થ થશે. કારણ કે તેનું કામણ ઘેરી અસર કરી ગયું હોઈ એ એને જ ભાળે છે.' અંતે તેને યોગીના, હાડકાની રાખ પાતાં તે સ્વસ્થ થઇ. ધીરે ધીરે ઘર સંભાળી વ્યવહારુ બની.
સુંદર નારીએ પેલા યોગી પર અતિઅનુરાગ કર્યો ને તે સ્હેજે ફીકો પણ પડી શક્યો નહીં તેમ આપણે પણ શ્રી જિનેન્દ્રદેવના ધર્મપર દઢ અનુરાગ રાખવો જોઈએ, જે કદીય ફીકો પડે નહીં અને શીઘ્ર જ સંસારના ઉત્તાપથી ઉગારી લે.
બીજું જીર્ણશ્રેષ્ઠીનું દૃષ્ટાંત
જેમ વાદળોથી ઢંકાયેલ ચંદ્રમા સાગરની ભરતી, કુમુદનો વિકાસ અને ચકોરની પ્રીતિનું કારણ બને છે તેવી જ રીતે શ્રી જિનેન્દ્રપ્રભુનું પરોક્ષમાં પણ શુદ્ધ ભક્તિથી ધ્યાન ધરવામાં આવે તો તે અવશ્ય જીર્ણશેઠની જેમ ઈષ્ટસિદ્ધિને સાધી આપે છે.
વિશાલાનગરીના વનખંડમાં પ્રભુ મહાવીર ચોમાસું રહ્યા. ચારે માસના ઉપવાસથી તેમણે ઘોર સાધના માંડેલી. જ્યારે જુઓ ત્યારે પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ! ત્યાં જીર્ણશેઠ નામના ભાવિક શ્રાવક વસતા. તેઓ પ્રભુને વંદન કરવા આવતા અને પારણું કરવા ઘેર પધારવા વિનવણી કરતા. ભગવાન ન આવ્યેથી વધારે તપ હશે. એમ જાણી ફરી વિનંતી કરતા દયાળુ. આજે પારણું હશે, મને અવશ્ય લાભ આપશો. પણ ભગવાન કાંઇ બોલતા નહીં. એમ કરતાં ચાર