________________
૧૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ તે જોઈ નૈમિત્તિકોને વિશ્વાસ થયો કે આ જગ્યા અભ્યદય પામશે. અહીં રાજા બેઠા બેઠા કાર્યો સિદ્ધ કરી શકશે. થોડા જ સમયમાં ત્યાં મહાનગર વસાવવામાં આવ્યું અને પાટલવૃક્ષાનુસાર તેનું પાટલીપુર નામ રાખવામાં આવ્યું. ઉદાયી રાજા ત્યાં આવી સારી રીતે રાજય ચલાવવા લાગ્યા. તે નગરનો જ નહીં રાજાનો પણ સારો ઉદય થયો. તેમનો પ્રતાપ દૂર સુદૂર સુધી તપવા લાગ્યો. તેમની સામે કોઈ માથું ઉંચકનાર નહોતું. થોડા સમયમાં ભડવીર રાજા ધર્મવીર અને દાનવીર તરીકે પ્રસિદ્ધ થયા. સદ્દગુરુના સમાગમથી તેમની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ ને તેઓ શ્રાવકના બારે વ્રત સ્વીકારી સાવધાનીપૂર્વક પાળવા લાગ્યા.
તે નિર્ભય થઈ આરાધતા સમ્યક્ત્વનું સાવધાનીથી રક્ષણ કરતા. સદા ગુરુવંદના ચૈત્યવંદન, આવશ્યક-પ્રતિક્રમણાદિ કરતા તથા પર્વ દિવસે અવશ્ય પૌષધ લેતા. ધર્મકરણી માટે રાજમહેલ પાસે જ પૌષધશાલા કરાવી હતી. રાજ્યકારભારથી કંટાળી જ્યારે પણ વિશ્રામનો સમય મળતો ત્યારે તેઓ ધર્મસ્થાનમાં આવી જપ-સ્વાધ્યાય કે સામાયિક આદિ કરતા આમ કરવાથી તેમના દ્વારા શાસનની પ્રભાવના થઈ. તેઓની ક્રિયા પ્રત્યેની સજાગ સાવધાનીએ જિનધર્મની પ્રશંસા વધારી
હતી.
એકવાર એક ખંડિયા રાજા તરફથી ખંડણી ન ભરાતાં ઉદાયી રાજાના પ્રબંધક સેના સાથે ખંડણી લેવા ગયા. સામા રાજાએ હુંસાતુંસી કરતા રમખાણ થયું. તેમાં તે માર્યો ગયો. તેના દીકરાને ઉદાયી ઉપર વૈર જાગ્યું અને તેણે પ્રતિજ્ઞા કરી કે બાપના મૃત્યુનો બદલો હું ઉદાયીને મારીને લઉં તો જ સાચો.
- ઉદાયીના શત્રુએ અવંતી નરેશ પાસે આવીને તેણે પિતાના મૃત્યુની અને પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. અવંતી નરેશે તેને પ્રોત્સાહન અને જોતી સગવડ આપતા કહ્યું કે-“જો તું ઉદાયીને મારી નાખે તો હું તને તારું ગામ અવશ્ય પાછું મેળવી આપું એટલે તે પાટલીપુત્ર આવી ઉદાયી રાજા સુધી પહોંચવા ઘણાં પ્રયત્નો કરવા લાગ્યો પણ તે ફાવી શક્યો નહીં.
જરાય પૂછપરછ કે રોકટોક વગર જૈન મુનિઓને મહેલમાં જતા જોઈ અને રાજાની દઢ ધર્મભાવના જાણી તેને વિશ્વાસ થયો કે ધર્મના બહાને રાજાને સહેલાઈથી મારી શકાશે. દીક્ષા જ એક રસ્તો છે સહેલાઇથી રાજાને મારવાનો અને તેણે ઉદાયી રાજાના ધર્મગુરુ ધર્મઘોષસૂરિ પાસે જઈ કપટ વૈરાગ્યથી તેમની કૃપા મેળવી દીક્ષા લઈ લીધી. તેણે એક ધારદાર છરી ઓવામાં સંતાડીને રાખી. સાધુની ક્રિયામાં અને ગુરુના વિનયમાં તેણે આવી યોગ્યતા બતાવી.
ગુરુમહારાજે તેનું વિનયરત્ન' નામ રાખ્યું. ગુરુ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. વર્ષો પર વર્ષો વીતતા ગયા, વિનયરને ઘણો અભ્યાસ કર્યો ને ગુરુની વાણીએ ઘણી સાંભળી, ઘણા આત્માઓનું કાર્ય થઈ ગયું. પણ વિનયરત્નની દુષ્ટ ભાવના તો ઉદાયીની હત્યા કરવાની હતી. તે એકાંત મળતાં છરીની ધાર જોતો, ક્યારે બદલો લઉં? એ વિચારતો ને છરી પાછી સંતાડી દેતો.