________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ,
૧૩૯ તારાથી એ પીડા સહી શકાતી નહોતી, ચિત્કાર કરીને તું રડતો હતો ત્યારે તારા બાપા તારી સડી ગયેલી આંગળી પોતાના મોઢામાં રાખતા અને તને શાંતિ વળતી આમ તેમણે પોતાના અગત્યના કાર્યો પડતા મૂકી તને સાચવ્યો. ત્યારે તારી સંભાળ લેનાર એમના સિવાય કોઈ નહોતું. તેમણે તારા માટે રાત દિવસના ઉજાગરા વેઠ્યા છે. અને સગવડ જતી કરી છે. હું ઘણું વારતી કે આ છોકરાના લક્ષણ સારા દેખાતા નથી. મોટો થઈ તમને જ ક્યાંક.... છતાં તેમનો જરાય પ્રેમ તારા પરથી ઓછો નહોતો થયો. બોલ, કોણ ખરો પુત્રવત્સલ છે? તું કે તારા બાપ? અને આજે મારી વાત સાવ સાચી ઠરી. તેં તારા પિતાને પાંજરે પૂર્યા ને તું મોટો રાજા થયો.” આ સાંભળી કોણિકને લજ્જા તેમજ પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. તે ઉઠ્યો, હાથમાં ડંડ લઈ ઉતાવળે પિતા (શ્રેણિક)ને છોડાવવા દોડ્યો.
પોતાના દુષ્ટ પુત્રને આમ ડાંગ ઉપાડી આવતો જોઈ વૃદ્ધ શ્રેણિકે વિચાર્યું “આ અવિચારી અવશ્ય મને મારશે. એના હાથે મરવા કરતા તો જાતે મરવું સારું.’ એમ વિચારી તેમણે પોતે રાખેલું તાલપુટ વિષ ખાઈ લીધું. કોણિક કાંઈ ઉપચાર કરે તે પૂર્વે જ શ્રેણિક મરણ પામ્યા. પોતાની દુષ્ટતાને નિંદતો-પિતાના વાત્સલ્યને યાદ કરતો કોણિક જોરથી રડી ઉઠ્યો. મહેલમાં જ નહીં આખી નગરીમાં હાહાકાર મચી ગયો. કોણિકને તો એટલો આઘાત લાગ્યો કે તેને ક્યાંય ચેન ન પડતું. જાણ્યે અજાણ્યું પણ તેણે કરેલા અપરાધોનું સ્મરણ થઈ જતું ને આંખો ભરાઈ આવતી. આખરે આ દુઃખ શિધ્ર ભૂલાય એ હેતુથી રાજગૃહીને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી. રાજપરિવાર સાથે કોણિક ત્યાં રહેવા ગયો. સમય જતાં તે સ્વસ્થ થયો અને રાજકાજમાં ગુંથાયો.
કોણિક જેટલો બળવાન હતો તેથી વધારે મહત્ત્વાકાંક્ષી હતો. તેણે ધીરે ધીરે આસપાસના દેશ અને પ્રદેશો જીતવા માંડ્યા. એમ કરતાં અડધા ભારતનો તે સ્વામી થઈ બેઠો, પણ માણસના મનની ભૂખ કાંઈ એમ ભાંગે? તેને તો ચક્રવર્તી થવાના અભરખા જાગ્યા, ચઉદે ચઉદ રત્નો તેણે ઉપજાવી કાઢ્યા (નકલી બનાવ્યા) પોતે તેરમો ચક્રવર્તી છે એવી પ્રસિદ્ધ પણ કરવા લાગ્યો. એક દિવસ તેણે મોટું સૈન્ય ભેગું કરી, ઘણા રાજાઓને સાથે લઇ દિગ્વિજય માટે પ્રયાણ કર્યું. અને એમ કરતા તે વૈતાઢ્ય પર્વતની તમિસ્ત્રા નામની મહાગુફાના દરવાજે આવી ઊભો. તેના બારણા પર દંડરત્નથી તેણે જોરથી પ્રહાર કર્યો.
આવું દુઃસાહસ ચક્રવર્તી સિવાય કોઈ કરી શકે નહીં તેથી છંછેડાયેલા ત્યાંના અધિષ્ઠાયક કૃતમાલદેવે ક્રોધિત થઈ કોણિકને ભસ્મસાત્ કરી નાખ્યો. તેની સેના ડરી ને દિશાઓમાં નાસી ગઈ. આ ખબર મગધ દેશમાં પહોંચતાં ઉદાયીકુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે પણ પોતાના પિતાને યાદ કરી વિમનસ્ક રહેવા લાગ્યો. તેથી પ્રધાનોએ નવી પાટનગરી વસાવવા નિમિત્તજ્ઞોને ઉત્તમ ધરતીની તપાસમાં મોકલ્યા. ફરતા ફરતા તેઓ ગંગા કાંઠે આવ્યા.
ત્યાં અર્ણિકાપુત્ર અણસણ કરી મોક્ષ પામેલા, તે જગ્યાએ તેમના અસ્થિ ઉપર એક પાટલ વૃક્ષ ઉગેલું. તેના ઉપર એક પોપટ બેઠો હતો ને તેના મુખમાં સ્વયં પતંગીયા આવી પડતા હતા.