________________
૧૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ મળી. તેણે જિનશાસનની પ્રભાવના કરી, લોકો તેને જોઈ ધર્મના પ્રભાવમાં આવ્યા. તેણે તીર્થકર નામકર્મ બાંધી લોકોત્તર પુણ્ય ઉપાર્જન કર્યું તેવી જ રીતે વિવેકી સમજુ આત્માઓએ પણ શ્રી જિનમતની પ્રભાવના કરવી જોઈએ. જેથી આપણું અને બીજા અનેકોનું કલ્યાણ થાય.
૩૮
ત્રીજું ભૂષણ-ક્રિયાકૌશલ્ય સંસારનો રસ અનાદિકાળનો હોઈ આત્મા સાંસારિક કાર્યમાં કુશળ હોય તે સહજ છે, પરંતુ જ્યારે તેને મોક્ષાભિલાષા જાગે છે ત્યારે તે તેની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. પ્રમાદ અને અજ્ઞાનતા ક્રિયાચિમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. મોક્ષમાર્ગની ક્રિયા ઘણો કાળ કરવા છતાં તેમાં કુશળતા ન આવે એવું પણ બને છે. આવશ્યકાદિ ક્રિયામાં કુશળતા હોવી તે સમક્તિનું ત્રીજું ભૂષણ છે. ક્રિયાકુશળની ક્રિયા જોઈને પણ ઉત્તમ ક્રિયા કરવાની ભાવના જાગે આમ પોતે ક્રિયા દ્વારા પણ ધર્મને શોભાવે.
ઉદાયીરાજાનું દૃષ્ટાંત રાજગૃહી નગરીમાં કોણિક રાજા રાજ્ય કરે. પદ્માવતી રાણીથી જન્મેલા તેમના પુત્રનું નામ ઉદાયી. એકવાર ઉદાયીને ખોળામાં બેસાડી કોણિક જમતા હતા, તેવામાં કુમારે મૂત્ર કર્યું. પુત્રમોહના કારણે તેમણે ભોજન બીજું મંગાવ્યું પણ થાળી બદલી નહીં. પુત્ર તરફની પોતાની વત્સલતા બતાવતા તેણે પોતાની (રાજ) માતા ચેલ્લણાને કહ્યું- “જેટલી મારા પુત્રપર મને મમતા છે તેવી કોઈ બાપને નહીં હોય.'
હસીને ચેલ્લણાએ કહ્યું-“ભાઈ ! તને શી ખબર કે તારા ઉપર તારા પિતાને કેટલો સ્નેહ હતો. તેની સામે તો આ કરોડમા ભાગનો હશે!સાશ્ચર્ય રાજા બોલ્યો- હું એવો તે કેવો સ્નેહ હતો?” ચેલુણાએ કહ્યું- તું તો હજી પેટમાં હતો અને તારા પિતાના આંતરડા ખાવાનો મને દોહદ (અભિલાષ) થયો. કોઈ રીતે એ ઇચ્છા મટે નહીં ને છેવટ અભયકુમારની યુક્તિથી દોહદ પૂરો કર્યો. ત્યારથી મને તારા ઉપર અણગમો થઈ આવ્યો. આ બાળકના લીધે મને આવો દોહદ થયો માટે આ મોટો થઈ અવશ્ય બાપને અનર્થ કરશે, એમ જાણી જન્મ થતા મેં તને રાજવાડાના ઉકરડામાં નખાવી દીધો, ત્યાં કુકડાએ તારી ટચલી આંગળીમાં ચાંચો મારેલી, તેથી તું રડતો પડ્યો હતો. તારા પિતાએ આ જાણ્યું ત્યારે તેઓ જાતે જઈ તને લઈ આવ્યા અને મને ઘણો ઉપાલંભ આપ્યો. તારી આંગળી કુકડાના કરડવાથી પાકીને વકરી ગઇ, તેમાં પરૂ પડ્યું ને દવાથી કાંઈ તરત લાભ થયો નહીં.