________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૮૩
પ્રદેશમાં વિહાર કરાવ્યો. તેમાં પોતાના પટ્ટધર વજ્રસેન મુનિને સારા સમારોહપૂર્વક આચાર્ય પદવી આપી અને જણાવ્યું કે અહીંની જનતા અન્નની અછતની મહાવ્યથા ભોગવશે, પરંતુ દિવસે એક લાખ રૂપિયાના વ્યયે એક હાંડી અન્ન રંધાશે. તેના બીજા દિવસે જ અન્ન સુલભ થશે ઇત્યાદિ સમજ અને હિતશિક્ષા આપી. તેમણે વૈક્રિય શક્તિથી એક ચાદર વિકુર્તી. તેના પર આખા સંઘને બેસાડી આકાશગામિની વિદ્યાથી તેઓ જે પ્રદેશમાં અન્ન-પાણી સુલભ હતાં ત્યાં આવ્યા. સહુ પોત-પોતાને યોગ્ય કામે લાગ્યાં અને ધર્મારાધન કરવા લાગ્યાં. તે પ્રદેશમાં બૌદ્ધોનો ઘણો પ્રભાવ હતો. રાજા અને પ્રજા બધાં જ બૌદ્ધધર્મમાં માનનારા હતાં. નવા આવેલા જૈનોને વીતરાગદેવની પૂજા માટે તેઓ પુષ્પો આપતાં નહીં. છતાં લવિંગ જેવાં કે મોંઘા ફૂલો લઈને પણ કામ ચલાવતા. આમ કરતાં મહાપર્વ પર્યુષણા પધાર્યા.
હવે તો પુષ્પ વિના કેમ ચાલે ? પણ રાજાએ જૈનોને પુષ્પ નહીં આપવાની આજ્ઞા કરી. અકળાયેલા સંઘે શ્રી વજ્રસૂરિજીને પ્રાર્થના કરી કે આવા મોટા દિવસમાં પણ પ્રભુજીની પુષ્પાદિ પૂજાનો અમને લાભ નહીં મળે ? સંઘની પ્રાર્થનાથી શ્રી વજ્રસૂરિજી આકાશગામિની વિદ્યાથી હિમવંત પર્વત પર સ્થિત મહાલક્ષ્મીદેવી પાસે આવ્યા. દેવીએ જોતાં જ વિસ્મય ઉપજાવે તેવાં કમળો આપ્યાં. તિર્યકભક દેવે બીજાં પણ લાખો પુષ્પો આપ્યાં તે બધાં પુષ્પો વૈક્રિયલબ્ધિથી બનાવેલા વિમાનમાં લઈ તેઓ બુદ્ધનગરીના ચોકમાં આકાશથી ઉતર્યા. તેમની આવી શક્તિ તેમજ સરસ સુગંધી અને રંગબેરંગી પુષ્પો-કમળો જોઇ પ્રજા તો આશ્ચર્ય પામી. રાજા પણ હેબતાઈ ગયો. રાજા શ્રી વજસ્વામીના સંપર્કમાં આવી પરમ જૈન બન્યો. જિનશાસનના જયકારનો આઘોષ પડઘા પાડવા લાગ્યો. જિનશાસનની જયપતાકા આકાશ સુધી જઈ પહોંચી.
એમ કરતાં પોતાનું આયુષ્ય અલ્પ જાણી તેમણે રથાવર્ત નામના પર્વત પર અણસણ લીધું. પ્રાંતે સ્વર્ગે સંચર્યા.
શ્રી વજ્રસેનસૂરિજી મહાદુષ્કાળમાં વિચરતાં સોપારાનગરે પધાર્યા. ત્યાંના નગરશેઠે દુષ્કાળથી કંટાળી આપઘાત કરવાનો વિચાર કર્યો. તેમણે એકવાર છ માણસ જમી શકે તેટલા ઉત્તમ ચોખા એક લાખ રૂપિયા ખર્ચીને રંધાવ્યાં. દુઃખ વેઠવું ને બીજાનું દુઃખ જોવું એના કરતા તો મરવું સારૂં એમ નિર્ણય કરી તેઓએ એક લાખ રૂપિયાના ચોખાની હાંડીમાં વિષ નાખવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ‘ધર્મલાભ’ કહેતા શ્રી વજ્રસેનસૂરિજી પધાર્યા.
ભીષણ દુષ્કાળમાં પણ (કલમશાલી) અતિ મોંઘા ચોખા જોઇ કારણ પૂછતાં શ્રાવકે કહ્યું‘ભગવન્ ! આ દુષ્કાળ હવે જોવાતો નથી. લાખ રૂપિયાની આ છેલ્લી હાંડી ચઢાવી છે. આમાં વિષ નાંખીને ખાવાની તૈયારી કરતા હતા ત્યાં આપ પધાર્યા. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, પ્રભો ! લાભ આપો.' શ્રી વજ્રસેનસૂરિએ પૂછ્યું, ‘ખરેખર, એક લાખની આ હાંડલી છે ? તો હવે વિષ ખાવાની આવશ્યકતા નથી. અમારા ગુરુમહારાજે જણાવ્યું છે કે લાખ સોનૈયાની એક હાંડલી જેટલું અનાજ ગંધાશે, તેના બીજા દિવસે ધાન્ય સુલભ થશે.’ અને બીજા દિવસે પરદેશથી અનાજના