________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ નંદિષેણે તેને શસ્ત્રાદિના ઉપયોગ વિના માત્ર કાંઈક શબ્દો કહીને જ પટાવી લીધો ને એકલે હાથે તેને રાજમહેલમાં લાવી બાંધી દીધો ! આવો ઉપદ્રવી હાથી આને જોતાં જ કેમ શાંત થઈ ગયો?
ઉત્તર આપતાં શ્રી મહાવીરસ્વામી બોલ્યા- “હે શ્રેણિક ! આ હાથી કેટલાક ભવો પૂર્વે ધનાઢ્ય બ્રાહ્મણ હતો. તેણે લાખ બ્રાહ્મણોને આમંત્રી મોટો યજ્ઞ આરંભ્યો હતો. તેમને જમાડવા આદિની વ્યવસ્થા એક જિનધર્મી બ્રાહ્મણને ઠેકાથી સોંપી હતી. તેમને જમાડતાં વધેલા ભોજનથી તે સહધર્મીની ભક્તિ કરતો. સુપાત્ર મુનિને ભાવથી વહોરાવતો. જૈનાગમોની ઉક્તિ કદી કદી તે સહુને સંભળાવતો. તે કાળે કરી રાજા ! તમારો દીકરો નંદિષેણ થયો. પૂર્વભવોના અભ્યાસે તેણે આ હાથીને પણ જિનાગમની પવિત્ર “અપ્પા ચેવ દમિયવો' ઈત્યાદિ ઉક્તિ સંભળાવી, તેથી તે હાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો ને શાંત થયો.”
આ સાંભળી આખી સભા આશ્ચર્ય પામી. રાજાએ આગામી ભવ બાબત પૂછતાં પરમકૃપાળુ પરમાત્માએ કહ્યું- “રાજા ! ન્યાયોપાર્જિત દ્રવ્યથી સુપાત્રોની કરેલી ભાવપૂર્ણ ભક્તિના પ્રતાપે આ નંદિષેણ દેવ-મનુષ્યના ભોગો ભોગવી ત્રીજે ભવે મુક્તિ પામશે. સાવ સામાન્ય પુણ્ય બાંધનાર આ હાથી સામાન્ય રીતે રાજમહેલના સુખનો ભોગી થયો. આવતા ભવે તે પ્રથમ નરકે જશે.
આ બધું સાંભળી નંદિષેણની વૈરાગ્ય ભાવના પ્રબળ થઈ અને તેણે ત્યાં દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. ત્યાં આકાશવાણી થઈ. “રાજકુમાર ઉતાવળા ન થાવ. હજી તમારે ભોગકર્મ ભોગવવાના બાકી છે.' પણ અતિ પરાક્રમશાલી નંદિષેણે ઉત્સાહપૂર્વક દીક્ષા લીધી. પ્રભુજીની સાથે વિચરતા તેમણે અતિદુષ્કર ને આકરા મહાતપ કર્યા અને અલ્પ સમયમાં તો સૂત્ર અર્થના પારગામી થયા. અનેક લબ્ધિ પણ ઉપલબ્ધ થઈ. કેટલોક સમય થયા પછી તેમને તીવ્ર ભોગનોવેદનો ઉદય થવા લાગ્યો. કામને જીતવા નંદિષણમુનિએ અતિ તીવ્રતર તપ આદર્યું. તેમ છતાં ધાર્યું પરિણામ ન આવ્યું. એટલે તેમણે નક્કી કર્યું કે ચારિત્ર ખંડવા કરતાં મરી જવું સારું અને એક દિવસ પડીને મરી જવાની ઈચ્છાથી તેઓ અતિ દુર્ગમ પર્વત પર ચઢ્યા. જંપાપાત કરતાં જે કોઈ દેવતાએ તેમને ઝીલી પૃથ્વી પર મૂક્યા અને કહ્યું- “નિકાચિત કર્મો ભોગવ્યે જ છૂટકો છે.” તેમ છતાં મુનિ જરાય હિંમત ન હાર્યા. એકવાર છઠ્ઠને પારણે તેઓ કોઈ ગણિકાને ઘેર જઈ ચઢ્યા. ધર્મલાભ શબ્દ સાંભળી ગણિકાએ તેમને કહ્યું-“મુનિરાજ! અહીં તો અર્થલાભનું કામ છે, ધર્મલાભથી શું વળે?' આવા પરિહાસના શબ્દો સહન ન થતાં નંદિષેણમુનિએ તેના આંગણામાંથી ઘાસનું એક તણખલું ખેંચી તેના કકડામાંથી લબ્ધિબળે સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. આ જોઈ આભી બનેલી નર્તકી તો દરવાજે આવી આડી ઊભી રહી ને કહેવા લાગી-“મહારાજ ! એમ તમારું ધન મારાથી ન લેવાય. તમારી દાસી થઈ સેવા કરીશ. આપણે સુંદર અને યુવાન ! જુગતે જોડી મળી, આવો સુંદર મેળો મળવો અતિ દુર્લભ છે. આવી અવસ્થામાં તમે વળી કયો કઠોર સાધના માર્ગ લીધો. હવે તો હું જવા જ નહીં દઉં.”