________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
melo
૧૧૩ આ સાંભળી શ્રી હેમાચાર્યો-“રાજા, તન કરતાં મનનાં ખેલ મોટા છે. આ વાત પામર જીવને સમજવી કઠિન છે. શિયળ પાળવામાં ગરિષ્ઠ ભોજન કાંઈ બાધક નથી. એનો આધાર માણસની વૃત્તિ પર છે. જુઓ સિંહ ઘણો બળવાન છે. હાથી અને સૂકર જેવાં બળવાનનું માંસ ખાય છે, છતાં તે વર્ષમાં એકાદવાર વિષય સેવે છે. ત્યારે કબૂતર કાંકરા અને અનાજના કણ ખાય છે છતાં તેમનામાં જાણે વાસના જ ભરી દેખાય. જયારે જુઓ ત્યારે આ દશા ! આનું કારણ શું? આ વચનો સાંભળી બ્રાહ્મણોના મોઢાં નંખાઈ ગયાં. આમ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે હાસ્યવિનોદમાં ઘણી શિખામણ આપી હતી ને કોઈ રીતે તેમને ફાવવા દીધા નહોતા (શ્રી કુમારપાળ ચરિત્રમાં તે બધું વિસ્તારથી વર્ણવ્યું છે.) આમ શ્રી હેમાચાર્ય ભગવંતે અનેક જીવોને પ્રતિબોધ આપ્યો. કુમારપાળ રાજાને પ્રતિબોધિ પૃથ્વી પર જીવદયાનો આશ્ચર્યકારી વિસ્તાર કર્યો. જૈનધર્મની વિજયપતાકા આકાશ સુધી પહોંચાડી, મહાન પ્રભાવના કરી પ્રાંતે સ્વર્ગે સીધાવ્યા.
વિદ્યાસ્વરૂપ કાંતિવાળા જૈનશાસન રૂપ વિશ્વમાં અંધારાનો નાશ કરનાર સૂર્ય સમાન ચૌલુક્યસિંહ કુમારપાળને બોધ આપી પરમ જૈન બનાવનાર શ્રી હેમચંદ્રસૂરિને ભાવે નમું છું.
૩૩
સાતમા પ્રભાવક અંજન, ચૂર્ણ, લેપ આદિ સિદ્ધયોગથી સમન્વિત મહાત્મા શ્રી જિનશાસનની પ્રભાવના કરનાર હોય તેઓ સિદ્ધ નામના સાતમા પ્રભાવક કહેવાય. તેઓ તે તે દ્રવ્યોના પ્રયોગથી અદ્દભૂત સિદ્ધિ પ્રાપ્ત કરનારા અને તે દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરનાર હોય છે. સિદ્ધપ્રભાવક શ્રી પાદલિપ્તસૂરિજીનું દૃષ્ટાંત નીચે મુજબ છે.
શ્રી પાદલિપ્તસૂરિજીનું દષ્ટાંત અયોધ્યાનગરીમાં નાગહસ્તી નામના આચાર્યદેવ અનેક શિષ્યો સહિત પધાર્યા. ત્યાં વસતી પ્રતિમા નામની શ્રાવિકાના પુત્રે આઠ વર્ષની વયમાં તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. તે નાની વયમાં પણ ખૂબ ચબરાક અને દક્ષ હતા. તે બાલમુનિ એકવાર ભાતનું ઓસામણ વહોરી ગુરુજી પાસે આવ્યા. ગુરુજીએ પૂછ્યું-“વત્સ! તું આલોચના (સચિત્ત, અચિત્ત, સદોષ, નિર્દોષ આદિના બોધ)ને જાણે છે ને?' ઉત્તર આપતા બાલમુનિએ કહ્યું- હું આલોચનાને જાણું છું. ‘આ’ ઉપસર્ગ અને “લોચના' શબ્દથી આલોચના પદ તૈયાર થયેલ છે. આ એટલે સમતાત્ (ચારે તરફ) લોચના એટલે જોવું, એટલે કે સારી રીતે જોઈને જ લાવ્યો છું. અને હજી પણ મને બરાબર યાદ છે કે, તે લાલ વસ્ત્રો પહેરનારી, નહીં ખીલેલા પુષ્પ (કળી) જેવાં દાંતોવાળી સુંદર નવયુવતીએ નવા ભાતની કાંજી બહુ ભાવપૂર્વક કડછીથી મને વહોરાવી છે.”