________________
૧૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
પરંપરા બરાબર નવ ભવ સુધી ચાલતી રહી. પરિણામે નવમા ભવે એક (સહન કરનાર)ને મુક્તિની અને બીજા (કષાય-વૈ૨ ક૨ના૨)ને અનંત સંસારની પ્રાપ્તિ થઈ. અસદ્બોધ રૂપી પવનથી પ્રજ્વલિત થયેલો અગ્નિ જળ (પક્ષે જડ)ને બાળે પણ શું જિનવચન રૂપી અમૃતથી સિંચાયેલા પણ તેથી બળવા લાગે ? અર્થાત્ વચન માત્ર રૂપ નિયાણાએ કષાયજન્ય દુરંત દુષ્પરિણામ ઉપજાવ્યા, તો તમે પોતે આ બૌદ્ધ સાધુઓને ઇરાદાપૂર્વક મારી નાખીને શું કરવા માગો છો ? અર્થાત્ તમે શાંત અને સ્વસ્થ થાવ. અજ્ઞાન જીવ જેવી બાળચેષ્ટા ન કરો.'
પત્ર વાંચતાં જ શ્રી હરિભદ્રસૂરિજી પલવારમાં સ્વસ્થ અને શાંત થઇ ગયા. પોતે કરેલ ક્રોધથી તેમણે ઘણું દુઃખ થયું. તેમણે તરત જ કડાઈ આદિ વિસર્જિત કર્યાં અને ચઉદસો ચુમ્માલીસ બૌદ્ધોના નાશના માનસિક પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે ચૌદસો ચુમ્માલિસ નવા ગ્રંથો રચવાની ઘોર પ્રતિજ્ઞા કરી.
માલપુર નામક નગરમાં સિદ્ધ નામનો એક ક્ષત્રિય પુત્ર રહેતો, તે નાનપણથી જ જુગારની લતે ચઢી ગયેલો. એકવાર તે ઉધાર જુગાર રમતા હારી ગયો, પૈસા હતા નહીં તેથી આપી ન શક્યો, આથી ઉશ્કેરાયેલા જુગારીઓએ તેને ઉંચકી એક ખાડામાં નાંખી દીધો, ધન નામક એક દયાળુ શ્રાવકે તેની આ દુર્દશા જોઈ. પૈસા આપી તેને છોડાવ્યો અને પોતાને ત્યાં નોકર રાખી વ્યસનોના દુષ્પરિણામો સમજાવી સન્માર્ગે ચઢાવ્યો. સિદ્ધકુમાર બુદ્ધિશાળી અને દક્ષ હોઈ તેણે ધનશેઠને ત્યાં સારૂં સ્થાન મેળવ્યું. તેનાં લગ્ન થયા તે માતા અને પત્ની સાથે રહેવા લાગ્યો.
ઘરે આવતાં તેને રોજ રાત્રે મોડું થતું. માતા આદિ આથી કંટાળી ગયેલા. એકવાર ઘણું મોડું થતાં માએ કહ્યું-‘અડધી રાત સુધી ક્યાં હતો ? જ્યાં બારણા ઉઘાડા હોય ત્યાં જા. અત્યારે કોઇ બારણું ખોલે એમ નથી.’ આ સાંભળતાં જ સ્વમાની સિદ્ધકુમાર ‘સારૂં’ કહી પાછો ફરી ગયો. નગરમાં ભમતા તેણે ઉપાશ્રય સાવ ઉઘાડો જોયો એટલે ત્યાં જઈ ચઢ્યો. ત્યાં અપ્રતિમ પ્રતિભાવાળા શ્રી હરિભદ્રસૂરિજી બિરાજતા હતા, તેમનાથી તે પ્રભાવિત થયો. તેમનો ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી. થોડા જ સમયમાં સિદ્ધમુનિએ ધર્મશાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય, કોષ અને ન્યાયશાસ્ત્રનો સારો બોધ પ્રાપ્ત કર્યો. બૌદ્ધોનું જ્ઞાન, તર્ક અને રહસ્ય જાણવાની ઈચ્છા થતા સિદ્ધમુનિએ બૌદ્ધો પાસેથી જ્ઞાન મેળવવા જવાની શ્રી હરિભદ્રસૂરિજી પાસે આજ્ઞા માગી. સમયના જાણ હરિભદ્રસૂરિજીએ કહ્યું, ‘તારે જવું જ હોય તો તારી ઈચ્છા. પણ તેમના સંસર્ગે તારી ભાવનામાં ફેરફાર થાય તો મારો વેષ મને સોંપી જજે.'
તેણે આ વાત સ્વીકારી બૌદ્ધો પાસે આવી તેણે તેમનો ધર્મસિદ્ધાંત સમજવા માંડ્યો. આ શૂન્યવાદ તેને સ્યાદ્વાદ કરતા વધારે સરલ લાગ્યો. બૌદ્ધોએ અનેક કુતર્કો ઉભા કરી તેના મનને ભ્રમિત કર્યું અને સમજાવ્યું ‘ભગવાન તથાગત જેવી સંસારમાં કોઈની કરુણા નહીં.’ સિદ્ધમુનિએ એમની વાતમાં આવી તેમની દીક્ષા સ્વીકારી કહ્યું-‘શ્રી હરિભદ્રસૂરિજી પાસે જઇને પાછો આવું છું. આ એમનો વેષ એમને પહોંચાડવાની મેં કબૂલાત કરી છે.’