________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧)
૧૨૩ મંચિકાની એક દોરી કાપી નાખી. નીચે તો ખેરના અંગારા બળતા હતા. આમ પાંચ કાવ્ય બોલી પાંચ દોરી છેદી નાંખી. હવે તે એક જ દોરી પકડી લટકતા હતા. છઠું કાવ્ય બોલી છરી ચલાવી પણ ચાલી નહીં. સામે સૂર્યદેવ પોતે તેનું સાહસ નિહાળતા ઉભા હતા. ચારે તરફ માણસોની ઠઠ જામી હતી. સૂર્યના દર્શન અને પ્રસન્નતાથી બાણ કવિ ક્ષણવારમાં સાજા ને સુવર્ણમય કાંતિવાળા થઈ ગયા. રાજાએ ઠાઠમાઠથી નગરપ્રવેશ કરાવ્યો. રાજસભામાં આવતા જ મયૂરને જોઈ બાણે કહ્યું-“રે કાગડા જેવા તુચ્છ પંખી! ગરુડ જેવા સમર્થ મારી પાસે તારું શું ગજું? મારી શક્તિ તો સહુએ પ્રત્યક્ષ જોઈ, તારામાં હોય તો બતાવ.”
આ સાંભળી મયૂરે કહ્યું-“જો કે નિરોગીને ઔષધની કાંઈ આવશ્યકતા નથી, તેમ કારણ વગર મારે શક્તિ બતાવવાની જરૂર નથી. પણ તે સભામાં આહ્વાન કર્યું છે તો જો મારી પણ શક્તિ.” એમ કહી તેણે છરીથી હાથ-પગની આંગળીઓ કાપી નાંખી. આખી સભામાં અરેરાટી થઈ ગઈ. સહુ શંકિત થઈ જોવા લાગ્યા. કવિએ ચંડીદેવીનું ચમત્કારિક કાવ્ય ભક્તિપૂર્વક ગાવું શરું કર્યું, તેના છઠ્ઠા અક્ષરના ઉચ્ચારે દેવી પ્રત્યક્ષ થઈ. તેણે કવિના હાથ-પગ અખંડ કરી તેનું શરીર વજમય બનાવ્યું. આથી મયૂર કવિનું મહત્ત્વ ઘણું વધી ગયું. રાજા પણ તેને અત્યંત સન્માન આપતા.
અવસર પામી દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું-“આવા વિદ્વાન પંડિતો અદ્દભૂત કવિત્વ શક્તિના સ્વામીઓ, બ્રાહ્મણોમાં જ જોવા મળે પણ આ જૈન સાધુઓ તો પંડિતાઈનો મિથ્યા ઘમંડ લઈ ફરે છે. નથી પાંડિત્ય, નથી અદ્દભૂત કાવ્યરચનાની શક્તિ કે નથી કોઈ આવો ચમત્કાર, એકલી લુખી-લુખી ધર્મની વાતો કરી વ્યર્થ સમય બગાડે છે.” બીજા પણ કેટલાકે ટાપસી પૂરાવી. એકે તો ત્યાં સુધી કહ્યું કે-“આવું સામર્થ્ય આ લોકમાં હોય તો જ તેમને આપણા દેશમાં વિચરવા દેવા, નહીં તો જાય બીજે ક્યાંય. રાજા ભોજને પણ બ્રાહ્મણોની વાત સાચી લાગી. તેમણે ત્યાં વિચરતા શ્રી માનતુંગસૂરિજીને રાજસભામાં બોલાવ્યા અને કહ્યું-“મારી સભામાં ઘણા પંડિતો છે. તેમનું પાંડિત્ય, પદલાલિત્ય, અલંકારસભર કાવ્ય સાંભળનારને આશ્ચર્યમાં તરબોળ કરી દે છે. તેમાં બાણ અને મયૂર તો અદ્દભૂત કવિ છે. તેમની કાવ્યછટા અને સાહસ તો દેવોને પણ વિસ્મય ઉપજાવનાર છે. તમે પણ જૈનોના મોટા આચાર્ય છો, નિઃશંક વાત છે કે તમે પણ પ્રગર્ભ પાંડિત્યના ધણી હશો. અમને એવી અભિલાષા છે કે તમે પણ કોઈ અદ્ભૂત કાવ્યનો ચમત્કાર બતાવો.”
- આચાર્યશ્રી માનતુંગસૂરિજી સમર્થ વિદ્વાન, મહાન કવિ, વિચક્ષણ, પ્રજ્ઞાશાલી, સર્વતોમુખી પ્રતિભાવાળા, અતિચતુર અને અદૂભૂત મર્મજ્ઞ હતા. તેમણે કહ્યું-“ભલા રાજા, ચમત્કાર એ સામાન્ય બાલિશચેષ્ટા જેવી વાત છે. હવામાં તરવાથી કે પાણી પર ચાલવાથી જીવનમાં રહસ્યો ઉકેલી શકાતાં નથી. છતાં બહુ મોટો વર્ગ સામાન્ય બુદ્ધિવાળો હોય છે અને તેમના ઉપર તત્કાલીન અસાધારણ જણાતા બનાવની સારી અસર થાય છે. તમારે કાવ્યથી સર્જાતો ચમત્કાર