________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૩૧
“ચાંડાલ સ્ત્રીના રૂપ-વર્ણવાળી લોઢાની પુતળી બનાવી તેને અગ્નિમાં લાલચોળ તપાવી તેનું આલિંગન કરવાથી ચાંડાલ સ્ત્રીના સમાગમનાં પાપથી માણસ મૂકાય છે.” રાજા તેમના કહેવા પ્રમાણે કરવા ઉઘુક્ત થયો. શ્રી બપ્પભટ્ટસૂરિજીએ કહ્યું-“ભોળા રાજા ! તેં સંકલ્પમાત્રથી પાપ કર્યું છે, તે પશ્ચાત્તાપથી ધોવાઈ ગયું. શા માટે પતંગિયાની જેમ વ્યર્થ મરે છે? તું દયાસાગર પરમાત્મા જિનેન્દ્રદેવનો લાંબાકાળ સુધી ધર્મ આચર અને આત્માને કલ્યાણ માર્ગે લઈ જા.” આ સાંભળી ગુરુમહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી તે રાજમહેલમાં પાછો ફર્યો અને ધર્મધ્યાન-અનુષ્ઠાનમાં સાવધાન થયો.
એકવાર તેણે ગુરુમહારાજને પૂછયું-“ભગવંત! હું પૂર્વભવમાં કોણ હોઇશ?' ગુરુએ કહ્યું-કાલે ઉત્તર આપીશ.” એમ કહી ગુરુમહારાજે ઉપાશ્રયમાં આવીને સરસ્વતીદેવીને આરાધી. રાત્રે સરસ્વતીદેવીએ પ્રગટ થઈ રાજાનો પૂર્વભવ કહ્યો. સવારે આચાર્યજીએ રાજાનું પૂર્વભવજીવન રાજસભામાં કહ્યું કે- હે રાજા, પૂર્વભવમાં તું એકાંતર ઉપવાસી તાપસ હતો. કાલીંજરપર્વત પાસેની નદીના તીરે શાલવૃક્ષ નીચે તારો વસવાટ હતો. ત્યાં તે સવાસો વર્ષ સુધી ઘોરતપ કર્યું હતું. ત્યાંથી અવસાન પામી તું અહીં રાજકુળમાં અવતર્યો. હજી પણ તે વૃક્ષ નીચે તારી ઝટા પડેલી છે.” આ જાણી રાજાને સદ્ધોધ થયો. તેણે માણસો મોકલી ઝટા મંગાવી. રાજાને વિશ્વાસ થયો. તે ધર્મમાં દઢ શ્રદ્ધાવાન શ્રાવક થયો. ગુરુમહારાજના ઉપદેશથી તેણે મોટા ઠાઠમાઠથી શ્રી સિદ્ધગિરિ-ગિરનારજી આદિના યાત્રા સંઘો કાઢ્યા. દિગંબરોએ પડાવી લીધેલું ગિરનાર તીર્થ પાછું શ્વેતાંબરોને અપાવ્યું. અંતે નવકાર મહામંત્રની આરાધનાપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. કવિસભામાં સૂર્ય જેવાં આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજી શાસનની ઘણી પ્રભાવના કરી સ્વર્ગે સિધાવ્યા.
જે સહેજે બોધ ન પામી શકે તે આમરાજાને પ્રતિબોધ આપી, વાદિઓને કવિત્વાદિ ગુણોથી જીતીને, વિદ્વાનોમાં ચક્રવર્તી એ શ્રી બપ્પભટ્ટસૂરિજી શાસનની ઉન્નતિ કરી સ્વર્ગસુખ પામ્યા.
૩૬
પ્રથમ ભૂષણ-સ્થિરતા ધર્મના અંગો કે ધર્મરૂપી અંગ જેથી શોભે તે ભૂષણ કહેવાય. સમ્યકત્વનું પ્રથમ ભૂષણ ધૈર્ય-સ્થિરતા છે. જીવનમાં એવા પ્રસંગો આવ્યા જ કરે છે, જે ધર્મશ્રદ્ધાના પાયા જેવી સ્થિરતાને ડગમગાવી દે છે, પ્રલોભનો કે વિપત્તિઓથી ઘેરાયેલા આત્માઓ વાસ્તવિકતાને નથી સમજી શકતા ત્યારે તેમનામાં અસ્થિરતા ઉભી થાય છે, જે તેમને ક્યાંય શાંતિથી ઠરીઠામ થવા દેતી નથી અને આરાધનાને નિષ્ફળ પ્રાયઃ બનાવી દે છે. અરે ! દેવતાઓ પણ કોઈપણ સંયોગોમાં ક્ષોભ પમાડી ન શકે એવી સ્થિરતા તે સમ્યકત્વનું પ્રથમ ભૂષણ છે.