________________
૧૨૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
શ્રી માનતુંગસૂરિજીની કથા ધારાનગરીમાં બાણ અને મયૂર નામના બે વિદ્વાનો વસતા હતા. બાણ મયૂરનો સાળો થતો. આવી સગાઈ હોવા છતાં તેઓ એકબીજા પર સ્પર્ધાને લઈ માત્સર્ય રાખતા, પોતાનું પાંડિત્ય બતાવવા બીજાને ઉતારી પાડતા, છતાં રાજસભામાં તેઓ લબ્ધપ્રતિષ્ઠ પ્રતિભાશાલી પંડિત હતા. એકવાર બહેનને મળવા બાણ બનેવી મયૂરને ત્યાં ગયો. રાત્રે ઘણું મોડું થવાને કારણે તે તેમની ઓસરીમાં જ સૂઈ ગયો. અંદર સૂતેલા મયૂરદંપતીને બાણ આવ્યાની ખબર ન હતી. રાત્રે પતિ-પત્નીમાં પ્રેમ કલહ થઈ ગયો. રીસાયેલી પત્નીને અનેક રીતે મયૂરપંડિતે સમજાવી પણ તે કોઈ રીતે ન માની, આમ આખી રાત્રી વ્યતીત થઈ ગઈ. બહાર સૂતેલો બાણ પડ્યો-પડ્યો બધું સાંભળતો રહ્યો. પ્રાતઃકાળ થવાની તૈયારીમાં મયૂરે પોતાની પત્નીને માન છોડી માની જવા આ પ્રમાણે શ્લોકમાં ત્રણ ચરણ કહ્યાં :
गतप्राया रात्रिः कृशतनु शशी शीर्यत इवप्रदीपोऽयं निद्रावशमुपगतो घूर्मित इव,
प्रणामान्तो मानस्त्यजसि न तथापि क्रुद्वमहो । (એટલે કે - ઓ સુંદર સ્ત્રી ! રાત્રિ પૂર્ણ થવામાં છે. ચંદ્ર પણ ક્ષીણ થયો છે. આ દીવો પણ જાણે ઉધના ઝોકા લઈ રહ્યો હોય તેમ જણાય છે. પ્રણામ કરતા માનનો અંત આવે છે અને હું પ્રણામ કરું છું. છતાં તું ક્રોધ છોડતી નથી?) આ સાંભળી ઓસરીમાં સૂતેલા બાણકવિ તરતા ચોથું ચરણ બનાવી બોલી ઊઠ્યો
कुचप्रत्यासत्या हृदयमपि ते चण्डि ! कठिनम् ॥ (એટલે કે-ઓ ક્રોધી યુવતિ ! સ્તનની પાસે રહેવાથી તારું હૃદય પણ તેના જેવું (સંગતની અસરથી કઠણ થઈ ગયું છે.)
નારીએ પોતાના ભાઇનો સાદ પારખી લીધો ક્ષણવાર લજ્જા પછી તેને ભાઈ ઉપર ઘણો ગુસ્સો આવ્યો. બહેનના સ્તનની વાત ભાઈ બોલી જ કેમ શકે? તેણે તુરત જ શ્રાપ દીધો કે- તું કોઢીયો થા.” પતિવ્રતા નારીના શ્રાપથી તરત જ કવિ બાણ કોઢીયા થઈ ગયા. બીજે દિવસે રાજસભામાં કવિ મયૂર બેઠા હતા ત્યાં બાણને આવતા જોઈ મયૂરે કહ્યું-“આવો આવો કોઢીયા કવિરાજ ! આ જોઈ રાજા ભોજે પૂછ્યું કે-“ઓચિંતો કોઢ કેમ કરી થઈ ગયો?'
મયૂર કવિએ આખી વાત કહેતાં બાણ કવિ ત્યાંથી ઊઠીને નગર બહર ચાલી ગયા. ત્યાં બે વાંસ સામ સામે ખોડી, દોરી બાંધી તેના ઉપર છ દોરીવાળી મંચિકા બાંધી નીચે અગ્નિકુંડ સળગાવ્યો. તેણે નક્કી કર્યું કે આવી માનહીન દશામાં જીવવા કરતા મરવું ઘણું સારું છે. કાં આ પાર કાં પેલી પાર. એમ વિચારી તેણે મંચિકા પર ચડી સૂર્યદેવની સ્તુતિ પ્રારંભી. એક કાવ્ય બોલી