________________
૧૨૪
- ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ જોવો જ છે અને તેને તમે આટલું મહત્ત્વ આપો છો તો હું પણ તમને કાવ્ય અને તેની શક્તિ બતાવી શકું છું.”
રાજા અને સભાસદોના મહાઆશ્ચર્ય વચ્ચે શ્રી માનતુંગસૂરિજીની આજ્ઞાથી શ્રી માનતુંગસૂરિજીને પગથી ગળા સુધી લોઢાની ચુમ્માલીસ સાંકળ (બેડી)થી ઝકડવામાં આવ્યા અને એકની અંદર બીજા એમ ચુમ્માલીસમા ઓરડામાં રાખવામાં આવ્યા અને દરેક ઓરડે લોખંડી તાળા લગાડવામાં આવ્યા. ગણી પણ ન શકાય તેટલા લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા. ઉચ્ચ અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક આચાર્યશ્રીએ તુરત બનાવેલું શ્રી ઋષભદેવ પ્રભુના અદ્ભૂત મહાન્સવાળું ભક્તમાર સ્તોત્રના નામે પાછળથી અતિ પ્રસિદ્ધિ પામેલ કાવ્ય કહેવું શરુ કર્યું. અતિ મધુર કંઠે ભક્તિરસમાં તરબોળ થઈ તેઓશ્રીથી બોલાતા એ કાવ્યના એક એક શ્લોકથી એક એક બેડી અને તાળું તૂટી જવાં અને ઉઘડી જવા લાગ્યાં. આમ ચુમ્માલીસમા શ્લોકે તો આચાર્યશ્રી રાજસભામાં આવી ઉભા. લોકો તો શ્રી ઋષભદેવની સ્તુતિ બોલતા ડોલવા ને નાચવા લાગ્યા.
લોકો ભક્તામર સ્ત્રોતની યાદ રહી ગયેલી કડીઓ ગણગણવા અને અહોભાવથી માથું ધુણાવવા લાગ્યા. શ્રી જિનશાસનનો જયજયકાર થવા લાગ્યો. દ્વેષી લોકો પણ ભદ્ર પરિણામી થયા. પ્રસન્નવદન આચાર્યશ્રીની અમૃત જેવી મધુરી ધર્મવાણી સહુએ સાંભળી. તેમણે મોંઘા જીવનની એક પળ પણ નિષ્ફળ ન જવા દઈ ધર્મ કરી લેવાની ભલામણ કરી. રાજા તેમજ ઘણાં નાગરિકોએ બોધ પામી ધર્મનો આદર કર્યો. આવા અતિશયશાલી કવિઓએ જૈનશાસનની યશકલગીમાં ઘણો મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. શ્રી બપ્પભટ્ટસૂરિનો પ્રબંધ પણ આ પ્રસંગે જાણવા જેવો છે.
શ્રી બપ્પભટ્ટસૂરિજીની કથા મોઢેરાગામમાં શ્રી મહાવીરસ્વામીજીની યાત્રાએ એકવાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા પધાર્યા. તેઓશ્રી ઉપાશ્રયમાં બિરાજતા હતા ત્યારે ત્યાં આવેલા એક છ વર્ષના સુંદર બાળકને તેમણે પૂછ્યું- તું કોણ છે? ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હુંબાગામનો રહેવાસી છું. મારા બાપાનું નામ બપ્પ અને માતાનું નામ ભટ્ટીબાઈ અને મારું નામ સૂરપાલ છે. અમે જાતે ક્ષત્રિય છીએ. મારા પિતાને વર્ષો જુનો એક શત્રુ વારેવારે કનડતો હતો. હું તેની સાથે લડીને સદાને માટે ફેંસલો કરવા તૈયાર થયો તો મારા પિતાએ મને ના પાડી અને છાનામાના બેસી રહેવા કહ્યું, તેમજ પોતે જ એની સાથે પતાવટ કરશે તેમ જણાવ્યું. તેમના આવા વ્યવહારથી મને ખોટું લાગ્યું અને હું માતાને પૂછ્યા વગર ઘર નગર છોડી અહીં સુધી આવ્યો છું, આપના દર્શનથી મને આનંદ થાય છે.' નાનકડી વયના આ પ્રતાપી-ઓજસ્વી અને દેવાંશી બાળકને જોઈ આચાર્યશ્રીએ કહ્યું-“એમ છે, તો અહીં જ રહે અને બાળક ત્યાં રહેવા લાગ્યો. પૂજ્યશ્રી તેને ભણાવવા લાગ્યા અને તે હજાર હજાર શ્લોક રોજ ગોખી કંઠસ્થ કરવા લાગ્યો. જેવી પ્રજ્ઞા તેવી જ નમ્રતા પણ હતી.