________________
૧૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ~ હે ભગવન્! આપનું શરીર જ સ્પષ્ટ રીતે આપની વીતરાગતા જણાવે છે. (આપનું શરીર કેવું સ્વસ્થ છે !) કારણ કે વૃક્ષની બખોલમાં અગ્નિ ભર્યો હોય તો તે હર્યું ભર્યું હોઈ શકે નહીં. (અર્થાત્ મનમાં લાલસા-વાસના હોય તો શરીર પણ આવું સ્વસ્થ ન દેખાય. માટે આપ સાચા વીતરાગ છો, એની પ્રતીતિ તમને જોઇને થાય છે.) પછી તેઓ આચાર્ય જિનસૂરિજી પાસે આવ્યા અને ગાથાનો અર્થ પૂછતાં તેમણે તેનો અર્થ સમજાવ્યો. પ્રતિજ્ઞા પ્રમાણે હરિભદ્ર તેમના શિષ્ય થઈ ગયા. જૈન સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં તેમને પરમાત્મા વીતરાગદેવ પ્રત્યેનો અનુરાગ, ભક્તિ, શ્રદ્ધા અંતરતમમાં જડાઈ ગયાં, તેઓ પરમશ્રદ્ધાળુ અને શાસનના સાચા હીરા સાબિત થયા. તેમને યોગ્ય જાણી આચાર્યપદ આપવામાં આવ્યું. આચાર્ય હરિભદ્રસૂરિજીએ આવશ્યક નિર્યુક્તિની બૂવૃત્તિ કરતાં ચર્કિદુર્ગ....એ ગાથા ઉપર વિશદ વિવરણ કર્યું છે.
શ્રી હરિભદ્રસૂરિજીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યો સારા વિદ્વાન હતા, જૈન સિદ્ધાંતોનાં રહસ્યવેદી હતા. તેમણે બૌદ્ધોનાં સૈદ્ધાંતિક રહસ્યો જાણવાની ઈચ્છા શ્રી હરિભદ્રસૂરિજીને દર્શાવી. એ શાસ્ત્રાર્થનો યુગ હતો. વાદવિવાદની મોટી સભાઓ યોજાતી, આહ્વાનોનો આઘોષ કરાતો. બૌદ્ધોને જીતવા તેમના સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન હોવું જરૂરી હતું. જેના ઉપર એ આખો મત ઉભો હતો. એટલે ગુરુ આજ્ઞા મેળવી વેષ પરાવર્તન કરી તેઓ બૌદ્ધમઠમાં મુમુક્ષુ-વિદ્યાર્થી બની એકચિત્તે અભ્યાસ કરવા લાગ્યા. થોડા સમયમાં તો તેઓએ સારી પ્રગતિ કરી. તેમની રીતભાત, ગતિ-વિધિ આદિથી બૌદ્ધગુરુને તેમના પર શંકા ગઈ કે “કદાચ આ જૈનો ન હોય ! પરીક્ષા માટે તેમણે ઉપર આવવાની સીડીના એક પગથીયા પર ખડીથી અરિહંત પ્રભુની આકૃતિ બનાવી, એક ગુપ્તચર ગોઠવી દીધો. સમય થતા સહુ વિદ્યાર્થી નીચે ઉતરવા લાગ્યા. હંસ અને પરમહંસ જિનમૂર્તિ જોતાં ઊભા રહી ગયા. પ્રભુજીની આકૃતિનું પણ ઉલ્લંઘન કેમ કરાય? બાજુમાં પડેલી ખડી જોઈ તેમને માર્ગ સૂજી આવ્યો. તરત તે આકૃતિના માથે વાળ, ગળામાં રેખા અને શરીરે વસ્ત્રનું આલેખન કરી (બુદ્ધઆકૃતિ બનાવી) તેઓ નીચે ઉતરી આવ્યા.
જેમ ગુપ્તચરે આ વાત મઠાધીશને કરી, તેમ એક મિત્રે હંસ-પરમહંસને પણ કરી. તેમજ પરિસ્થિતિની ગંભીરતા જણાવી જલ્દી અહીંથી છટકી જવાની ભલામણ કરી. પોતે શ્વેતાંબર જૈન છે આ વાત બૌદ્ધો જાણી ગયા છે એ જાણી હંસ અને પરમહંસ ખૂબ ભયભીત થયા. કારણ કે એ વખતે બૌદ્ધા પાસે તાંત્રિક તાકાત સિવાય રાજ્યની પણ સબળ શક્તિ હતી, આખરે બંને ત્યાંથી ગુપ્તમાર્ગે ભાગી નિકળ્યા. બૌદ્ધ મઠાધીશે આ વાત પ્રબંધકને અને તેણે રાજાને કહી. રાજાએ તેમને પકડવા દિશાઓમાં ઘોડેસ્વારો દોડાવ્યા. હંસ અને પરમહંસ પરિસ્થિતિની ગંભીરતા જાણતા હતા. તેમણે પૂરી શક્તિથી દોડવા માંડેલું. કોઈની નજરે ન ચઢી જવાય તેની પણ ઘણી ચીવટ રાખી હતી છતાં હંસ માર્ગમાં પકડાઈ જતાં સૈનિકોએ તેમને મારી નાખ્યા. ખૂબ જ સાવધાની અને ત્વરાથી પરમહંસ શત્રુઓથી બચી ચિત્તોડના સીમાડા સુધી ભાગી આવ્યા પણ સવારોએ તેમને ત્યાં