________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૧૧૯ પકડ્યા અને કાપી નાખ્યા. લોહીના ખાબોચીયામાં તેમની તરફડતી લાશ મૂકી તેઓ પાછા ભાગી ગયા.
આ વાતથી આખું ચિત્તોડ ખળભળી ઉઠ્યું. ચારે તરફ હાહાકાર મચી ગયો. આ વાતની જાણ થતાં હરિભદ્રસૂરિજીની આંખમાંથી જાણે તણખા ઝરવા લાગ્યા, અંગ આખામાં ક્રોધ વ્યાપી ગયો, હોઠ ફફડવા ને ગાત્રો કંપવા લાગ્યા. આકૃતિ ભીષણ થઈ ગઈ ને અજંપો ચારે તરફ ફેલાઈ ગયો. “શું કરું? શું ન કરું?' પ્રતિશોધ વૈરનો બદલો? મારા વહાલા શિષ્યોના ઓ હત્યારાઓ! હવે હું તમારી કઈ દશા કરું છું તે જુઓ. અને તરત નિર્ણય લઈ તેમણે મંત્રપ્રયોગ માટે ભદ્દો ઊભો કર્યો. તેના પર મોટી કડાઈ ને તેમાં કડકડતું તેલ? સામે જ ઉભેલા શ્રી હરિભદ્રસૂરિ એકલા એકલા જ બોલી રહ્યા હતા. હવે તમને કોઈ બચાવે એમ નથી. આ કડાઈમાં તમને બધાને ભજીયાની જેમ જીવતા તળવાના છે. હા, તમે બધા ચઉદસો ને ચુમ્માલીસ પૂરા, એક પણ ઓછો નહીં. હું હમણાં આકર્ષણ પ્રયોગની શરુઆત કરું એટલી વાર છે. એક પછી એક તમે બધા પક્ષીની જેમ ખેંચાઈ ખેંચાઈને આકાશમાર્ગે આવી આ તેલમાં તળાશો! પાપીઓ તમારા પાપનો બદલો તમને હમણાં જ મળશે.” તેઓ વિચારસૃષ્ટિની તંદ્રામાં ખોવાઈ ગયા હતા. ત્યાં તેમના ગુરુશ્રીએ મોકલેલ બે શિષ્યો એક કાગળ લઈને આવ્યા. તેમના સંબોધને શ્રી હરિભદ્રજીની તંદ્રા તૂટી, તેમણે કાગળ વાંચવા માંડ્યો, જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ તેમને પરસેવો બાઝતો ગયો. ક્ષણવારમાં તેમના મુખ પરના ભાવો બદલાઈ ગયા. પત્રમાં સંતે લખ્યું હતું -
ગુણસેન અગ્નિશર્મા, સિંહ આનંદ એ પિતા-પુત્ર; શિખી જાલિની એ માતા-પુત્ર, ધન્ય-ધનશ્રી તે પતિ-ભાર્યા. (૧) જય-વિજય થયા સહોદર, ધરણ-લક્ષ્મી પતિ-પત્ની; સેન-વિષેણ પિતરાઇ, ભાઈ થયા સાતમે જન્મે. ગુણચંદ્ર વાણમંતર, સમરાદિત્ય ગિરિર્ષણના જીવો; એકને મળ્યો મોક્ષ, બીજો અનંત સંસારી. જિમ બાળે પાણીને પણ, કુશાસ્ત્ર-પવને વધ્યો કષાયાગ્નિ,
જિનવચનામૃતસિકતને, પણ બાળે તે યુક્ત નથી. આ સાંકેતિક ગાથાનો અર્થ આ પ્રમાણે છે.
ગુણસેનરાજાએ અગ્નિશર્મા તાપસને માસક્ષમણને પારણે પોતાને ત્યાં પધારવા આમંત્રિત કર્યા. પણ સંયોગવશ રાજમહેલમાં આવેલ તપસ્વીનો સત્કાર કે પારણું થઈ શક્યા નહીં. આવું ત્રણવાર બનવાથી ક્રોધે ભરાયેલા અગ્નિશર્માએ વૈરભાવથી તેને મારવાનું નિયાણું કર્યું પછી તેઓ ભવાંતરમાં ક્યાંક પિતા-પુત્ર, ક્યારેક માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ આદિ થયા પણ વૈરના વિપાકે અગ્નિશર્માના જીવે ગુણસેનના જીવને મારી નાખ્યો કે અતિ વિકટ કદર્થના કરી. આ
(૪)
ઉ.ભા.૧૯