________________
૧૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
કરવો નહીં' એમ બૃહસ્પતિ કહે છે. ચોથા પાંચાલ નામના પંડિતે કામશાસ્ત્રનું રહસ્ય સમજાવતા કહ્યું-“પાંચાલઃ સ્ત્રીપુ માર્દવમ્.” એટલે “પાંચાલનો મત છે કે સ્ત્રીઓ સાથે સદા મૃદુતાથી કામ લેવું.”
આ સાંભળી રાજા ઘણાં પ્રસન્ન થયા, પંડિતોને ઘણું માન-સન્માન અને પરિધાન આપ્યું. જયારે જયારે પ્રસંગ આવતો ત્યારે રાજા આ ચારે પંડિતોની પ્રજ્ઞા અને પાંડિત્યની પ્રશંસા કર્યા કરતા. એકવાર રાણી ભોગવતીએ સંભળાવ્યું કે ત્યાં સુધી જ વાદીન્દગજરાજોની મદભર ઘટા ગર્જના કરી શકશે કે જ્યાં સુધી પાદલિપ્ત-પંચાનન નાદ ઉલ્લસિત થયો નથી. પોતાની રાણીના મુખે શ્રી પાદલિપ્તસૂરિજીની આવી પ્રશંસા સાંભળી તેમણે મહામાત્યને આમંત્રણ માટે મોકલ્યા. આચાર્યશ્રી જયારે વલ્લભીની સીમમાં આવ્યા ત્યારે તેમની પરીક્ષા માટે ઘણા વિદ્વાનો ભેગા થઈ તેમની સામે ઘીનો ભરેલો થાળ મોકલ્યો. આચાર્યશ્રીએ તેમાં સોઈ નાંખી પાછો મોકલી આપ્યો. રાજાએ એનો અર્થ પંડિતોને પૂછતાં તેમણે કહ્યું- “અમે આચાર્યશ્રીને થાળ મોકલી જણાવ્યું હતું કે ઘીની જેમ આ નગરમાં વિદ્વાનો ખીચોખીચ ભર્યા છે. માટે અહીં આવતાં પૂર્વે વિચારજો.” ત્યારે આચાર્યશ્રીએ સોઈ નાખી જવાબ આપ્યો કે-જેમ પોતાની તિક્ષ્ણતાને કારણે સોઈ સહેલાઇથી ઘીમાં ઉતરી ગઈ તેમ અમે અમારી તિક્ષ્ણતા-પાંડિત્યથી તેમાં સરળતાથી સ્થાન મેળવી લઈશું. આ સાંભળી રાજાને ઘણો આનંદ થયો, પંડિતો સાથે રાજા પણ આચાર્યશ્રીના સામૈયામાં આવ્યા અને આડંબરપૂર્વક નગરપ્રવેશ સમારંભ થયો. પ્રતિદિવસ રાજા પોતાના પાંચસો પંડિતો સાથે શ્રી પાદલિપ્તસૂરિજીના વ્યાખ્યાનમાં આવતા. તેમના પ્રગર્ભપાંડિત્ય અને લાલિત્યમય વક્તવ્યની રાજા અને પ્રજા પર ઊંડી છાપ પડી. બધાં વિસ્મય પામ્યાં.
આચાર્યશ્રી નિર્વાણકલિકા અને પ્રશ્નપ્રકાશ આદિ નૂતનગ્રંથ બનાવી તેની વ્યાખ્યા સભાને સંભળાવી. તેથી બોધ પામી રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. પંડિતોએ ગર્વ છોડી ગુરુચરણની સેવા અંગીકાર કરી. શાસનનો જયજયકાર થઈ રહ્યો. ઘણા જીવો જિનશાસનના રસીક બન્યા. શ્રી પાદલિપ્તસૂરિજીએ પૃથ્વી પર ઘણો ઉપકાર કર્યો. પ્રાંતે શ્રી સિદ્ધગિરિ ઉપર બત્રીસ દિવસનું અનશન કરી સ્વર્ગ સિધાવ્યા, આ રીતે શ્રી પાદલિપ્તસૂરિની અમૃતકથાનું શ્રવણથી પાન કરી શક્તિશાલી પુરુષોએ શાસનનો મહિમા વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(આ પ્રસંગ દર્શનસપ્તતિકા ગ્રંથમાં સવિસ્તાર છે.).
૩૪
આઠમા પ્રભાવક અતિઅદ્ભૂત કવિતા-કાવ્યરચના કરવાના સામર્થ્યવાળા મહાપુરુષને સમ્યકત્વના અધિકારમાં કવિ નામના આઠમા પ્રભાવક કહેવામાં આવે છે.