________________
૧૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ વહોરીને થોડા આગળ ગયા ત્યાં વજાએ રડારોળ કરી ચોર ચોરનો પૂકાર કર્યો. રાજપુરુષોએ તેમની ઝોળીની ઝડતી લેતાં તેમાંથી બહુમૂલ્ય અલંકાર નીકળતાં તેઓ તેમને ચોરની જેમ રાજદરબારે લઇ ગયા અને રાજાની સામે ઉભા કર્યા. એટલામાં રાજ (ધાવ) માતા ત્યાં આવી અને તેણે કાષ્ઠમુનિને ઓળખી કહ્યું-‘ઓ, કાષ્ઠશેઠ, તમે અહીં ! રાજા આ તો તમારા પિતાશ્રી છે. રાજાએ પણ તેમને ઓળખ્યા, ધાવ માતાએ બધી વાત કરી.
મુનિને ચોરીનું આળ દેનાર બીજી કોઇ નહીં પણ એમની પત્ની છે અને તેને બગાડનાર આ બ્રાહ્મણ છે. ઇત્યાદિ વાતો પણ પ્રગટ થઇ. વજાને રાજાએ દેશવટો આપ્યો. બ્રાહ્મણની પ્રગટમાં અવહેલના થઈ, આથી બ્રાહ્મણોને ખોટું લાગ્યું. રાજા પણ જૈનધર્મ પામ્યો. રાજાએ આગ્રહ કરી કાષ્ઠમુનિને ત્યાં રોક્યા. રોજ રાજા પરિવાર સહિત આડંબરપૂર્વક ગુરુમહારાજને વાંદવા તથા ઉપદેશ શ્રવણ કરવા જતા. જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. બ્રાહ્મણોને ઘણી ઈર્ષ્યા થવા લાગી. તેમણે કાષ્ઠમુનિને હલકા પાડવાની તેમજ તેમના છિદ્રો ખોળવાની કોશિશ ઘણી કરી પણ સફળ ન થયા. એટલે તેમણે પ્રપંચ ઉભો કર્યો. એક સગર્ભા યુવતી દાસીને ઘણું ધન આપવાની લાલચે સાધુમહારાજને કલંકિત કરવા તૈયાર કરી.
આ તરફ કાષ્ઠમુનિએ વિહારની તૈયારી કરી. કીડીયારાની જેમ નરનારીનાં ટોળાં ઉભરાયાં હતાં રાજા પણ વિદાય આપવા આવેલ હતા. વખતે પેલી દાસી સાધ્વીનો સ્વાંગ સજી ત્યાં આવી પહોંચી અને કહેવા લાગી-‘મહારાજ ! ક્યાં ચાલ્યા ? મને ખબર જ હતી કે તમે ચૂપચાપ નિકળી જશો, પણ હું વારંવાર ફસાઉં એમ નથી. હવે આ તમારા બાળકની શી વ્યવસ્થા કરવાની છે ?’ એમ તેણે પેટ બતાવતાં કહ્યું. આ બધા આ જોઇ સાંભળી થીજી જ ગયા. આટલા ભલા દેખાતા મુનિ આવા ? એવામાં તો દાસી મુનિ આગળ આવી. આશ્ચર્યચકિત મુનિ બોલ્યા-‘બાઇ, તું શા માટે ખોટું બોલે છે ? ખરૂં કહે તું કોણ છે ?' અરે ! સાવ અજાણ બનો છો ? હું શા માટે ખોટું બોલું ?’
આ સાંભળી શાસનની હેલના થતી ભાળી ક્રોધિત થયેલા મુનિ બોલ્યા-‘જો આ બાઇ ખોટું બોલતી હોય તો તેનું પેટ ચીરી ગર્ભ બહાર આવી જજો. નહીં તો એમ જ રહેજો. આ કહેતાંની સાથે દાસીની કુક્ષી ભેદી ગર્ભ પૃથ્વી પર આવી પડ્યો ભય અને પીડાથી કાંપતી તે ગુરુમહારાજના ચરણોમાં પડી ક્ષમા માગવા લાગી અને આ પ્રપંચ બ્રાહ્મણોનો છે, વગેરે બધી વાત જણાવી દીધી. તપસ્વી લબ્ધિવાન મુનિનો આવો પ્રભાવ જોઈ ડરી ગયેલા બ્રાહ્મણો પણ તેમના પગે પડ્યા અને થયેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યા. તેમજ નગરના આગેવાનોએ નમ્રતાપૂર્વક અજ્ઞાનીઓને ક્ષમા આપવા વિનંતિ કરતા, મુનિ શાંત થયા. સહુને ધર્મનો ઉપદેશ આપી વાસ્તવિકતા સમજાવી. લોકો ભદ્રિક થયા અને નિંદાનો ત્યાગ કર્યો. મુનિએ સારી એવી શાસનની પ્રભાવના કરી. પ્રાંતે તપો બળે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધિગતિ પ્રાપ્ત કરી.