________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ એમ કહેતા નર્તકીએ તેમનો હાથ પકડ્યો ને પાત્ર આદિ લઈ લીધા. નંદિષેણના શરીરમાં જાણે વીજળી ફરી વળી. તેઓ કાંઈ પ્રતિકાર ન કરી શક્યા. પલવારમાં તો વેષનું પરિવર્તન થઈ ગયું. આનંદની છોળો ઉડાડતી ગણિકા તેમને વિશ્રાંતિગૃહમાં લઇ ગઈ. તે જ વખતે નંદિષેણે નિયમ કર્યો કે પ્રતિદિવસ દસ જણને પ્રતિબોધવા. જ્યાં સુધી દસને પ્રતિબોધ ન થાય ત્યાં સુધી જમવું નહીં ને અંતે તેઓ નર્તકીની સંગતમાં લીન થયા. સંયમથી તેમનું પતન થયું. છતાં નર્તકીને ત્યાં જે લોકો આવતાં તેને તેઓ અતિઉલ્લાસપૂર્વક ધર્મની મહત્તા જણાવતો ઉપદેશ આપતા. તેમના ઉપદેશમાં કોઈ અજબ શક્તિ હતી કે પત્થરદિલ માણસો પણ પીગળતાં. ઘોર પાપીને પણ પાપના નામે પરસેવો થઈ આવતો. જોતજોતામાં હૃદય પરિવર્તિત થઈ જતું. આમ દરરોજ દસ જણાં દિક્ષા લેવા તૈયાર થાય પછી જ તેઓ જમતા.
આમ કરતાં બાર વર્ષ વીતી ગયા. એકવાર નવ જણા તો બોધ પામ્યા પણ એક સોની કેમે કરી બોધ પામે નહીં ને બીજો કોઈ માણસ ત્યાં આવ્યો નહીં. સોનીને નંદિષેણ ખૂબ યુક્તિપ્રયુક્તિ-હેતુ ઉદાહરણ પૂર્વક સંસાર અને સંસારવાસની ભયંકરતા અને નિષ્ફળતા સમજાવવામાં ઓતપ્રોત થઈ ગયો. ગણિકા ગરમ-ગરમ રસોઈ જમવા બોલાવે છે. “હું હમણાં જ આવું છું કહી નંદિષેણ પાછો ઉપદેશ આપે છે. પણ પેલાને હૈયે ધર્મ ઉતર્યો જ નહીં. મોડું થવાથી પહેલી રસોઈ કાઢી નાખી બીજીવાર બનાવી અને ફરી બોલાવવા નર્તકી આવી. નંદિષેણ કહે-“હમણાં આવું છું.” ત્યારે સોનીને તો જરાય અસર થતી નથી. એ જાણી ગણિકાએ હાસ્યમાં કહ્યું-“આજે તો દશમો કોઈ બૂઝે એમ લાગતું નથી. તમે બોધ પામો તો છે.”
આ સાંભળતાં નંદિષેણની સામે પ્રકાશ ઝબકી ગયો. અરે ! અનેકને બોધ આપનાર હું જ અંધારામાં? એમના રોમેરોમમાં ધર્મચેતના જાણે ઉભરાઈ આવી. તેમણે ઊભાં થતાં કહ્યું - હા સાવ સાચી વાત છે. આજે દસમો હું જ બોધ પામ્યો છું. સંસારમાં સાચો એક ધર્મ છે. સારૂં હું જાઉં છું.” ગણિકાએ તેમને રોકવા ઘણાં પ્રયત્નો કર્યા, રડી રડીને મનાવ્યા. પોતે કરેલ પરિહાસની મોટામાં મોટા સજા માંગી પણ મહામના નંદિષેણ તો ક્ષણવારમાં બધું છોડી ચાલતા થયા અને ફરી દીક્ષા લીધી. આલોચના પ્રાયશ્ચિત્ત આદિથી આત્માની શુદ્ધિ કરી ઘોરાતિઘોર તપશ્ચર્યા કરી આત્મકલ્યાણનો પ્રબળ પુરૂષાર્થ કર્યો. અંતે સ્વર્ગગામી થયા. એકાવતારી થયા. ત્યાંથી એવી મનુષ્યનો ભવ પામી તે જ ભવમાં સંસારનો અંત કરી સિદ્ધ-બુદ્ધ-નિરંજન થશે. અર્થાત્ મુક્તિને પામશે.