________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
આશ્ચર્યચકિત થયા. વૃદ્ધમુનિનો જયજયકાર અને વાદી તરીકેનો યશ વિસ્તર થયો. થોડા જ સમયમાં તેઓ વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા. ગરુડ જોઈ સર્પ નાસે તેમ વૃદ્ધવાદીનું નામ સાંભળતાં પંડિતો અને દાર્શનિકો દૂર ચાલ્યા જતાં. ઘણા પ્રયત્નો છતાં તેમની સામે કોઈ પણ વિદ્વાન વાદમાં ટકી શકતો નહીં. તેમને સમર્થ જાણી ગુરુમહારાજે આચાર્યપદવી આપી. સંઘે ઉત્કટ ઉત્સાહથી સમારોહ કર્યો. વૃદ્ધવાદીસૂરિ તરીકે તેઓ ખ્યાતનામ થયા. તેમણે શાસનની સુંદર પ્રભાવના કરી.
તે વખતે માલવાના પાટનગરમાં અવંતીમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરે, તેમની સભામાં દેવર્ષિ દેવશ્રીના પુત્ર સિદ્ધસેને મહાપંડિત તરીકેની ખ્યાતિ મેળવી હતી. તેમને વિદ્યાનો એવો ઘમંડ હતો કે જગતને તૃણ સમાન ગણતા હતા. કહ્યું છે કે “વીંછી જરાક એવા વિષના જોરે પોતાના ડંખની પૂંછડી ઊંચી લઈ અભિમાનથી ચાલે છે. ત્યારે વાસુકીનાગ પાસે તેના કરતાં હજારો ગણો વિષ હોવા છતાં ગર્વિત નથી,” સિદ્ધસેને એવી પ્રતિજ્ઞા કરેલી કે જે મને હરાવે, તેનો હું શિષ્ય થઈ જાઉં. વૃદ્ધવાદીની પ્રશંસા સહન ન થતાં તે પાલખીમાં બેસી ભરૂચ તરફ ચાલ્યા, વાદ માટે માર્ગમાં જ વૃદ્ધવાદીનો ભેટો થઈ ગયો. પરસ્પર વાતચિત પછી સિદ્ધસેને તેમને વાદ માટે આમંત્રણ આપ્યું. વૃદ્ધવાદી તો સદા તૈયાર. તેમણે કહ્યું-“આપણે વાદ કરીયે પણ અહીં આપણી મધ્યસ્થતા સ્વીકારનાર કોઈ યોગ્ય માણસ દેખાતું નથી. જય-પરાજયનો નિર્ણય કોણ કરશે ?” ગર્વોદ્ધત સિદ્ધસેને કહ્યું-“આ ગોવાળીયા મધ્યસ્થ થશે.” વૃદ્ધવાદીએ તે માન્ય કરી . સિદ્ધસેનને પૂર્વપક્ષ કરવા કહ્યું. ત્યાં ઠાવકાઈથી બેઠેલા સિદ્ધસેને છટાપૂર્વક તર્કશાસ્ત્રની લક્ષ્યતાવચ્છેદકાવચ્છિન્ન આદિ કર્કશભાષા જોરશોરથી બોલવા માંડી. એક સરખી બોલતા જ રહ્યા. પહેલા આશ્ચર્ય અને પછી કંટાળો પામેલા ગોવાળીયા બોલ્યા- “આણે કઈ જાતનો બડબડાટ માંડ્યો છે. કાંઈ સમજાતું તો નથી. એને પોતાનેય ખબર નહીં હોય કે, એ ભેંસની જેમ જોરજોરથી શું બરાડે છે. માટે તે વૃદ્ધ ! તમે કાંઈ કર્ણપ્રિય બોલો. આને તો કાંઈ આવડતું નથી ને ફોગટની રાડો પાડી કાન બહેરા કરે છે.” અવસરના જાણ વૃદ્ધવાદી તરત જ તાલ અભિનયપૂર્વક બોલ્યા
નવિ મારીયે નવિ ચોરીયે, પરદારા ગમણ નિવારીયે; થોડું થોડું દીજીયે તો સ્વર્ગે ઝટપટ જાઇએ. ઘઉં ગોરસ ને ગોરડી ગજ ગુણિયલ ને ગાન, છ ગગ્ગા જો ઈહા મિલે તો સગ્ગા (સ્વર્ગ)નું શું કામ? ચૂડો ચમરી ચૂંદડી, ચોલી ચોયણો ચીર,
હું ચચ્ચે સોહે સદા સધવા તણું શરીર. વૃદ્ધવાદીની આ સુંદર કવિતા સાંભળી ગોવાળ પણ ગાવા ને કુદવા લાગ્યા. તેમણે સિદ્ધસેનને કહ્યું “આ કાવ્યનો વાદ કરો-ખંડન કરો.” પણ સિદ્ધસેન બોલ્યા નહીં. એટલે બધા ગોવાળો બોલ્યા-“આ વૃદ્ધ જુવાનીયાઓને જીતી લીધો રે ભાઈ જીતી લીધો. સિદ્ધસેન નિસ્તેજ થઈ ગયા. વૃદ્ધવાદીએ કહ્યું- તું નિરાશ ન થા. આ તો આપણે ગમ્મત કરી. ચાલો, ભરૂચ નજીકમાં