________________
૯૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ધ્યાન ધરવું જોઈએ.' આ વાંચી આચાર્યદેવસૂરિજીએ પરિહાસમાં કાઢી નાખ્યું પણ તેમના શિષ્ય મહાપંડિત માણિક્યમુનિએ શ્લોકમાં ઉત્તર લખી આપ્યો તેનો અર્થ આ પ્રમાણે હતો.
‘આ કોણ દુ:સાહસી છે જેણે કેસરીસિંહની કેશવાળીને પગ લગાડ્યો છે ? આ કોણ અણસમજુ છે જેણે આંખની ચળ ખંજવાળવા તિક્ષ્ણ ભાલાને આંખમાં નાખવાની ઈચ્છા કરી છે અને આ કોને ઘેલછા સૂઝી છે કે માથાના શણગાર માટે વિષવાળા મણિધરને માથે વીંટ્યો છે ? કે વિશ્વવંદ્ય શ્રી જિનશાસનની જે નિંદા કરવા તૈયાર થયો છે.’
તે શ્લોકની સાથે રત્નાકર નામના એક મુનિએ બીજો શ્લોક લખી આપ્યો તેનો ભાવાર્થ આમ હતો.
‘હે પંડિત ! નગ્ન લોકોએ યુવતી જનોની મુક્તિનો નિરોધ કરીને રત્ન જેવું પોતાનું (આંતરિક) તત્ત્વ પ્રકટ કરી દીધું જ છે. હવે કર્કશ તર્કશાસ્ત્રની ક્રીડામાં તમારો આ અભિલાષ અનર્થમૂલક છે.’
રાજમાતા મણયલ્લદેવીનો પિયરપક્ષીય દિગંબરમત હોઇ તેણે સ્વમતના વિજય માટે અનેક પંડિતોને તેડાવ્યા અને યોજના પ્રમાણે ગોઠવ્યા હતા. વાદ નિશ્ચિત થતાં પોતપોતાના પક્ષ (વાદના મુદ્દા) સ્થાપવામાં આવ્યા. તેમાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રે જણાવ્યું કે-‘૧ કેવલજ્ઞાની ભોજન લેતાં (જમતા) નથી. ૨. વસ્ત્ર પહેરનારની મુક્તિ નથી અને ૩ સ્ત્રીને મોક્ષની પ્રાપ્તિ નથી.’
શ્વેતાંબરાચાર્ય શ્રી દેવસૂરિજી તરફથી જણાવવામાં આવ્યું કે-‘૧ કેવલજ્ઞાની ભોજન કરે. ૨. વસ્ત્રધારીની પણ મુક્તિ થાય તથા ૩ સ્ત્રી પણ સિદ્ધ એટલે મુક્ત થાય.' પછી વાદ માટેનો દિવસ નક્કી થયો. વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. બંને પક્ષના અને તટસ્થ પંડિતો ન્યાય માટે નિમવામાં આવ્યા. ષડ્દર્શનના પંડિતોનો મેળો જામ્યો. પ્રજા પણ ઉત્કંઠાપૂર્વક રાજમહાલયનાં પ્રાંગણમાં પરિણામ સાંભળવા આતુરતાપૂર્વક આવી ઊભી.
આચાર્ય કુમુદચંદ્ર ભારે દબાદબાપૂર્વક રાજસભામાં આવ્યા. રાજાએ તેમને ઘણા સન્માનથી ઊંચા આસને બેસાડ્યા. ત્યારપછી થોડીવારે આચાર્ય દેવસૂરિજી, હેમચંદ્રસૂરિજી આદિ પોતાના કેટલાક શિષ્યમંડલ સહિત સ્વાગતપૂર્વક પધાર્યા. તેમને પણ રાજાએ બહુમાનપૂર્વક ઊંચે આસને બેસાડ્યા.
કુમુદચંદ્ર પ્રૌઢવયના અને હેમચંદ્ર ઉગતી વયના હોઇ તેમને દિગંબરાચાર્યે પૂછ્યું-‘ પીતં તk ?' એટલે કે છાશ પીધી ? પીતંનો અર્થ પીધી પણ થાય ને પીળી પણ થાય. એટલે નિર્ભય હેમચંદ્રજીએ મજાનો ઉત્તર આપતાં કહ્યું –‘અરે છાશ (તક્રે) તો સફેદ હોય, પીળી તો હળદર હોય. તે શું તમે નથી જાણતાં. આ સાંભળી કુમુદચંદ્ર ઝંખવાણા પડ્યા ને કાંઇક ખીજાયા પણ ખરા. બોલ્યા-‘તમારા બેમાંથી પ્રતિવાદી કોણ થશે ?' ત્યારે શ્રી દેવસૂરિજી રમૂજ કરતાં બોલ્યા-‘આ હેમચંદ્ર પ્રતિવાદીનું સ્થાન સંભાળશે.’ કુમુદચંદ્રે કહ્યું-‘મારી સાથે આ બાળક વાદ-પ્રતિવાદ કરશે ?’