________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ જાય, કોઈવાર તો ગેલમાં ને ગેલમાં રાજસભાનું અસ્તિત્વ પણ ભૂલી જાય અને બેઠેલી-છતાં અડધી ઉભી થઇ જાય. ત્યારે ધનગિરિ પાસે એવી ચપળતા નહોતી અને બાળકને આકર્ષે તેમ કોઈ વસ્તુયે નહોતી. સુનંદા અને ધનગિરિના મધ્યમાં ચાલ્યા આવતા વજને ધનગિરિએ પોતાનું રજોહરણ (ઓઘો) ઊંચુ કરીને બતાવ્યું ને ગંભીર બાળક આનંદિત થઇ તેમની પાસે દોડી આવ્યો, રજોહરણ લઈ બાળક નાચવા લાગ્યો અને તેમની પાસે બેસી પ્રસન્નવદને સહુને નિહાળવા લાગ્યો. છેવટે રાજાએ પણ ન્યાય એજ આપ્યો કે- બાળક મહારજજીની પાસે જ રહેવા માંગે છે.” શાણી સુનંદા પણ વાસ્તવિકતાને સમજી. તેણે વજકુમારને ઉમંગે દીક્ષા અપાવી અને અતિઉત્સાહપૂર્વક પોતે પણ દીક્ષા લીધી.
આઠ વર્ષ જેવી નાની વયમાં પણ વજકુમારમુનિનો જ્ઞાનવૈભવ આશ્ચર્ય ઉપજાવે તેવો હતો. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ તપસ્વી, સંતોષી અને સંયમમાં સાવધાન હતા. તેમની સાવધાનીની પરીક્ષા માટે તેમના પૂર્વભવના મિત્રદેવે માયા ઉભી કરી.
એકવાર શ્રીસિહગિરિજી મહારાજ પોતાના સમુદાય સાથે વિહાર કરી જઈ રહ્યા હતા, ત્યાં અચાનક વાદળાં ચઢી આવ્યા ને વરસાદ વરસવા લાગ્યો. એક મોટા ઘેઘૂર વૃક્ષની નીચે સહુ આવી ઉભા. નજીકમાં જ કોઈ મોટા સાર્થવાહનો પડાવ, તંબુ-રાવટી દેખાતાં હતાં. આહારનો સમય થવા છતાં હજી ઝરમર વર્ષા વરસતી હતી. મુનિશ્રેષ્ઠો સ્વાધ્યાય-ધ્યાનમાં લાગી ગયા હતા. ત્યાં એક સાર્થવાહે વંદન કરી અતિનમ્ર પ્રાર્થના કરી કે “મારો પડાવ અહીં પાસે જ છે. આહારનો અવસર થયો છે, વર્ષા પણ થંભી ગઈ છે, દયાળ! કૃપા કરી પગલાં કરો.” આચાર્ય મહારાજે બાળમુનિ વજને જવા કહ્યું. વજમુનિ સાર્થેશ સાથે તેની છાવણીમાં વહોરવા ગયા. તેણે પણ અતિભાવપૂર્વક ઘેવરના થાળ મંગાવ્યા ને વહોરવા આગ્રહ કર્યો.
સદા સજાગ અને સાવધાન વજમુનિને તે સાર્થપતિમાં કાંઈક વિલક્ષણતા દેખાઈ. ધ્યાનથી જોતાં તેમને જણાયું કે આ લોકો માણસ નહીં પણ દેવતા જણાય છે. અરે ! આમની આંખોની પાંપણ પણ હાલતી નથી. નક્કી દેવતા જ. દેવોની ભિક્ષા તો લેવાય નહીં ! તેઓ પાછા ફરવા લાગ્યા. દેવને ખબર પડી ગઈ કે વજમુનિમાં અભૂત સાવધાની છે. જોતાં જ મોંમાંથી લાળ પડે એવાં મઘમઘતાં ઘેવર પર તેમણે દૃષ્ટિ પણ ઠેરવી નહીં. ધન્ય સાધુ ! ધન્ય સાધુતા ! દેવે પ્રકટ થઇ પૂર્વભવની મિત્રતાની વાત કહી તેમની ઘણી પ્રશંસા કરી અને અને વૈક્રિય રૂપ વિકર્વી શકાય તેવી વિદ્યા આગ્રહ કરીને આપી. થોડા સમય પછી એ દેવે એવી ને એવી ઈન્દ્રજાળ પાછી ઉભી કરી અને વજમુનિને કોળાપાકની મીઠાઈ વહોરાવવા લાગ્યો. પણ અતિઉપયોગવંત વજમુનિ મામલો જાણી ગયા ને પાછા ફરવા લાગ્યા. ત્યાં દેવ પ્રત્યક્ષ થઈ તેમના ચરણોમાં પડ્યો. તેમની સાધુતાનું ખૂબ ખૂબ કીર્તન કરવા લાગ્યો. તેમને તપોબલથી ક્ષીરાશ્રવ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી.