________________
૭૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ પૂર્વપતિ ધનગિરિને ઓળખ્યા ને આવકાર આપ્યો. ધર્મલાભ સાંભળી જાગેલા બાળકે વ્યવસ્થિત રડવાનું શરુ કરી દીધું. દીકરાથી ધરાઈ ગયેલી સુનંદા બોલી-“મહારાજજી ! આપ તો મજાથી આત્મકલ્યાણ સાધો છો પણ મારા તો દુઃખનો પાર નથી. આટલી સગવડમાં મને આ તમારા દીકરાએ દુઃખી દુઃખી કરી મૂકી છે. માટે કૃપા કરીને એને જ તમે લઇ પધારો. ધનગિરિએ ઝોળી પસારતાં કહ્યું-“સુનંદા પછી પાછળથી વાંધો લેતી નહીં.” સુનંદાએ કહ્યું-“ના રે, મારે કોઈ ભાવે આવો દીકરો ન જોઇએ, તમતમારે લઇ પધારો. હું તો છૂટી ઉપાધિમાંથી.એમ કહી તેણે બાળક શ્રી ધનગિરિજીની ઝોળીમાં મૂકી દીધું અને એ જ ક્ષણે તે મરક-મરક મલકાઈ ઉઠ્ય, સુનંદા પણ ચકિત થઈ જોતી રહી.
ધનગિરિ ધર્મલાભ કહી ઉપાશ્રયે આવ્યા. ગુરુ મહારાજે આ ‘વજ' જેવું વજનદાર શું લાવ્યા?' એમ કહી તેમની ઝોળી લઈ ઉપાડી તો અંદર મજાનું મલકતું બાળક ! ત્યારથી તે બાળકનું “વજકુમાર' નામ પડી ગયું. ધર્મિષ્ઠ અગ્રણી શ્રાવકને સોંપી ભલામણ કરવામાં આવી કે આના ભાવ વધે અને સારા સંસ્કાર પામે તેવા સંયોગ આપશો.” શ્રાવકે શ્રાવિકાને સોંપ્યો અને શ્રાવિકા તો એટલી બધી ધર્મિષ્ઠ હતી કે નવરી પડે કે તરત સાધ્વીજીના ઉપાશ્રયે જ પહોંચે. ત્યાં જ તેણે ઘોડીયું પણ રાખ્યું. વજકુમારને એક ક્ષણવાર પણ છેટો રાખે નહીં. વજ એવો સુંદર કે પરાણે વહાલ કરવાનું મન થાય. કોઈ દિવસ જરાય રડવાનું તો નામેય નહીં. જ્યારે જૂઓ ત્યારે આનંદમાં મલકાતો.
શ્રાવિકા શાંતિથી સામાયિકાદિ ક્રિયા કરે અને ધર્મનો અભ્યાસ કરે, વજ શાંતિથી ઘોડિયામાં પડ્યો પડ્યો બધું સાંભળે, જરાયે પજવવાની તો વાતેય નહીં એમ કરતાં વજ ત્રણ વર્ષનો થયો. પૂર્વના જ્ઞાન બળે ત્રણ વર્ષનું એ બાળક કોઈ વાર તો એવી વાતો કરતું કે સાંભળનારને અચંબો થાય. એની છટા, જ્ઞાન ભરી વાતો, નાનકડી ઉંમર છતાં ઘણી મોટી સમજણ, પ્રસન્નમુદ્રા, જ્યારે જુઓ ત્યારે તાજા ખીલેલા કમળ જેવી પ્રફૂલ્લતા આ બધી વિલક્ષણતાએ વજકુમારને ચર્ચાનો વિષય બનાવી દીધો. “આ સુનંદાનો રોતલ છોકરો ??, ન હોય, કેવો સોહામણો, સુંદર અને સમજણો.” આ વાત સુનંદા પાસે આવી. તેણે પણ ખાત્રી કરી લીધી કે એ મારો જ પુત્ર. મેં અભાગણીએ આવો મજાનો-અરે હજારમાંય ન જડે એવો દીકરો મેં આપી દીધો. આપ્યો તો શું થયું? હમણાં પાછો લઈ આવું. એ તો આવી ઉપાશ્રયે, માંગણી કરી, “મારો પુત્ર મને આપી દો.' ધનગિરિજીએ કહ્યું – “મેં તને તે વખતે સાફ સાફ કહ્યું હતું કે સુનંદા પાછળથી વાંધો લેતી નહીં, ત્યારે તે જ કહ્યું હતું, ના રે મારે કોઈ ભાવે આવો દિકરો ન જોઈએ. યાદ છે ને?' સુનંદા બોલી“મહારાજ, મને એ જ ખબર પડતી નથી કે આવો દીકરો મેં તમને આપી જ કેમ દીધો? મારે મારા પુત્ર વગર નહીં ચાલે, મને મારો લાલ અપાવો,” શ્રી સિંહગિરિજી અને ધનગિરિજીએ સુનંદાને ઘણી સમજાવી પણ તે ન માની.
છેવટે સુનંદા રાજદરબારે પહોંચી. તેણે પુકાર કરતાં કહ્યું- “મારાં પતિએ તો દીક્ષા લીધી