________________
૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ તેમણે દીક્ષા ન લીધી હોત, તો તેમણે પુત્રજન્મોત્સવ એવો માંડ્યો હોત કે આપણી આખી શેરી ઝળહળાં થતી હોત' બીજી બાઈ બોલી-“આવો સરસ દીકરો હોય, પછી કાંઈ એ મણા ન રાખે. પણ એ તો કેવા વૈરાગી.... દિકરાના જન્મ સુધી પણ ન રોકાયા ને ધરાર દીક્ષા લીધી જ.”
આ સાંભળતાં જ સુનંદાના બાળકની સ્મૃતિ સતેજ થઈ. “દીકરાના જન્મ સુધી પણ ન રોકાણા ને દીક્ષી લીધી જ.” આ શબ્દો જાણે હૈયામાં કોતરાઈ ગયા. જાણે ઘણા પરિચિત શબ્દો ક્યાંક પહેલા સાંભળેલા? આમ ઉહાપોહ કરતાં વિસ્મૃતિના પડલ ભેદાયાં અને ગતભવ સ્મૃતિમાં ઉપસી આવ્યો. જાતિ-સ્મરણજ્ઞાન થયું. ગયા ભવની આરાધના તાજી થઈ આવી. સમજાઈ ગયું કે મારા પિતાએ દીક્ષા લીધી છે. માતાને હું એક જ સંતાન છું. મા પાસે અઢળક વૈભવ છે, મારા પર અત્યંત વહાલ અને મમતા છે. પણ માણસનો ભવ તો આત્માનું કામ કરી લેવા માટે છે. આવા સારા સંયોગ જીવને વારે વારે મળતા નથી. પણ મા પાસેથી કેમ છૂટાય ?” અને સાવ નાનકડા એ શિશુને પરભવના જ્ઞાન-સમજણના જોરે રસ્તો મળી આવ્યો, તેણે એ અમલમાં મૂક્યો પણ ખરો. બાળક પાસે શું રસ્તો હોય? ને જોરે શું હોય? તેણે રડવા માંડ્યું. બરાબર સુનંદાને કામનો કે આરામનો અવસર હોય ત્યારે તેનું બાળક ધીરે ધીરે રડવાનું શરુ કરે અને થોડીવારે તો તેનું રુદન એટલું વધી જાય કે સુનંદા ત્રાસી જાય. તે જેમ જેમ તેને છાનો રાખવા મથે તેમ તેમ તેનો અવાજ વધારે બુલંદતા પકડે. સુનંદાએ ઘણા ઉપાયો કર્યા, ઘણા ઉપચારો કર્યા. અરે ! બાળકને કોઈની નજર લાગી હોય કે કાંઈ વળગ્યું હોય, એમ માની તજજ્ઞો પાસે તેનો ઉપચાર કરાવ્યો પણ કાંઈ વળ્યું નહીં. આખો દિવસ કામ કરી, પુત્રની ઘણી ચિંતા કરી થાકેલી સુનંદાને પ્રહરાત્રિ વિત્યે માંડ ઊંઘ આવે. તેણે એકાદ ઘડીની નજીવી ઊંઘ માણી હોય ત્યાં ધીરે રહીને તેનું બાળક રડવાની શરૂઆત કરે. તે જાગીને પુત્રને છાનો રાખવાના ઘણા પ્રયત્નો કરે પણ બધા વ્યર્થ જાય. અડધી રાતે રડતા બાળકનો ક્ષણેક્ષણે ઘેરો બનતો ઘાંટો માત્ર તેની માતાને માટે જ નહીં પણ આસપાસ રહેનારા માટે પણ અસહ્ય થઈ પડ્યો.
ઇરાદાપૂર્વકની આ ગોઠવણ, સમજણપૂર્વક એ બાળકે અમલમાં મૂકી હતી. મા પાસેથી છૂટ્યા વિના કલ્યાણ નહોતું અને એકલવાયી માતાને મમતા માટે એક જ માત્ર પુત્ર હતો. મા હેરાન થાય તો જ મમતાના વેગમાં અવરોધો ઉભા થાય. અને એ માટે બાળકે પોતાની વ્યવસ્થિત યોજના કાર્યાન્વિત કરી હતી.
હવે પાડોશી પણ કહેતા-‘સુનંદા તારા દીકરાથી તો ભઈ કંટાળ્યા. સુનંદા કહેતી-“હું પણ ત્રાસી ગઈ છું. પણ કરું શું?’ એવામાં એક દિવસ આર્યસિંહગિરિજી મહારાજ પોતાના શિષ્યપ્રશિષ્ય ધનગિરિજી મહારાજ આદિ સાથે તે ગામમાં પધાર્યા. શ્રી ધનગિરિજી મહારાજ પોતાના ગુરુજીને પૂછી ગૌચરી જતા હતા. ત્યારે ગુરુજી શ્રી સિંહગિરિજી આચાર્યદેવે કહ્યું-“આજે ભિક્ષામાં સચિત્ત કે અચિત્ત જે કાંઈ મળે તે લઈ લેજો” “જેવી આજ્ઞા કહી શ્રી ધનગિરિજી મહારાજ ફરતા ફરતા સુનંદાને ઘેર આવી ચઢ્યાં.” ધર્મલાભનો પરિચિત અવાજ સાંભળતાં સુનંદાએ પોતાના