________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ વહાણો આવ્યા. સમયે વર્ષા પણ થઈ. સર્વત્ર સારો પાક થયો. તે શેઠે પોતાની પત્ની તેમજ ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, અને નિવૃત્તિ નામના ચાર પુત્રો સાથે દીક્ષા લીધી. આગળ જતા આ ચારે મુનિરાજોના નામે ઔદ્રી, ચાંદ્રી, નાગેન્દ્રી અને નિવૃત્તિ નામની શ્રમણ શાખાઓ પ્રસિદ્ધ થઈ. શ્રી વજસેનસૂરિજી પણ મહાપ્રભાવક થયા. શ્રી વજસ્વામીનું આવું અદ્ભુત ચરિત્ર સાંભળી હે ભવ્યો ! તમે પણ શ્રી જિનાગમના બોધ માટે તથા ઉત્તમ ગુણોનાં ઉપાર્જન માટે સતત પ્રયત્ન કરો.
૨૫
બીજા પ્રભાવક ધર્મોપદેશ વખતે સ્વયંની લબ્ધિથી પ્રબળ યુક્તિ હેતુ ઉદાહરણપૂર્વક શ્રોતાને ધર્મના રંગે રંગી ધર્મશ્રદ્ધા ઉપજાવે અને ધર્મબોધ સ્થિર કરી શકે તે ધર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય. તે સંબંધમાં શ્રી સર્વજ્ઞસૂરિજીનું દૃષ્ટાંત છે.
શ્રી સર્વજ્ઞસૂરિજીનું દૃષ્ટાંત શ્રીપુર નામના નગરમાં શ્રીપતિ નામના ધર્મિષ્ઠ શેઠ રહે. તેમને કમલ નામનો એક પુત્ર. તે બધી કળામાં નિપુણ પણ ધર્મથી સદા દૂર રહે. જયાં દેવ-ગુરુનું નામ આવે ત્યાં તેને ઊભા રહેવામાંય અડચણ. એકવાર શેઠે તેને શિખામણ આપતાં કહ્યું- “દીકરા ! બોંતેર કળામાં આપણે નિપુણ છતાં જો ધર્મકળા ન જાણતા હોઇએ તો આપણે અજાણ જ કહેવાઇએ. સર્વકળામાં શ્રેષ્ઠ તો ધર્મકળા છે.”
કમલે કહ્યું- “આપણે કોઇનું ખરાબ ન કરીયે, આપણે મેળવેલું આપણી રીતે વાપરીએ એ ધર્મ જ છે ને? સ્વર્ગ અને મોક્ષ બધું અહીં જ છે. કેટલીક વાર તો ધર્મની વાત કરનારા પોતાના સ્વાર્થને ધર્મના નામે જ સાધે છે. તમને ગમે તો તમે તમારે ધર્મ કર્યા કરો. આપણા ગળે તો આ વાત ઉતરતી નથી.” એમ કહી બહાર ફરવા નીકળી જાય. બાપાની વાત પૂરી સાંભળે પણ નહીં. એકવાર શેઠે કહ્યું- તું મારી સાથે ગુરુ મહારાજના દર્શને ચાલ, સાંભળવાથી કાંઈ ચોંટી જતું નથી.” એમ સમજાવી તેને લઈ ઉપાશ્રયે આવ્યા. ગુરુ મહારાજે કહ્યું- “જો ભાઈ! હું તને ધર્મકથા કહું તું અમારી તરફ ધ્યાન રાખી બરાબર સાંભળજે ન સમજાય તો પૂછજે.” ધર્મકથા કહી ગુરુજીએ પૂછ્યું-"તને સમજણ પડી ને?' તેણે કહ્યું- “જી મહારાજ, થોડી પડી ને થોડી ન પડી. કેમકે તમે બોલતા હતા ત્યારે તમારો ઘોઘરો (ગળાની હાડકી) ઉંચો નીચો થતો હતો તે મેં એકસો આઠ વાર ગણ્યો. પછી તમે ઉતાવળે ઉતાવળે બોલવા લાગ્યા એટલે ગણવું મુશ્કેલ થઈ ગયું.”
આ સાંભળી બેઠેલાં માણસો હસી પડ્યાં. મહારાજશ્રીએ પણ અયોગ્ય જાણી તેની ઉપેક્ષા કરી. વળી એક બીજા ઉપદેશક ધર્મગુરુ પાસે શેઠ કમલને સમજાવી લઈ આવ્યા. તેમણે કમલની