________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
રાજાએ પૂછ્યું-‘ભગવન્ !' એ બિચારીનું શું થશે ?’ ભગવાને જણાવ્યું-‘રાજા ! તેણે દુગંછા કરી જે કર્મ બાંધ્યું હતું તે અતિ તીવ્રતાથી ભોગવી લીધું છે. ગયા ભવમાં ભાવપૂર્વક કરેલા સુપાત્રદાનના પ્રભાવથી હવે સારી સોભાગી થશે. તે યુવતી થશે ત્યારે રાજા ! એ તમારી રાણી બનશે. એકવાર તમે બંને સોગઠા રમતા હશો ત્યારે એવી શરત કરી હશે કે જે હારે તે જીતનારને ખભે બેસાડે તેમાં તમે હારશો ને એ તમારા ખભે બેસશે. આવા પ્રભુજીના વચનો સાંભળી વિસ્મિત થયેલા રાજા મહેલમાં આવ્યા ને સુખે કાળ વીતવા લાગ્યો.
૬૬
આ તરફ જ્યાં દુર્ગંધા કન્યા પડી હતી ત્યાં થોડીવારે એક ગોવાલણ આવી. હવે દુર્ગંધાની દુર્ગંધ નાશ પામી હતી. તે સુંદર ને ઘાટીલી કન્યાને જોઈ પુત્રી વિનાની એ ગોવાલણ તેને ઘેર લઇ આવી. પાળી-પોષીને મોટી કરી. દિવસે દિવસે તેનું રૂપ-લાવણ્ય અને શરીર સૌષ્ઠવ ખીલવા લાગ્યું. તેનું મુગ્ધકર યૌવન આશ્ચર્ય ઉપજાવવા લાગ્યું.
એકવાર કૌમુદી ઉત્સવમાં રાજા અને પ્રજા બધા ભેગા થયા હતા. અભયકુમાર સાથે રાજા ક્રીડા જોઈ રહ્યા હતા. તેવામાં તે કન્યા રાજાની નજરે ચઢી. ઉભરાતા યૌવનવાળી, મધુર ભાષાવાળી, વધતાં સૌભાગ્ય-ભાગ્યોદયવાળી, મોટી આંખોવાળી, પાતળી કમરવાળી, પ્રગલ્લભ ગર્વવાળી, બાળહંસ જેવી રમ્ય ગતિ-ચાલવાળી, મત્ત હાથીના કુંભ જેવા સ્તનવાળી, બિંબફળ જેવા રાતા ઓષ્ટવાળી, પૂર્ણ ચંદ્રમા જેવા મુખવાળી, ભ્રમરાના સમૂહ જેવા કાળા-કાળા વાળવાળી તે યુવતીને જોતાં જ રાજા તેના પર અનુરાગી થયા. ચતુર રાજાએ તે યુવતીના છેડામાં લાઘવ (ચપળતાવાળી કળા) થી પોતાના નામવાળી વીંટી બાંધી દીધી. ભીડમાં અભયકુમાર જેવાને પણ આ બાબતની ખબર પડી નહીં. પાછા અભિનય કરતાં રાજા બોલ્યા- ‘અરે મારી વીંટી ક્યાં ગઈ ? અમૂલ્ય વીંટી આટલામાં જ ક્યાંય પડી ગઇ છે.' પછી અભયકુમારને કહ્યું-‘મારી વીંટી શોધી કાઢજે.’ અભયકુમારે નગરમાં પ્રવેશ કરતા લોકો માટે એક દરવાજો ઉઘાડો રાખી બાકીના બંધ કરાવ્યા ને તપાસ શરૂ કરી. એમ કરતાં દુર્ગંધાના આંચલમાં બાંધેલી વીંટી અભયકુમારે પકડી પાડી ને પૂછ્યું-‘આ વીંટી તું ક્યાંથી લાવી ?' તેણે કાન પર હાથ મૂકતાં કહ્યું-‘મને કશી ખબર નથી. આ વીંટી બાબત હું કાંઇ જાણતી નથી.' તેની નિખાલસતા અને દેખાવ પરથી અભય કળી ગયા કે આ યુવતી સાચી કે છે. રાજાએ જ આ કપટ કર્યું લાગે છે.' તેઓ તેને લઇ રાજા પાસે આવ્યા ને કહ્યું-‘લો મહારાજા! આ ચોર પકડાયો. મને લાગે છે કે વીંટી તો નહીં કાંઈ બીજું જ ચોર્યું છે.' રાજાએ હસતાં કહ્યું‘સાચી વાત છે. પછી તે યુવતીનાં મા-બાપની અનુમતિપૂર્વક શ્રેણિકે તેની સાથે લગ્ન કર્યાં. રાજાને એટલી બધી વહાલી થઈ ગઈ કે થોડા જ સમયમાં તે પટ્ટરાણી બની. એકવાર તેની સાથે રાજા સોગઠાબાજી રમતા હતા. રમતમાં એવી શર્ત કરવામાં આવી કે જે હાર તેણે જીતનારને ખભે બેસાડવા. આમ કરતા રાજા જ હાર્યા. જીતેલી રાણી જરાય ખચકાટ વિના રાજાના ખભા ઉપર ચઢી બેઠી.
સામાન્યકુળમાં ઉત્પન્ન થયેલ, જો કુળના ગૌરવને સન્માન પામે તો પણ પોતાના કૃત્યથી