________________
૭૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ આ સાંભળી શ્રી ગૌતમસ્વામીએ પૂછયું-“ભગવંત ! તે અંતરગૌલિક માનવોની ગોળી કેવી રીતે મેળવે ?” પ્રભુએ કહ્યું-“ગૌતમ ! ત્યાં લોટ દળવાની મોટી ઘંટી જેવા વજામય-શીલા સંપૂટો હોય છે. રત્નદ્વીપના સાહસિક રત્નાવણિકો તે સંપુટના ઉપલા પડને ઊંચો કરી નીચલા પડમાં મદિરા, માંસ અને મધ આદિ ગોઠવે છે. પછી તેઓ જ્યાં આ અંરતગૌલિક હોય ત્યાં આવે છે. અંતરગૌલિક આ વણિકોને જોતાં તેમને મારવા દોડે. વાણિયાના માણસો આગળ ભાગતા જાય ને થોડા મદ્ય આદિના તુંબડા રસ્તામાં નાંખતા જાય, એમ ભાગતાં ભાગતાં તેઓ તે સંપુટમાં ભરાય. તેમાં અતિ સ્વાદ માંસ-મદિરાદિ જોઈ અંતરગૌલિક લીન થઈ ખાવા-પીવામાં લાગી જાય. વણિકો ચતુરાઈથી બહાર નીકળી આવી સુસજ્જ યોદ્ધાઓથી સંપુટને ઘેરી લે છે અને ઉપલું પડ પાડી દે છે. તે વખતે જો એક પણ અંતરગૌલિક બહાર નીકળી આવે તો સર્વનો નાશ કરે, એ એટલાં બળશાલી હોય. સંપુટમાં ફસાયા પછી પણ તેઓ સહેજે મરતાં નથી તેમના હાડકાં પણ વજય હોઈ સરળતાથી મચકાતાંયે નથી.
અતિ બલવાન બળદો જોડી તે ઉપલાં પડને નિરંતર એક વર્ષ જમાડવામાં આવે છે એક વર્ષની વેદના એવી હોય છે કે તેનું વર્ણન કરવું કઠણ છે. તેમના મૃત્યુ પછી પણ હાડકાના સાંધા તે ઘંટીમાં છૂટા પડે પણ હાડકાંના કટકા સ્ટેજે થાય નહીં. એમ કરતાં આંગળી આદિ અવયવના ભાગો બહાર પડતા જોઈ તે રત્નાવણિકોને વિશ્વાસ થાય કે હવે અંતરગૌલિક મૃત્યુ પામ્યા છે. પછી ઉપરનું પડ ઉપાડી હાડકાના ભૂકામાંથી ગોળીઓ શોધીને લઈ લે.”
શ્રી ગૌતમ બોલ્યા-“પ્રભુ ! ભૂખ્યા-તરસ્યા તેઓ આવી વેદના સહેતા વર્ષ સુધી જીવતા રહે?” પ્રભુ બોલ્યા- હા, ગૌતમ ! સ્વોપાર્જિત કર્મના વિપાકથી તેઓ એવા શરીર અને જીવન પામે છે. તેમ જ તે સહન કરવા તેઓ જીવતા રહે છે. હે ગૌતમ ! તે સુમતિનો જીવ પણ પરમાધામી દેવપણામાંથી એવી આવો અંતરગૌલિક મનુષ્ય થશે. ત્યાં આવી અકથ્ય વેદના સહી મરશે અને પાછો ત્યાં જ સાત ભવ અંતરગૌલિકના કરશે. નવમે ભવે વ્યંતરદેવ થશે, દશમે ભવે લીંબડો થશે, અગિયારમે નારી, બારમે છઠ્ઠી નરકે, તેરમે કોઢીયો મનુષ્ય, ચઉદને મોટા યૂથનો માલિક હાથી, પંદરમે વનસ્પતિ (અનંતકાય)માં તેમાં અનંતકાળ ભમી મનુષ્ય, મહામચ્છ, સાતમી નરકે, પછી બળદ થઈ મનુષ્ય થશે એમ ઘણા ભવો ભમી શ્રેષ્ઠિકુળમાં અવતરશે. ત્યાં તેને પાછો સારો સંયોગ મળશે અને તે દીક્ષા લઈ સુંદર આરાધના કરી અનુત્તર વિમાને દેવ થશે ત્યાંથી એવી ચક્રવર્તી થશે. અંતે રાજવૈભવ છોડી દીક્ષા પાળી કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. હે ગૌતમ ! કુશીલ આત્માઓની સંગતથી પરિણામો પડતા જ જાય છે. તેમની સંગતિ, પ્રશંસા આદિથી તેમજ તીર્થકર ભગવાનની આશાતના કરી તેથી તેને આવા અનંતા ભવ કરવા પડશે, અંતરગૌલિકના મહાદુઃખો સહેવા પડશે. માટે પતિતોની-મિથ્યાત્વીઓની પ્રશંસા ન કરવી જોઈએ. પ્રશંસાથી જાયે-અજાણે પણ કોઈ જીવ કુપથગમન કરી લે છે. (આ કથા મહાનિશીથ સૂત્રના ચોથા અધ્યયનમાં છે.)