________________
૬૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ભાઈ ! આપણને સરસ સંગાથ મળ્યો. માટે ચાલો તેમની સાથે સાથે જઇએ. બંને ભાઈઓ તેમની સાથે ચાલવા લાગ્યા. નાગિલને સાધુની સાધુતામાં સંદેહ થયો. પરીક્ષા કરતાં ખામી દેખાણી. જેમ ઝવેરી બનાવટી ઝવેરાતને ઓળખી કાઢે છે તેમ નાગિલે સાધુઓને ઓળખી કાઢ્યા. તેણે પોતાના ભાઈ સુમતિને કહ્યું – “ભાઈ ! ભગવાને શ્રીમુખે ફરમાવ્યું છે કે – “હે ગૌતમ ! કુશીલ, અવસત્ર, પાર્થસ્થા, સ્વછંદ અને શિથિલ એ પાંચ પ્રકારના માત્ર વેષધારી સાધુથી દૂર રહેવું-નજરે પણ જોવા નહીં.
માટે આપણે આમનો સાથ છોડી દેવો જોઇએ. એમની સાથે જવાથી તેમનો સંસર્ગ થાય. આલાપ-સંલાપનો પ્રસંગ આવે. સંગનો ઓછાયો પડ્યા વિના રહે નહીં અને શ્રી તીર્થંકર પ્રભુની આણાનો ભંગ થતા અનંત સંસારી થવું પડે.
આ સાંભળી સુમતિએ કહ્યું-તારે જવું હોય તો જા. હું તો આ મહાનુભાવો સાથે જ જઈશ. તારી તો મતિ ખરાબ થઈ છે જેથી આ સાધુઓમાં પણ તને દોષ દેખાય છે' આમ બોલતાં પરસ્પર ભાઈઓમાં અપ્રીતિ થવા લાગી. સુમતિ ખરેખર તો અવસરવાદી હતો. તેમાં પરમાર્થની બુદ્ધિ હતી નહીં. તેણે વળી કહ્યું-તું મોટો શાસ્ત્રોનો જાણકાર પંડિત કે જે આવા નિર્દોષ મહાનુભાવોના અવર્ણવાદ બોલે છે. કેવા તપસ્વી ને ક્રિયાકાંડી છે, તેમને તું કુશીલીયા ને અસદાચારી કહે છે? તું ભાઈ ! જબરો શ્રાવક !નાગિલે કહ્યું - “ભાઈ ! મને એમના ઉપર જરાય દ્વેષ નથી, ને હું મારી જાતને પણ મહાન માનતો નથી. પણ શ્રી જિનવચન એમ કહે છે કે આવા લક્ષણવાળા કુશીલીયા આદિ હોય તેમનું મુખ પણ ન જોવું.
સુમતિએ કહ્યું- “જેવો તું જડબુદ્ધિનો છે તેવા જડબુદ્ધિના જ આ વચનો પણ લાગે છે, જે સાધુઓની સંગતિની પણ ના પાડે છે. નાગિલે તરત ભાઈના મુખ પર હાથ મૂકતાં કહ્યું – “ભાઈ! તું આવા શબ્દો બોલી તીર્થંકર પ્રભુની આશાતના ન કર. આથી તો અનંત સંસાર વધે. તું આ સાધુઓના વખાણ કરે છે પણ ખરેખર તો તેઓ બાલ તપસ્વી જેવા છે. ચિંતામણિરત્નથી યે મોંઘા સંયમને સમજી શક્યા નથી. ગઈ કાલે એક નિરાવરણ નારીને જોતા રહ્યા પણ પોતાની દૃષ્ટિનું વારણ ન કર્યું. વળી તેની આલોચના કે પ્રતિક્રમણ પણ ન કર્યો તથા આજે સવારે વનસ્પતિના સંઘોને તેમજ કાચાં પાણીના સ્પર્શને તેમણે સાવ સામાન્ય ગણી લીધા. આવા તો કેટલાય તેમના સામાન્યજનઉચિત વહેવાર છે જે સાધુપુરુષના આચારથી સાવ વેગળા લાગે છે. આવા જીવોના સંસર્ગથી આપણી ભાવનાઓ પણ ઢીલી થાય, આપણો પુરુષાર્થ પણ પાંગળો થાય. માટે તને કહું છું ભાઈ ! એમની સંગતિ અને પ્રશંસા કરવી એ સારી વાત નથી.”
આ સાંભળી સુમતિએ કહ્યું-“ભાઈ ! એ ગમે તેવા હોય તેમાં આપણે શું? આપણે તો આપણો લાભ જોવો જોઈએ. એ કુશીલ હોય કે સુશીલ હોય, મને તો તેમનો સાથ ગમે છે. માટે મારો હાથ છોડ અને મને જવા દે. તારે ન આવવું હોય તો કાંઈ નહીં.” અને તે નાગિલનો સાથ છોડી દૂર નીકળી ગયેલા સાધુઓને જઈ મળ્યો. એમના સહવાસથી સુમતિને પણ દીક્ષા મજાની ને જરાય કષ્ટ વિનાની લાગી તેમની પાસે તેમણે દીક્ષા લીધી. ઢીલે ઢીલા મળ્યા. બધાય જાણે