________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૬૯
પથ્થરની નાવના મુસાફર ! આમ કરતાં બાર વર્ષનો મહાદુષ્કાળ પડ્યો. તે પાંચે સાધુઓએ દુષ્કાળમાં પોતાના રહ્યાંસહ્યાં આચારને નેવે મૂકી દીધા.
પોતાના અસદાચારને આલોવ્યા કે પ્રતિક્રમ્યા વિના પ્રાંતે મૃત્યુ પામીને તેઓ વ્યંતરપિશાચ આદિ દેવોના વાહન તરીકે અવતર્યા. ત્યાંથી ચ્યવી મ્લેચ્છ દેશમાં અવતરી ઘણી હિંસામઘ-માંસભક્ષણ આદિ મહાપાપ કરી સાતમી નરકમાં જશે. ત્યાંનું આયુ પૂર્ણ કરી ઘણો કાળ ભવમાં ભમી ત્રીજી ચોવીશીમાં પાછું સમકિત પામશે અને તે ભવથી ત્રીજે ભવે તેમાંથી ચાર સાધુઓ મોક્ષે જશે. પાંચમો જીવ અભવ્યનો હોઈ એકાંત મિથ્યાત્વને લીધે મુક્તિ પામશે નહીં.'
તે વખતે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીરપ્રભુને પૂછ્યું-‘ભગવંત ! સુમતિનો જીવ ભવ્ય છે કે અભવ્ય ?’ પ્રભુએ કહ્યું - ‘ભવ્ય.’ શ્રી ગૌતમે પૂછ્યું- ‘તે ક્યાં ઉત્પન્ન થયો ?' ભગવંતે કહ્યું - ‘તે પરમાધામી (નરકના જીવોને પીડા કરનાર) દેવ થયો છે.' શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું - ‘ભગવન્ ! ભવ્ય જીવ પરમાધામી થાય ?’ ભગવંતે કહ્યું - ‘હા ગૌતમ ! થાય; જે જીવ મહામિથ્યાત્વના ઉદયે પોતાના હિતચિંતક ગુરુ કે વડીલના હિતકારી ઉપદેશને અવગણે, દ્વાદશાંગીસ્વરૂપ શ્રી શ્રુતજ્ઞાનને વિરાધે, સિદ્ધાંતનો માર્ગ જાણવા છતાં જાણ્યે-અજાણ્યે અસદ્ આચારની પ્રશંસા કરનાર પરમાધામી (નરકના જીવનોને રંજાડનાર) દેવો તરીકે ઉપજે. તેવી જ રીતે સુમતિ પણ દુરાચારને પ્રશંસી શ્રી તીર્થંકરની આશાતના કરી પરમાધામી દેવપણે ઉત્પન્ન થયો છે.
શ્રી ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું-‘ભંતે ! ભાવીમાં તેની કઈ ગતિ થશે ?’ ભગવંત બોલ્યા‘ગૌતમ ! અનાચારીનો સંગ, તેની રુચિ અને પ્રશંસાથી તેમજ શ્રી તીર્થંકરની આશાતનાથી તેણે અનંત સંસાર ઊભો કર્યો છે. અનેક પુદ્ગલ પરાવર્તકાળ સુધી તેના પરિભ્રમણનો અંત આવે તેમ નથી. છતાં સંક્ષેપથી તેના થોડાં ભવ કહું.
આ જંબુદ્રીપને વીંટળાયેલા લવણસમુદ્રમાં જ્યાં ગંગા અને સિંધુ નામની મહાનદીઓ પ્રવેશ કરે છે. ત્યાંથી દક્ષિણ દિશાએ વેદિકાથી પંચાવન યોજન દૂર ગયા પછી હાથીના કુંભસ્થળના આકારનો સાડા બાર યોજન પ્રમાણવાળો સાડા ત્રણ યોજન ઊંચો એક દ્વીપ છે. તેમાં અતિઘોર અંધકારમય સુડતાલીશ ગુફાઓ છે. તે ગુફાઓમાં જળચર મનુષ્યો વસે છે. તેઓ વજઋષભનારાચ સંઘયણવાળા, અતિ બલિષ્ટ, મહાપરાક્રમી સાડા બાર હાથ લાંબી કાયવાળા અને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય છે. તેમને માંસ-મદિરાની ભીષણ લાલસા હોય છે. સ્વભાવથી જ લંપટ, કાળા, વર્ણવાળા, દુર્ગંધવાળા, કઠોર સ્પર્શવાળા અને ખરાબ ભાષાવાળા આ અંતર ગૌલિક મનુષ્ય કહેવાય છે. તેમની અંડગોળીને ચમરી ગાયના વાળમાં ગૂંથી, તેને કાને બાંધી મરજીવા લોકો સમુદ્રમાં ઉતરે છે. તે અંતરગોળીના પ્રભાવે ભયંકર જળહસ્તી, મગરમચ્છ, સુસુમાર આદિ જળજંતુઓ નજીક આવી શકતા નથી અને મરજીવાઓ દુર્લભ રત્નો મૌક્તિકો મેળવી ઘરે આવે છે. પરંતુ આ અંતરગોળી કાઢતાં તે અંતરગૌલિક મનુષ્યોને જે પીડા થાય છે તે નારકીના જીવોના દુ:ખો કરતાં કોઇ રીતે ઓછી નથી હોતી. મનુષ્યોને માર્યા વગર ગોળી મળે નહીં અને એમને મારવા એ અતિ દુષ્કર કાર્ય છે. આ મનુષ્યો અતિ બળવાન હોય છે.'