________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
કુળને પ્રકટ કરે છે. મગધસમ્રાટ શ્રેણિકના ખભા પર દુર્ગધાએ પોતે ગણિકાની પુત્રી હોવાને કારણે પગ મૂક્યો. અર્થાત્ રાજાના ખભા ઉપર ચઢી પોતાનું કુળ જાણે દેખાડ્યું. રાજાને પ્રભુની વાણી યાદ આવી.
જરાય ખચકાયા વિના પોતાના ખભા પર બેઠેલી રાણીની આ ચેષ્ટા જોઈ રાજા હસી ગયા. ખભા પરથી ઉતરેલી રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું-રાજાએ પરમાત્મા પાસેથી સાંભળેલું તેનું ગયા ભવ સહિતનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ તેને જ્ઞાનનો પ્રકાશ મળ્યો ને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજાની અનુમતિ માંગી રાજાને મનાવી દેવી દુર્ગધા રાણી પ્રભુ મહાવીર પાસે આવી અને અનન્ય ઉત્સાહથી ચારિત્ર લીધું.
આ પ્રમાણે દુર્ગધા રાણીનું ચરિત્ર સાંભળી પુણ્યશાળી જીવો સંયમી મુનિની કદી જુગુપ્સાદુગંછા કરતા નથી.
૨૨
મિથ્યાત્વ મિથ્યાત્વી લોકોની પૂજાદિ તથા ક્રિયાકાંડ આદિની પ્રશંસા કરવી, તેમના અમુક રીતરિવાજ આદિનું કીર્તન કરવું તેનું નામ પ્રશંસા નામક દૂષણ છે. આ પ્રશંસા બે પ્રકારની દેશથી અને સર્વથી હોય છે. કોઈ એક ધર્મની રીતિ-નીતિના વખાણ કરવા એ દેશથી પ્રશંસા અને અમુક ધર્મ આપણા કરતાં ઘણો સારો, એમાં કાંઈ તપ-ત્યાગ નહીં, સરળતાથી સધાય અથવા ધર્મ બધાય સારા, કોઈ ધર્મ ખોટું શિખવતા નથી એવી પ્રશંસા તે સર્વથી પ્રસંશા છે. આ પ્રશંસા કરવાથી આપણા સમ્યકત્વમાં દૂષણ લાગે છે. બીજા સામાન્ય જીવોને આપણા વચનથી સમ્યકત્વ ખોવાનો વારો પણ આવે છે. મિથ્યાત્વીની પ્રશંસા અપ્રશંસા ઉપર સુમતિ અને નાગિલનો પ્રબંધ.
સુમતિ અને નાગિલનું દષ્ટાંત. આ ભરતે મગધ દેશના કુશસ્થળ નગરમાં સુમતિ અને નાગિલ નામના બે ભાઇઓ વસતા હતા. તેઓ અતિ ધનાઢ્ય અને જીવાદિક નવતત્ત્વના જાણકાર હતાં. કાળાંતરે અશુભના ઉદયથી તેમના ધનનો નાશ થયો. ધનની ખેંચમાં પણ તેમણે સત્ય જાળવી રાખ્યું. કદી તેમણે છળ-કપટ ન કર્યું. પૌષધ-પ્રતિક્રમણ-દેવપૂજા આદિ શુભ કરણી તેઓ કદી છોડતા નહીં. દિવસે દિવસે કારમી દરિદ્રતા તેમને ભીંસી રહી. સગા-સંબંધી પણ દૂર રહેવા લાગ્યા. તેમનો માન-મોભો પણ ઓગળવા લાગ્યો. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે “એક પૈસો જતાં જાણે બધું ચાલ્યું ગયું. હવે અહીં રહેવા કરતાં પરદેશ જવું સારું છે. અને તેઓ એક દિવસ પરદેશ જવા ઉપડ્યા. રસ્તામાં તેમણે પાંચ મુનિરાજ અને એક શ્રાવકને પોતાની આગળ જતાં જોયા. નાગિલે સુમતિને કહ્યું -