________________
૭૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ હર્ષિત અને કાગડો પ્રસન્ન થાય છે. ઈત્યાદિ બાહ્ય ચિહ્નો અને કેટલાક આંતરિક ચિહ્નોથી વિષ જણાઈ શકે છે. આ તેં પાળેલાં ચકોરે લાડવા જોતાં જ આંખો ફેરવી લીધી હતી.” પછી ધનપાલ જામેલું દહીં લઈ વહોરાવા લાગ્યો. શોભનમુનિએ લેવાની ના પાડી. ધનપાલે પૂછયું, “આમાં જંતુ પડ્યાં છે?” શોભન મુનિએ કહ્યું-“ત્રણ દિવસ ઉપરાંતનું દહીં હોવાથી તેમાં જંતુ હોય માટે આ દહીં અમને ખપે નહીં.” અને ધનપાલે તે દહીંમાં અલતાના ટીપાં નાખતાં થોડીવારમાં ઝીણાં જીવો હાલતાં ચાલતાં દેખાવા લાગ્યાં. જૈનમુનિઓના અતિસૂક્ષ્મ જ્ઞાન-આચાર અને વ્યવહારથી તે અતિપ્રભાવિત થયો. મુનિશ્રી યોગ્ય આહાર વહોરી ઉતારે આવ્યા. ધનપાલ કહેવા લાગ્યો આપ તો મારા મહાઉપકારી જીવનદાતા છો જ. પણ આપને જોતાં મને મારો ભાઈ યાદ આવે છે. મુનિએ કહ્યું – “હું તમારો ભાઈ જ છું. ભાઈને ઓળખી ધનપાલ ઘણા હર્ષિત થયા, આગ્રહ કરી ભાઈ મુનિને રોક્યા. ધર્મનો રાગ થવાથી તેમણે ધર્મનો અભ્યાસ કર્યો અને શ્રાવકનો ધર્મ પણ સ્વીકાર્યો. શોભનમુનિ વિહાર કરી ગયા.
એકવાર ભોજરાજા પાંચસો પંડિત અને તેમના નાયક મહાપંડિત ધનપાલ સાથે ઉપવનમાં ક્રીડા કરવા ચાલ્યા. સહુ ઘોર જંગલમાં જઈ ચડ્યા. રાજાએ ખેંચીને એક મૃગલા પર બાણ માર્યું. વન્ય પ્રાણીઓએ નાસ ભાગ કરી મૂકી. આ જોઈ રાજાએ એક પંડિતને પૂછ્યું કે -
“શા માટે આ હરણીયાં આકાશ તરફ ઉછળે છે. અને આ ભૂંડ શા માટે પૃથ્વી ખોદતાં હોય તેમ ચાલ્યા જાય છે? પંડિતે ઉત્તર વાળ્યો કે-“તમારા અચૂક શસ્ત્રોથી ચમકી ગયેલા હરિણો જાણે ચંદ્રમાના હરિણને શરણે જવા ઉછળે છે અને આ વરાહોં (ભૂંડો) આદિવરાહ (દશાવતારમાના એક વરાહાવતાર)ની સહાય લેવા પૃથ્વીની નીચે ભૂમિ ખોદતા હોય તેમ જણાય છે.”
પછી રાજાએ ધનપાલને પૂછયું-“તમે કહો.” ધનપાલ બોલ્યા- “રાજન ! આ ડુક્કરો જમીન ખોદતાં એમ જણાવે છે કે અશરણ અને નિર્દોષ જીવને સતાવવા એ તો કુનીતિ કહેવાય, જ્યાં બળવાન નિબળોને હણે ત્યાં વ્યવસ્થા ક્યાં રહી? હા, હા. આતો અરજક્તાવાળું જગત થઈ ગયું. આવું પરાક્રમ (પૃથ્વી પગથી ખોદતા) રસાતળમાં જાવ અને રાજા આ મૃગ શું કહે છે જાણો છો ? તે કહે છે કે ડગલે ને પગલે અતિબલિષ્ટ રણરસિક યોદ્ધાઓ મળે તેમ છે. ત્યાં તમારો હિંસાનો રસ નથી પૂરાતો કે કૃપાપાત્ર એવા નિર્દોષ અમારા પર તમે ઘાતકી થાવ છો? રાજાના આ નિંદવા યોગ્ય પરાક્રમને ધિક્કાર થાવ.' આ સત્ય વાત સાંભળી રાજાને માઠું લાગ્યું. પણ કાંઈ બોલ્યા નહીં. ધનપાલે પાછું કહ્યું-“રાજન્ ! પકડાયેલા શત્રુના ઘાત વખતે જો તે ઘાસ મોઢામાં લઈ લે તો નીતિવાનું માણસો પ્રાણાંત શિક્ષાની તૈયારીમાં પણ તેને છોડી દે છે. તો પછી સદાય ઘાસ ખાનાર પશુને તો મરાય જ કેમ ?
મહાકવિની આ કરૂણામય ઉક્તિ સાંભળી રાજામાં દયાની લાગણી ઉત્પન્ન થઈ. તેને લાગ્યું કે આવા નિર્દોષ અને મૂંગા પ્રાણીઓને હણવામાં ખરેખર કાંઈ પરાક્રમ નથી.