________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૩
મિથ્યાત્વી પરિચય - મિથ્યાત્વી સાથે આલાપ, ગોષ્ઠી, મિત્રતા કે પરિચય કરવો તે સંસ્તવ નામનો દોષ છે. તેથી સમ્યકત્વને દૂષણ લાગે છે. તેમના સંસર્ગે તેમનું જાણવા જોવા મળે અને જૈનદર્શનનું સરખું જ્ઞાન આપણને ન હોય તો માર્ગમાંથી સરી-ખસી જવાય. અતિ દુર્લભ વસ્તુ એળે ચાલી જાય અને એની આપણને ખબર પણ પડે નહીં. શ્રી જૈનદર્શન અને સ્વાદ્વાદના જાણકાર તેમજ પ્રબળ શ્રદ્ધાવાનને તો કશી હાનિ થતી નથી, એટલું જ નહીં શ્રી જિનમતના સાચા જ્ઞાનીને તો મિથ્યાત્વનો પરિચય થવાથી હાનિને બદલે લાભ જ થાય છે. અવગુણને બદલે ગુણની પ્રાપ્તિ અને સ્થિરતા થાય છે. સમ્યકત્વ દઢ અને નિર્મળ થાય છે. તે ઉપર પંડિત ધનપાલનો પ્રબંધ
પંડિત ધનપાલનો પ્રબંધ ધારા નામની નગરીમાં લક્ષ્મીધર નામના બ્રાહ્મણ વસે. તેમને ધનપાલ અને શોભન નામના બે દીકરા. એકવાર ધરણીમાં ભંડારેલું પોતાનું નિધાન ખૂબ ખોળવા છતાં ન મળતાં લક્ષ્મીધર ઘણો નિરાશ થયો. બધે થાકી છેવટે શ્રી જિનેશ્વરસૂરિ નામના મહાજ્ઞાની જૈનાચાર્ય પાસે આવી પૂછવા લાગ્યો કે-“મારું નિધાન મળતું નથી. તમે અતિ પવિત્ર અને દેવાંશી પુરુષ છો. જો બતાવો તો મારું મોટું સંકટ ટળી જાય.” આચાર્યશ્રીએ કહ્યું- તારા ઘરનો અડધો માલ મને આપે તો બતાવું.” તેણે સ્વીકાર્યું. આચાર્યશ્રીએ અવિલયચક્રના આધારે તે નિધાન બતાવ્યું. તેમાંથી અડધું નિધાન અર્પણ કરવા લાગ્યો ત્યારે ગુરુમહારાજે કહ્યું-“અમારે ધન શું કરવું છે? મેં તો તારા ઘરનો અડધો માલ માંગ્યો હતો એટલે કે તારા બે દિકરામાંથી એક અમને આપ.” આ સાંભળી તે વિમાસણમાં પડી ગયો. પણ કબૂલ કરેલ એટલે બોલ્યો- હમણાં છોકરાં નાના છે પછી આપીશ.” મહારાજજી વિહાર કરી ગયા. પ્રાંતે શયામાં પડેલા લક્ષ્મીધરે પોતાના બંને પુત્રોને બોલાવી આચાર્ય મહારાજને આપેલા વચનની વાત કરી ત્યારે નાનાભાઈ શોભને કહ્યું – પિતાજી આપ ચિંતા ન કરશો. એ કલ્યાણકારી માર્ગે હું અવશ્ય સંચરીશ અને વચન પાળીશ. આ સાંભળી સંતુષ્ઠ થયેલા લક્ષ્મીધરે પ્રાણ છોડ્યા.
અંતિમ સંસ્કાર થયા પછી શોભને મોટાભાઈની અનુમતિ વિના શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. આ જાણી ધનપાલ જૈનોના દ્વેષી થઈ ગયા. પરિણામે ગુરુમહારાજે શિષ્યોને માળવામાં વિચરવાનો નિષેધ કર્યો. ધનપાલ અને શોભન બાલ્યકાળથી જ કુશાગ્ર બુદ્ધિવાળા અને આગળ જતાં પ્રખર પંડિત થયા હતા. તેમાં શ્રી શોભનમુનિની કાવ્યશક્તિ અદભૂત હતી. દીક્ષા પછી તેઓ કાવ્યગ્રંથનમાં ખૂબ જ રચ્યાપચ્યા રહેતા. ત્યાં સુધી એ એકવાર તેઓ વહોરવા ગયા ત્યારે પાત્રને બદલે પથરો ઝોળીમાં મૂકી ઉપાશ્રયે આવ્યા. ગુરુમહારાજ પાસે જઈ ગોચરી બતાવતા ઝોળીમાં પથરો જોઈ અન્ય મુનિઓ હસવા અને કહેવા લાગ્યા કે -
ઉ.ભા.-૧૬