________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૬૫
વિચિકિત્સા. શંકામાં જિનવચન પર સંદેહ થવો ત્યારે કાંક્ષામાં ક્રિયાના ફળ પ્રતિ સંદેહ હોય છે. અથવા સાધુ મુનિરાજોને કે તેમનાં વસ્ત્રોને મેલા-અસ્વચ્છ કે પરસેવાદિની દુર્ગંધવાળા જોઈ અણગમો ઉત્પન્ન કરવો કે તે બાબતનો અણગમો કહી સંભળાવવો તે પણ દુગંછા કે વિચિકિત્સા દોષ કહેવાય. આમ કરતાં વીતરાગદેવે પ્રરૂપેલા ધર્મ ઉપરની આસ્થા ડગવા લાગે અને સમકિતમાં દૂષણ લાગે માટે દુર્ગાછા ન કરવી. દુગંછા કરવાનું ફળ દુર્ગધાની કથાથી જણાય છે.
દુર્ગધારાણીની કથા રાજગૃહીના મહારાજા શ્રેણિક એકવાર મોટા ઠાઠમાઠથી પ્રભુ શ્રી મહાવીરદેવને વાંદવા ચાલ્યા. રાજમાર્ગે થઈ સમવસરણ તરફ જતા માર્ગમાં સહન ન થઈ શકે તેવી દુર્ગધથી શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી કે આ શાની દુર્ગધ છે? સેવકોએ તપાસ કરી જણાવ્યું“મહારાજા ! આ નાળા પાસે નવજાત બાળા તજી દેવાઈ છે. તેના શરીરમાંથી આ અતિ તીવ્રતર દુર્ગધ આવે છે, જે કોઈથી સહી શકાતી નથી.” આ સાંભળી રાજા પોતે ત્યાં જઈ જોઈ આવ્યા. તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી પ્રવચન બાદ તેમણે પ્રભુજીને વંદન કરી પૂછ્યું કે – “ભગવન્! હમણાં મેં અતિ ગંધાતી છોકરી જોઈ છે. તેણે પરભવમાં શું પાપ કર્યું હશે? કે જન્મતાં જ તેને તરછોડી દેવામાં આવી, ને ગંધ તો કેવી? માથું ફાટી જાય તેવી !” ભગવંતે કહ્યું- રાજા ! અહીં નજીકમાં વાણિજ્યગ્રામ નામનું ઉપનગર છે ને ત્યાં રહેતા ધનમિત્ર નામક શેઠને ધનશ્રી નામે એક દીકરી હતી. ઉનાળાની ઋતુમાં તેના લગ્ન પ્રસંગે ઘરમાં તૈયારીઓ ચાલતી હતી. તેવામાં એક મુનિરાજ તેમના ઘરે વહોરવા પધાર્યા. શેઠે દીકરીને કહ્યું- “બેટા, ઘણો સરસ અવસર મળ્યો, તારો આજ લગ્ન દિવસ છે. માટે તું લાભ લે.' ધનશ્રી નાહી-ધોઈ, સારાં-કપડાં ઘરેણાં પહેરી તૈયાર થઈ હતી. સુગંધી પદાર્થોથી તેણે પ્રસાધન કર્યું હતું. અંગવિલેપનની મહેક મહેકી રહી હતી. તે મહારાજજીને વહોરાવવા રસોડામાં ગઈ, તેમના મેલાં પરસેવાવાળા કપડાં ને શરીરમાંથી આવતી દુર્ગધથી મોઢું મચકોડવા ને નાક ચઢાવવા લાગી.
એક તો યુવાવસ્થા તેમાં વળી લગ્નનો દિવસ, ખૂબ સારી રીતે તેની સાજસજ્જા ને અંગરાગ કરવામાં આવેલ. થોડી છકી ગયેલી તે વિચારવા લાગી. “અરે આ મુનિ કેવા ગંદા છે? કેટલી વાસ મારે છે? શરીર-કપડા ચોખા રાખતા હોય તો!” આમ એને દુગંછા થઈ આવી ને તેણે દુષ્કર્મ બાંધ્યું. આ કર્મનો તેને પસ્તાવો પણ ન થયો ને તેણે આલોયણ પણ લીધી નહીં. છેવટે મૃત્યુ પામી તે આ નગરમાં જ એક ગણિકાની કૂખે ઉપની. તે ગર્ભમાં આવી ત્યારથી મા-ગણિકા બહુ પીડાતી. તેણે ગર્ભ પાડવાના ઉપાય પણ કર્યા પરંતુ ગર્ભપાત ન થયો ને છોકરી જન્મી. જન્મતા જ એવી દુર્ગધ ઘરમાં ભરાઈ ગઈ કે કંટાળીને ગણિકાએ તેને ગંદી ગંદી વિષ્ઠાની જેમ તરત ગામ બહારના નાળામાં નખાવી દીધી. એ જ બાળાને રાજા તમે જોઈને આવ્યા છો.