________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૬૩
મંત્રીએ ઘરે આવી વમન-વિરેચનના પ્રયોગે પેટ સાફ કરી જંગલી ફળના વિકારને શાંત કર્યો. મંત્રી ઋતુને અનુકૂળ પથ્યાહાર લઇ સંપૂર્ણપણે સ્વસ્થ થયો.
અર્થાત્ ઃ- રાજા અને મંત્રી જેવા જગતમાં જીવો હોય છે. રાજાની જેમ ગુણ-દોષ કે પરમાર્થ જાણ્યા વિના અન્ય ધર્મના બાહ્ય ક્રિયાકાંડ, ભજન-કીર્તન, લીલા આદિ બાહ્ય અનુષ્ઠાન જોઈ તેની આકાંક્ષા કરે તો આ રાજાની જેમ અનર્થ પામે. પરંતુ પ્રધાનની જેમ પરમાર્થવૃત્તિથી ગુણ-દોષ જાણી, સ્યાદ્વાદ માર્ગને ભજનારા, નિશ્ચલ વૃત્તિવાળા થઈ અવશ્ય સુખના ભાગી થાય છે. માટે અન્ય અન્ય દર્શન (ધર્મ)ની કાંક્ષા કરવી નહીં.
જે મનુષ્ય ગુણ-દોષ હાનિ લાભ જાણ્યા વગર સર્વદેવો ૫૨ ભક્તિવાળો થાય તે જેમ પહેલા શ્રીધર સુખ ન પામ્યો તેમ સુખ પામી શકતો નથી.
સર્વધર્મની વાંછા ઉપર દૃષ્ટાંત (૨)
ગજપુર નગરમાં સ્વભાવથી જ ભોળો શ્રીધર નામનો વણિક રહેતો હતો. એકવાર કોઇ મુનિરાજ પાસે ધર્મ સાંભળી તે પરમ શ્રદ્ધાળુ થયો, અને ત્રણે કાળ જિનપૂજા આદિ એકાગ્ર મને કરવા લાગ્યો. એકવાર તેણે જિનમંદિરમાં ભાવપૂજા કરતા પ્રભુજીના અલૌકિક ગુણની ભાવના ભાવતાં એવો નિર્ધાર કર્યો કે જ્યાં સુધી આ ધૂપ-ધાણામાંથી ધૂમાડો નીકળે ત્યાં સુધી સ્થિર થઇ મારે ધ્યાન ધરવું. તે ધ્યાનમાં બેઠો હતો ત્યાં એક મોટો કાળો સર્પ આવી ચઢ્યો અને શ્રીધરને ડંસવા લાગ્યો છતાં શ્રીધર જરાય ક્ષોભ પામ્યા વગર કાયાની ક્ષણભંગુરતા ભાવતો ધ્યાનમાં સ્થિર જ રહ્યો. ત્યાં તો શાસનદેવી પ્રકટ થઈ બોલી- ‘ઓ ભાગ્યવાન ! તને ધન્ય છે. તારી ધીરતા અને સત્ત્વથી હું રાજી થઇ છું. માટે તને જે કાંઇ ઈષ્ટ હોય તે તું માંગી લે, હું તને અવશ્ય આપીશ.’
શ્રીધરે કહ્યું -‘ધર્મના પ્રતાપે ઘણી ધરપત છે, મારે શું જોઈએ ?' આ સાંભળી દેવી ઘણાં તુષ્ટ થયાં. તેમણે શ્રીધરને એક ઉત્તમ મણિ આપ્યો. તે મણિના પ્રભાવે શ્રીધરના ઘરે વૈભવ જાણે છલકાવા લાગ્યો.
એકવાર એના કુટુંબના કોઈ સભ્યને માંદગી થઇ આવી, ઘણાં ઉપાયો અને ઉપચાર છતાં રોગે મચક ન આપી ત્યારે કોઈના કહેવાથી તેણે ગોત્રદેવીની પૂજા કરી અને નૈવેદ્ય ધર્યાં. ભાગ્યજોગે રોગીને લાભ થયો. ત્યારબાદ ઘરમાં કોઇ ને કાંઇ તો કોઇ ને કાંઇ એમ વ્યાધિ રહ્યાં જ કરે. તેના પ્રતિકા૨ માટે શ્રીધરને લોકોએ જે કાંઇ બતાવ્યું, જે દેવ-દેવી-યક્ષ આદિને પૂજવાનું જણાવ્યું, શ્રીધરે તે પ્રમાણે કર્યું.
શાંતિ, લાભ, આરોગ્ય આદિ માટે તો કાંઇ કેટલાય દેવોની પૂજા-યાત્રા-માનતા આદિ કરવા લાગ્યો. તે સામાન્ય સ્થાનોમાં સાવ સામાન્ય જનોની તેને સંગત થવા લાગી. તેમના આચાર-વિચારનો તેના પર પ્રભાવ પડવા લાગ્યો. સંગ પ્રમાણે રંગ આવે છે.