________________
૬ ૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
૨૦
કાંક્ષા ક્યાંક મતિની દુર્બળતાને લીધે, ક્યારેક ગીતાર્થ પુરુષોના વિયોગથી એકાગ્રતા-સ્થિરતાના કે નય-નિક્ષેપના બોધના અભાવે અથવા ગાઢ જ્ઞાનાવરણીય કર્મના ઉદયે, હેતુ ઉદાહરણાદિ સારી રીતે ન જાણી-સમજી શકાય તોય શ્રી સર્વજ્ઞપ્રભુનું વચન યથાર્થ જ છે એમ ચિંતવવું જોઈએ. અને પોતા સમ્યકત્વને સુસ્થિર રાખવું જોઈએ.
સંસારમાં એવા પણ કેટલાક પદાર્થો કે ભાવો છે જેને કેવલી ભગવંતો જાણે છે પણ સંપૂર્ણપણે કહી શકતાં નથી. અર્થાત્ જીવને સમજાવી શકતાં નથી. તે ભાવો અનુભવગમ્ય છે. માટે પ્રભુના વચન પર દઢ શ્રદ્ધા રાખવી. દેશથી કે સર્વથી એટલે કે કોઈ ધર્મની અમૂક કરણી, આચરણી કે માન્યતા સારી છે. કરવા આચરવા જેવી છે એવી અભિલાષા તે દેશથી કાંક્ષા અને એ ધર્મ સારો છે, માટે એ અન્યમતને સેવવા-પામવાની વાંછા તે સર્વથી કાંક્ષા કહેવાય, તેનું વર્જન કરવું. નિઃસંદેહ થઈ દ્રઢ શ્રદ્ધા રાખવી કે આ સંસારમાં જયાં કાંઈ જરા પણ સારું દેખાય છે એ શ્રી જિનેશ્વરદેવના પ્રતાપે છે. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જ આ જીવને તારનાર-ઉગારનાર છે. એમાં જ પરમાર્થ છે, નિસ્તાર છે. એ સર્વાગ સ્વસ્થ અને સંપૂર્ણ છે. એમ સમજી બીજી બીજી અભિલાષા કરવી નહીં.
સર્વધર્મની વાંછા ઉપર દૃષ્ટાંત (૧) એકવાર એક રાજા અને મંત્રી ઊંધી શિક્ષા પામેલા ઘોડા પર સવાર થઈ ફરવા નીકળ્યા. ઊંધુ શિક્ષણ મળ્યું હોવાને કારણે જેમ જેમ ઘોડા રોકવાની લગામ ખેંચી તેમ તેમ ઘોડા પવનની જેમ દોડવા લાગ્યા અને ઘોર જંગલમાં ઊંડે ઊંડે ઊતરવા લાગ્યા. છેવટે કંટાળીને રાજા-મંત્રીએ લગામ ઢીલી મૂકી દીધી તો ઘોડા ઊભા રહી ગયા. ખૂબ દોડ્યા હોઈ તેમના સાંધા ઢીલા થઈ ગયા ને તે ઢળી પડ્યા.
રાજાને ઘણી ભૂખ લાગી હોવાથી ત્યાં જે મળ્યાં તે ફળ-પાંદડાં ખાવા માંડ્યાં. મંત્રીએ વિવેકબુદ્ધિથી જાણી સુપાચ્ય અને સારાં ફળથી સંતોષ માન્યો. આમ ને આમ કેટલોક સમય વીતી ગયો. રાજા અકરાંતીયાની જેમ નવરો પડી ગુણદોષ સમજ્યા વિના જંગલી ફલો ખાધાં કરે. મંત્રીએ વિપરીત અસરવાળા ફળ છોડી દીધા અને નિર્દોષ થોડા ફળથી નિર્વાહ કર્યો. જાત-જાતનાં સુંદર ફળો જોઈ રાજાનું મન ખાવા લલચાતુ અને ભૂખ પણ જબરી લાગતી એટલે રાજા તો ફળ ખાધા કરે, મંત્રીની સૂચના ગણકારે નહીં. થોડા સમયે વિખૂટા પડી ગયેલા રાજપુરુષો રાજાને શોધતા ત્યાં આવી પહોંચ્યા અને સહુ શહેરમાં પાછા આવ્યા. ઘણાં દિવસે જંગલમાંથી મહેલમાં આવેલા રાજાએ જે ભાળ્યું તે ખાવા માંડ્યું. પરિણામે તેને શૂળનો રોગ થયો અને રાજા મરણ પામ્યો.